વડાપ્રધાન સૂર્યોદય યોજનાઃ એક કરોડ ઘર પર સોલર પેનલ લાગશે

Wednesday 24th January 2024 08:13 EST
 
 

અયોધ્યાઃ રામમંદિરમાં સોમવારે પ્રાણ પ્રતિષ્ઠાવિધિ કરીને પાટનગર પાછા ફર્યા કે તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર, વડાપ્રધાન સૂર્યોદય યોજના હેઠળ આખા દેશમાં એક કરોડ ઘર પર રૂફટોપ સોલર લગાડવામાં આવશે. અયોધ્યામાં રામમંદિરમાં અભૂતપૂર્વ આયોજન બાદ દિલ્હી પાછા ફરતાં જ તેમણે મોદીએ આ મોટા નિર્ણયની સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકારે ગરીબોનાં ઘરોને રોશની આપવા માટે વડાપ્રધાન સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર પેનલ લગાડવાનો નિર્ણય કર્યો છે. પોતાના સંકલ્પનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની સાથે જ તેમનો સંકલ્પ વધારે મજબૂત થયો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન સૂર્યોદય યોજનાથી ગરીબ અને મધ્યમવર્ગનાં ઘરોમાં વીજળી બિલનું ભારણ ઘટશે. તેમણે કહ્યું કે આ નિર્ણયની મદદથી ભારત ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે.
આની પહેલાં સમયમાં આવેલા અભૂતપૂર્વ પરિવર્તનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની સાથે હવે કાળચક્ર ફરી બદલાશે અને શુભ દિશા તરફ આગળ વધશે.
સૂર્યવંશી રામની પ્રેરણાથી નિર્ણય
મોદીએ અયોધ્યાથી પાછા ફર્યાનો ઉલ્લેખ કરીને સોમવારે સાંજે લગભગ 6.24 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સૂર્યવંશી ભગવાન શ્રીરામના આલોકથી દુનિયાભરના ભક્તોને ઊર્જા મળે છે.
ઘરોના ધાબા પર ખાનગી સોલર રૂફટોપ સિસ્ટમથી ઊર્જાની બાબતમાં દેશની અન્ય વિદ્યુત સ્રોત પરની નિર્ભરતા ઝડપભેર ઘટી જશે. દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર વીજબિલનું ભારણ ઘટશે. વડાપ્રધાન મોદીએ અન્ય એક એક્સ પોસ્ટમાં દેશવાસીઓને પોતપોતાના ઘરમાં રામજ્યોત પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કરવાની અપીલ કરી હતી. તેમણે આ અપીલની સાથે રામમંદિરના અનુષ્ઠાનવાળો વીડિયો પણ શેર કર્યો છે.


comments powered by Disqus