અયોધ્યામાં રામલલા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારત સહિત રામ સાથે જોડાયેલાં મહત્વના મંદિરોના દર્શન કર્યા હતા. આ પૌરાણિક મંદિરો રામાયણના પ્રસંગો સાથે જોડાયેલા છે એટલે સ્થાનિક લોકોમાં એનું ખાસ ધાર્મિક મહત્ત્વ છે. અનુષ્ઠાનના 11 દિવસ દરમિયાન મોદીએ જુદા જુદા મંદિરોના દર્શન અને પૂજાવિધિ કરી હતી. નાસિકના કાલારામ મંદિરેથી અનુષ્ઠાનના આરંભ સાથે જ સાફ-સફાઈ કરીને સ્વચ્છતા સંદેશો આપ્યો હતો. નાસિકનું એ સ્થળ અરણ્યકાંડમાં આવે છે, જ્યાં સુપર્ણખાનું નાક કાપવાની ઘટના બની હતી. એ ભગવાન રામ, લક્ષ્મણ, જાનકીનું મંદિર છે. મોદીએ આંધ્ર પ્રદેશના લેપાક્ષી મંદિરમાં આવેલા વીરભદ્ર મંદિરના દર્શન કર્યો હતા. વીરભદ્ર મંદિરમાં શિવજીનું સ્વરૂપ બિરાજે છે. કેરળના વિખ્યાત મંદિર ગુરુવાયુરના મોદીએ દર્શન કર્યા હતા. એ મંદિર ભગવાન વિષ્ણુના અવતારને સમર્પિત છે. વૈષ્ણવ પરંપરાના 108 મંદિરોમાં આ મંદિરનો સમાવેશ થાય છે. દેવકી-વાસુદેવે આ મંદિરમાં પ્રાર્થના કરી હતી એવું મનાય છે ને ગુરુવાયુર કૃષ્ણના યદુવંશના કુળદેવતા ગણાય છે. ભગવાન શ્રીરામે જ્યાં શિવજીનું મંદિર બનાવ્યું હતું અને જે મંદિર રામેશ્વરથી જગવિખ્યાત થયું તે તમિલનાડુના રામેશ્વરમમાં મોદીએ દર્શન કરવા ઉપરાંત અગ્નિ તીર્થમાં ડૂબકી લગાવી હતી. રામસેતુના સ્થળે પણ મોદીએ પ્રાર્થના કરી હતી. તેમણે તમિલનાડુના જ શ્રીરંગનાથન સ્વામી મંદિરમાં પૂજા-અર્ચન કર્યું હતું, અને ગજરાજના આશીર્વાદ લીધા હતા. આ મંદિર પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ચારધામમાં રામેશ્વરની સાથે આ મંદિરના દર્શનનું ખાસ ધાર્મિક મહત્વ હોય છે. વડાપ્રધાન મોદીએ અયોધ્યાના મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વિવિધ ધર્મસ્થાનોમાં જઇને આશીર્વાદ મેળવ્યા હતા.

