આષાઢના દિવસોમાં સમજવું પડે ગિરનારની સાંસ્કૃતિક અસ્મિતા વિષે...

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 24th July 2024 07:19 EDT
 
 

કવિકુલગુરુ કાલિદાસનો યક્ષ “આષાઢસ્ય પ્રથમ દિવસે”નું મેઘ-ગાન કરે તેની સમાંતરે 26 કરોડ વર્ષથી એક ભવ્ય સ્થાન જળ-થળ-સૂર્યનું સાક્ષી-ગીત સંભળાવતું રહ્યું હોય તો તે ગિરનાર છે. સનાતન શ્રદ્ધા પ્રમાણે ત્યાં આજ સુધી 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ છે, નવ “નાથ” વસે છે, બાવન વીર વિરાજિત છે, 64 યોગિનીને ગિરનાર જ પસંદ પડ્યો છે, ચોર્યાસી સિદ્ધની આ યોગ ભૂમિ છે.
 મહત્વની વાત તો એ છે કે અહી માત્ર ધર્મ નહિ, સાથેજ ઇતિહાસ, ભૂગોળ, સમાજજીવન અને સાહિત્યનો પણ યોગ થયો છે. ભાગોલિક નકશા પ્રમાણે તે હિમાલયથી પ્રાચીન છે, તો કેટકેટલા યુગોને, કહો કે યુગાંતરોને તેણે નિહાળ્યા અને સરજ્યા હશે? અહી યોગ છે, સાધના છે, યુદ્ધો છે, જય-પરાજય છે, આપત્તિ અને આનંદ છે, રાણકદેવડીની ભીતરનો ચિત્કાર છે અને માતૃશક્તિની કરુણા પણ છે. કહે છે કે રાજવી ભર્તૃહરી સંસાર જીવનના મેઘધનુષનો અનુભવ કરીને અહી આવ્યો હતો. “યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા?( અરે, જેને હું ચાહું છું તે તો મારાથી જ વિરક્ત છે!) આ કડવા સત્ય પછી તેણે અહી કેટલાંક “શતક” લખ્યા! જીવનની કઠોર વાસ્તવિક્તા અને જીવનની પેલી પારની અખંડ સાધના: બંનેનો કોઈ એક જગ્યાએ આવિષ્કાર હોય તો તે ગિરનારની તળેટીથી દત્તાત્રેયના શિખર સુધીનો છે.
એટ્લે માત્ર પર્વત કે પરકમ્માથી ગિરનારની ઓળખ થઈ શકે તેમ નથી. તે સમગ્ર જીવન-દર્શનની ભૂમિ છે. એકવાર અટલબિહારી વાજપેયી અહી આવ્યા હતા. સભામાં કોઈએ તેમને અવધૂત કહ્યા એટ્લે શરૂઆતમાં જ તેમણે કહ્યું:” અટલ કે અવધૂત મૈ નહિ હું, અટલ તો યે દિખાઈ ડે રહા હૈ ના, વો ગિરનાર હૈ!” એક કવિ રાજનેતાની ગિરનારને આ કેવી ઉચિત આદરાંજલિ !
હા, હમણાં ગુરુપૂર્ણિમાના અવસરે ગિરનારના સાંનિધ્યમાં આવેલા રૂપાયતન પરિસરમાં ગુજરાત અને બહારથી 60 જેટલા કવિઓ એકત્રિત થયા હતા. જાતે કરેલા ખર્ચથી આવ્યા અને એક પૂર્વ સરકારી ઓફિસર દિલીપ ધોળકિયા અને તેમના સાથીદારોએ સંપાદિત કરેલું “મહામહિમાવંત ગિરનાર” પુસ્તકનું લોકાર્પણ થયું. આ પુસ્તક્મા 111 કવિઑના 151 કાવ્યોનો સંચય છે. ધ્યાન દોરે તેવી વાત એ છે કે બધાં જ કાવ્યો ગિરનારને ઉદ્દેશીને છે. કેટલાક જ જાણીતા , બીજા નવોદિતો છે.સાહિત્યની સંસ્થાઓએ દૂર અંતરિયાળ ગામોમાં પોતાની રીતે અભિવ્યક્ત થતી આવી કલમોને પ્રોત્સાહિત કરવી જોઈએ એવું હું પહેલેથી માનું છું. અહી સંપાદકે એવું કર્યું ત્યારે સહજ રીતે ગિરનાર ચિંતન થયું.
 આમ તો રામચરિતને સ્વયં કાવ્ય કહેવાયું છે, પછી રામાયણ જેવુ દુનિયામાં ઉત્કૃષ્ટ મહાકાવ્ય રચાયું. ગિરનાર છે તો શિખરોનો સમૂહ. ક્યા જ્વાળામુખીમાથી સરજાયો હશે, પણ તે જીવંત છે તેનું સાક્ષી લોકસાહિત્ય છે. પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ પર ચડાઈ કરીને મહામુશ્કેલીએ જીત મેળવી તો રા’ખેંગારની રાણકદેવીને પોતાની રાણી બનાવવાના ઇરાદાથી સાથે લઈ જવા પ્રયાસ કર્યો ત્યારે રાણકે કાઠીયાવાડના સાહિત્યનો બલવંત પ્રકાર “દોહો- દોહરો” ગાઈને ગિરનારને અર્થશ: ખળભળાવ્યો હતો, ને પછી તેજસ્વિનીએ સ્વરૂપ બદલાવ્યું માતાની કરુણાનું. “મા પડ મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે?” દોહારથી ગિરનાર શાંત થયો! ઈતિહાસકારો રાણક થયાની જ ના પાડે છે પણ તો આટલી લોકકથાઓ અને લોકગીતોમાં તે હજુ સુધી કેમ અસ્તિત્વમાં છે? જૂનાગઢનો એક બીજો રાજવી રા’માંડલિક અમદાવાદનાં સુલતાન મોહમદ બેગડાથી હારી જઈને ઇસ્લામનો સ્વીકાર કરવો પડ્યો તેની કબર અમદાવાદનાં માણેક ચોકની ચાલ્લાની ઑમાં છે એવું ઈતિહાસમાં નોંધાયું પણ ખરેખર તો અમરેલી નજીક તે યુદ્ધમાં લડતા લડતા માર્યો ગયો તેની ખાંભી પણ છે!
ગિરનારનું સાક્ષિત્વ અને સક્રિયતા બંને સંશોધનનો વિષય છે. ચક્રવર્તી અશોક વિષે હવે જે સંશોધન થયું તે પ્રમાણે સંજીવ સાન્યાલના પુસ્તક ભારતીય સમુદ્રની બદલાતી અવસ્થા (અંગ્રેજી) પુસ્તક મુજબ તો અશોક ભાઈની કતલ કરીને રાજગાદી પર બેઠો પછી કલિંગ વિજય પછી પણ હિંસાચારી રહ્યો હતો, તેનો શિલાલેખ ગિરનારની તળેટીમાં અહિંસા અને જીવદયાનો ઉપદેશ-આજ્ઞા આપે છે, પણ તેની પાછળ જ રૂદ્રદામનનો અભિલેખ જુનાગઢ પર નદી અને પૂરને લીધે પ્રચંડ વિનાશ થયો ત્યારે તમામ શક્તિ લગાવીને બંધનું બાંધકામ કરાવીને લોકોને બચાવી લીધા હતા. પ્રજાકીય કલ્યાણ માટે રાજ્ય શાસને ઉપદેશ નહિ, આચરણ કરવું જોઈએ આ સનાતન વાત અહી તળેટીમાં પડી છે.
એક રસપ્રદ વાત બરાબર ગુરુ પુર્ણિમાના દિવસે જ ગિરનારના સંદર્ભમાં જાણવા જેવી છે. નાથ સંપ્રદાય મહારાષ્ટ્રમાં નામદેવ જ્ઞાનેશ્વર સુધી અને ઉત્તર પ્ર્દેશમાં ગોરખપુર સુધી વિસ્તાર પામ્યો તેનો અચલ સાક્ષી ગુરુ દત્તાત્રેયનો શિખર-વૈભવ છે. શિષ્ય મત્સ્યેંદ્રનાથ આસક્તિમાં પડ્યા ત્યારે ગુરુ ગોરક્ષનાથ ચીપિયો પછાડતા ગિરનાર સુધી આવ્યા હતા. લોકબોલીમાં “ચેતમછંદર ગોરખ આયા! “ ની સાવધાનીનું ગુરુ કર્તવ્ય બજાવ્યું! સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્રના એક તેજસ્વી કાર્ટૂનિસ્ટ અને પત્રકાર કેશવલાલ ધનેશ્વ્રર દવેએ તો રાજ્યસત્તાનાની સામે “ચેતમછંદર “ નામે સાપ્તાહિક શરૂ કરીને વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. તેની એક કોલમનું નામ હતું, “ગોરખનાથના ધૂણેથી!”
­એક ભુલાઈ ગયેલો દસ્તાવેજ સ્વામિ વિવેકાનંદ વિશેનો છે. આખા દેશમાં સૌથી વધુ સમય તેમણે ગુજરાતમાં ગાળ્યો હતો. નડિયાદ, અમદાવાદ, લીંબડી, ભાવનગર, પોરબંદર, કચ્છ, જામનગર, દ્વારિકા , શિહોર સુધી આ યોદ્ધા સન્યાસી પહોંચ્યા તેમાં જુનાગઢ અને ગિરનાર, સોમનાથ અને જેતલસરની ઘટનાઓ ઐતિહાસિક છે, ગિરનારની ગુફાઓમાં તેમણે તપ કર્યું, સોમનાથ ખંડિત સોમનાથની ભેખડ પર બેસીને મહા સમુદ્રની સામે ધ્યાનવસ્થામાં બેઠા અને કન્યાકુમારીની પૂર્વે અહી ભરતમાતાનો સાક્ષાત્કાર કર્યો, જેતલસર સ્ટેશને ઠંડીગાર રાતે સ્ટેશન માસ્ટર હરગોવિંદદાસ અજરામર પંડ્યા (મોટાભાઇ)ની સાથેના વરતલપમાં શિકાગો ધર્મ પરિષદમાં જવાનું બીજ રોપાયું હતું! એટ્લે ગિરનાર અલગ અને આગવો છે!


comments powered by Disqus