લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં રોવલી રેજિસ ખાતે ઓલ્ડબરી રોડ પર ગુરુદ્વારાથી પરત ફરી રહેલી 81 વર્ષીય શિખ વૃદ્ધા સુરિન્દર કૌરને ટક્કર મારી મોત નિપજાવનાર ભારતીય મૂળના એક વ્યક્તિ સહિત બેને જેલની સજા ફટકારવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર 26 વર્ષીય અર્જુન દોસાન્જ અને 51 વર્ષીય જેક વિયાટ્રોવસ્કી એકબીજાને જાણતા નહોતા. તેઓ એક ટ્રાફિક સિગ્નલ પર પોતપોતાના વાહન સાથે ઊભા હતા ત્યારે બંને વચ્ચે રેસ લગાવવાનું નક્કી થયું હતું. બંને ભયજનક રીતે સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે વાહનો હંકારી રહ્યાં હતાં ત્યારે સડક પાર કરી રહેલા સુરિન્દર કૌરને દોસાન્જની કારે ટક્કર મારી હતી. જેના પગલે તેમનું મોત થયું હતું. વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે બંનેને દોષી ઠેરવી 6 વર્ષની જેલની સજા ફટકારી હતી અને આઠ વર્ષ માટે ડ્રાઇવિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
