અમેરિકાના પ્રમુખ જો બાઇડને આખરે આગામી પ્રમુખપદની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. તેની સાથે જ અમેરિકા અને સમગ્ર વિશ્વમાં રિપબ્લિકન પાર્ટીના કદાવર ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની સામે ડેમોક્રેટ પાર્ટીનો કયો ઉમેદવાર બાથ ભીડશે તે અંગે પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. આમ તો જો બાઇડને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના નામની જાહેરાત અને તેમને સમર્થન જારી કરી દીધાં છે. ઘણા ડેમોક્રેટ નેતાઓએ પણ હેરિસની ઉમેદવારીને સમર્થન જાહેર કર્યું છે તેમ છતાં સવાલ પૂછાઇ રહ્યો છે કે શું એક અશ્વેત ભારતીય મૂળની અમેરિકન મહિલા આગામી પ્રમુખ બની શકશે? ડોનાલ્ડ ટ્રમ્પની સામે બાથ ભીડવા માટે પાર્ટી તરફથી કમલા હેરિસની ઉમેદવારી પર વિધિવત મહોર વાગે તે પહેલાં તેમની સામે ઘણા પડકારો છે. કમલા હેરિસનું સૌથી નબળુ પાસુ તેમનું અશ્વેત અને ભારતીય મૂળ છે. રૂઢિચુસ્ત શ્વેત અમેરિકનો આજે પણ વંશીય ભેદભાવના દુષણથી ગ્રસ્ત છે. ઘણા ડેમોક્રેટ નેતાઓને એવો પણ ભય સતાવી રહ્યો છે કે જો કમલા હેરિસ ઉમેદવારી કરશે અને નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં પરાજિત થશે તો તેનો દોષનો ટોપલો પણ તેમના પર આવશે કે તેમણે શા માટે કમલા હેરિસને ઉમેદવારી કરતાં ન અટકાવ્યાં. બીજીતરફ કમલા હેરિસને પ્રમુખપદના મજબૂત ઉમેદવાર તરીકે સ્વીકારવા ડેમોક્રેટ વરિષ્ઠો તૈયાર નથી. 2020ની ડેમોક્રેટિક પ્રાયમરીમાં તેમનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હતું અને પ્રથમ કોકસના આયોજન પહેલાં જ તેમણે જો બાઇડનના સમર્થનમાં દાવેદારી પાછી ખેંચી લીધી હતી. બાઇડનના ચૂંટાયા બાદ વાઇસ પ્રેસિડેન્ટ બનેલા કમલા હેરિસે કામગીરીમાં નોંધાવેલી નાદારી પણ તેમની સામે પડકારરૂપ બની શકે છે. કમલા હેરિસને ભલે બાઇડનના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હોય પરંતુ વરિષ્ઠ ડેમોક્રેટ નેતાઓએ હેરિસને સમર્થન આપ્યું નથી. પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ કમલાની ઉમેદવારીને સમર્થન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરીને હેરિસની રાજકીય કુશળતા પરની શંકાઓના નિવારણ માટે સ્પર્ધાત્મક નોમિનેશન પ્રોસેસ હાથ ધરવાની માગ કરી છે. અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ પણ હજુ તેમનું વલણ સ્પષ્ટ કર્યું નથી. મેજોરિટી લીડર સેનેટર ચક સ્કુમર, માઇનોરિટી હાઉસ લીડર હકીમ જેફરિઝ જેવા સંખ્યાબંધ વરિષ્ઠો હજુ હેરિસના સમર્થનમાં આગળ આવ્યા નથી. કમલા હેરિસના ઘણા ટીકાકારો પાર્ટીમાં જ છે જેઓ નથી ઇચ્છતા કે તેઓ પ્રમુખપદના ઉમેદવાર બને. તેમના મતે કમલા હેરિસને પણ મતદારો બાઇડનની જેમ જ નકારી કાઢશે. ઘણા ડેમોક્રેટ નેતાઓએ પાર્ટીના નેશનલ કન્વેન્શનની માગ કરી છે જેથી પ્રમુખપદના ઉમેદવારની પસંદગી કરી શકાય. આમ કમલા હેરિસે પ્રથમ વૈતરણી તો ડેમોક્રેટિક પાર્ટીમાં પોતાની ઉમેદવારી પર મંજૂરીની મહોર મરાવીને પાર કરવાની છે. એવું નથી કે બાઇડનના સમર્થનને કારણે કમલા હેરિસને લાભ થવાનો નથી. તેમને પડકારનાર કોઇપણ ડેમોક્રેટ નેતાએ પણ ઘણા પડકારોનો સામનો કરવો પડશે. તેમ છતાં અત્યાર સુધી જો બાઇડનને સમર્થન આપી રહેલાં ઘણા ડેમોક્રેટ ડેલિગેટ્સ હવે ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપી શકે તેવા નેતાને સમર્થન આપવા સ્વતંત્ર બની ગયાં છે. બની શકે કે તેમાંના કેટલાક હેરિસને સમર્થન આપે અથવા તો અન્ય કોઇ ઉમેદવારની પણ તરફેણ કરી શકે છે. ટ્રમ્પ સાથેની ચર્ચામાં બાઇડનની હારાકિરી અને ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ હાલ રિપબ્લિકન ઉમેદવારનો લોકપ્રિયતાનો ગ્રાફ ચરમ પર પહોંચી ગયો છે ત્યારે કમલા હેરિસ રિપબ્લિકન વોટ બેંકમાં સેંધ મારી શકે તેવી કોઇ શક્યતા નથી. પરંતુ તેમણે ડેમોક્રેટ મતદાતાઓને જાળવી રાખવાનું નેરેટિવ ઊભું કરવું પડશે. કમલા હેરિસ માટે આગામી પથ કાંટા ભરેલો રહેશે તેમાં કોઇ શંકા નથી.
