સમાજોપયોગી સંશોધન કરનાર યુવા સંશોધકોને WAAH સાયન્સ લોરેટ્સ સન્માન

Thursday 25th January 2024 01:21 EST
 
 

અમદાવાદઃ શહેરના વિક્રમ એ. સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અને વી આર ઓલ હ્યુમન્સ (WAAH - ‘વાહ’) સંસ્થાના ઉપક્રમે યોજાયેલા સાયન્સ લોરેટ્સ એવોર્ડ સમારંભને સંબોધતા ડો. પંકજ જોષીએ કહ્યું હતું કે ગુજરાતમાં વિજ્ઞાન-ગણિત ક્ષેત્રે વિદ્યાર્થી ઘટી રહ્યા છે ત્યારે WAAH અને તેના સ્થાપક પ્રફુલ્લભાઇ અમીન દ્વારા વિજ્ઞાન અને ગણિતને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બનાવવા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના માધ્યમથી હાથ ધરાયેલી પ્રવૃત્તિ ખારા રણમાં મીઠી વીરડી સમાન છે. ભાવિ વિજ્ઞાનીઓના ઘડતર માટે આ પ્રકારની પ્રવૃત્તિની આજે બહુ જરૂરી છે.
સતત ત્રીજા વર્ષે યોજાયેલા એવોર્ડ સમારોહમાં સમાજ ઉપયોગી સંશોધન કરનાર - જુનિયર અને સિનિયર કેટેગરીના - સાત વિદ્યાર્થી અને તેમના માર્ગદર્શક એવા સાત મેન્ટર્સને કુલ રૂ. 6 લાખની સ્કોલરશિપ અને ટ્રોફીથી સન્માનિત કરાયા હતા. સાથે સાથે જ બે બેસ્ટ WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સને એક્સલન્સ એવોર્ડ એનાયત થયા હતા. આ પ્રસંગે WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સના વિદ્યાર્થીઓ વચ્ચે ઇન્ટર-સ્કૂલ સાયન્સ ક્વીઝ પણ યોજાઇ હતી. ક્વીઝમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 11 ટીમે ભાગ લીધો હતો, જેમાંથી 4 વિજેતા ટીમને પુરસ્કાર અને સન્માનપત્ર એનાયત થયા હતા.
વિદ્વાન પ્રોફેસર અને અમદાવાદ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજીના સ્થાપક ડિરેક્ટર ડો. પંકજ એસ. જોશીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદ્ - પર્યાવરણવાદી પદ્મશ્રી કાર્તિકેય વી. સારાભાઇ, પ્રકાશક - તંત્રી સી.બી. પટેલ, WAAH ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફુલભાઇ અમીન તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડો. જોષીએ તેમના સંબોધનમાં વિજ્ઞાનીઓ દ્વારા થયેલા સંશોધનકાર્ય અને વિશ્વ પર જોવા મળતી તેની અસરોનો ઉલ્લેખ કરતાં યુવા સંશોધકોને કહ્યું હતું કે તમારું અત્યારનું એક નાનું પગલું વિકાસનો માર્ગ ખોલી શકે છે. ગુજરાતમાં વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓનો રસ ઘટી રહ્યો છે તેનું કારણ એ છે કે રાજ્યમાં વિજ્ઞાન માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપૂરતું છે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આજે અન્નક્ષેત્ર કે હોસ્પિટલના નિર્માણ માટે અઢળક નાણાં અપાય છે, પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે શું જરૂરત છે તેની જાણકારીનો અભાવ છે. આ સંજોગોમાં પ્રફુલભાઇ અને WAAH સંસ્થા દ્વારા થયેલી આ નાનકડી શરૂઆતનું વિશેષ મહત્ત્વ છે,
આ પ્રસંગે પદ્મશ્રી કાર્તિકેય વી. સારાભાઇએ ડો. વિક્રમ સારાભાઇનું વિઝન રજૂ કરતાં જણાવ્યું હતું કે તેઓ કઇ રીતે બાળકોમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા પ્રયત્નશીલ રહ્યા હતા. યુવા સંશોધકોને તેમણે કહ્યું હતું કે ‘હંમેશા કંઇક અલગ, ચીલાચાલુ ઢબથી અલગ વિચારો. આ અભિગમ તમને આગવો દૃષ્ટિકોણ અને પ્રગતિનો માર્ગ કંડારવામાં ઉપયોગી બનશે.’
પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે તેમની આગવી હળવી શૈલીમાં સંબોધન કરતા વિજેતાઓને અભિનંદન આપતા વિક્રમ સારાભાઇ સાયન્સ સેન્ટર અને પ્રફુલભાઇની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે શેક્સપિયર ભલે કહી ગયા કે નામમાં શું છે? પણ સારાભાઇ નામ પર નજર ફેરવશો તો નામનું મહત્ત્વ સમજાશે. અંબાલાલ સારાભાઇથી માંડી આજે પદ્મશ્રી કાર્તિકેય સારાભાઇ સુધીના સહુ સમાજ ઉપયોગી યોગદાન આપતા રહ્યા છે.
વિક્રમ સારાભાઇએ વિજ્ઞાન ક્ષેત્રે આપેલું યોગદાન તો અતુલનીય છે. આ દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં શ્રીની સાથે સાથે જ સરસ્વતી પણ વસે છે.
નિવૃત્તિ બાદ લંડન છોડી ગુજરાતના ગાંધીનગરમાં વસી ગયેલા અને વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે પ્રતિબદ્ધ પ્રફુલભાઇની કામગીરીને બિરદાવતા સી.બી. પટેલે કહ્યું હતું કે તમે ખરેખર અદભૂત કામ કરો છો. એક સમયે મિડલેન્ડ - બર્મિંગહામમાં વસતો આ માણસ કાં તો માર્ગ ભૂલ્યો છે અને કાં તો સમાજને વિજ્ઞાનના માર્ગે લાવવા પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે પ્રફુલભાઇએ કહ્યું હતું કે ભારતમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તો ઘણા છે, પરંતુ અફસોસની વાત એ છે કે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે તેમને યોગ્ય તક મળતી નથી.
‘વાહ’ સંસ્થાની સ્થાપના પાછળનો ઉદ્દેશ રાજ્યના ખૂણેખાંચરે, ગરીબ - આદિવાસી વિસ્તારોમાં વસતાં આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધી શોધીને તેમને યોગ્ય તક પૂરી પાડવાનો છે. આપણે વિજ્ઞાનના ક્ષેત્રે આગળ વધવું હશે તો આ અભિગમ બદલવો પડશે.
વિજ્ઞાનની સાથે સાથે સાહિત્યસર્જનમાં પણ વિશેષ અભિરૂચિ ધરાવતા પ્રફુલભાઇએ આશાવાદ દર્શાવતી ચાર પંક્તિ સાથે પ્રાસંગિક પ્રવચનનું સમાપન કરતાં કહ્યું હતુંઃ
સૌના સહકારથી કાશી જવાશે,
સહારે સહારે હિમાલય ચઢાશે,
આજે ચંદ્ર, કાલે મંગળ પણ જવાશે.
કાર્યક્રમ પ્રારંભે વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ સુરકારે મહેમાનોને આવકારતા સંસ્થાની પ્રવૃત્તિનો પરિચય આપ્યો હતો. જ્યારે કાર્યક્રમના અંતે ડો. નમ્રતા દવેએ આભારવિધિ કરી હતી.


comments powered by Disqus