સુરત: ઈતિહાસ સાક્ષી છે કે કુદરતી આફતમાં મદદ કરવાની હોય કે કઈ નવસર્જન કરવાનો અવસર, દરેક પળે હીરા ઉદ્યોગકારો તન, મન અને ધનથી પોતાનું યોગદાન આપે છે. આ જ રીતે સુરતના પ્રસિદ્ધ લાખી પરિવારે અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરના તમામ 18 દરવાજાને સોનાથી મઢવા અંદાજે રૂ. 68 કરોડના 101 કિલો સોનાનું દાન આપીને પોતાની ભક્તિભાવના દર્શાવી છે.
રામમંદિરને મળેલા અત્યાર સુધીના દાનમાં આ સૌથી મોટું દાન છે. મુંબઇ અને સુરતમાં વેપાર કરતાં લાખી પરિવારે ભૂતકાળમાં 110 કિલો સોનું સોમનાથ મહાદેવને દાનમાં આપ્યું છે. જેમાંથી મંદિરના ગર્ભ ગૃહ, ત્રિશુલ, ડમરુ, નાગ દંશ, પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે.
મુંબઈ રહેતા દિલિપ લાખીના ડાયમંડ ઉદ્યોગના સુરત ખાતે વસતા પાર્ટનર ભીખુભાઈ ધામેલિયાએ કહ્યું હતું કે, ‘વિસનદાસ હોનારામ ફેમિલી એટલે કે, લાખી પરિવાર દ્વારા 101 કિલો સોનું શ્રીરામ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યું છે.’
મોરારીબાપુએ રૂ. 16 કરોડ, ગોવિંદભાઇએ રૂ. 11 કરોડ આપ્યા
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં મળેલા દાનમાં આ રકમ સહુથી વધારે છે. રામમંદિરના નિર્માણ કાર્યની શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી વધુ દાન કરનારાઓમાં ગુજરાતીઓ ટોચ પર છે. કથાકાર મોરારી બાપુએ 16.3 કરોડ રૂપિયા, સુરતના ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિયા અને લવજીભાઈ બાદશાહે 1 કરોડનું દાન આપ્યું છે.

