બાંગ્લાદેશમાં આરક્ષણ પર હિંસાઃ 135નાં મોત, 2500 ઘાયલઃ પોલીસકર્મીઓ પણ ઘાયલ

Wednesday 24th July 2024 07:48 EDT
 
 

ઢાકાઃ નોકરીમાં આરક્ષણ ખતમ કરવાની માગ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બની ગયું. સ્થિતિ એટલી વણસી કે પોલીસ સાથેના ઘર્ષણમાં 135 પ્રદર્શનકારીનું મોત થઈ ગયું, તો 2500થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. પોલીસના હાથમાં સ્થિતિ ન રહેતાં લાકડી, દંડા અને પથ્થર લઈને રસ્તાઓ પર ઉતરેલા લોકોએ સરકારી બસો અને ખાનગી વાહનોને આગચંપી કરી હતી.
સ્થિતિની ગંભીરતાને જોતાં બાંગ્લાદેશમાં આ સમયે બસ-ટ્રેન અને મેટ્રોસેવા બંધ કરી દેવાઈ હતી. હિંસાને વધતી રોકવા મોબાઇલ ઇન્ટરનેટ પણ બંધ કરી દેવાયું હતું. આ સાથે પ્રદર્શનકારીઓએ સરકારી ટેલિવિઝન ઓફિસને આગ લગાવી દીધી હતી. દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓએ એક જેલ પર હલ્લાબોલ કર્યો હતો અને તેમણે જેલને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાક્રમનો ફાયદો લઈને સેંકડો કેદીઓ જેલમાંથી ફરાર થઈ ગયા હતા.
30 ટકા ક્વોટા વિરુદ્ધમાં આંદોલન
બાંગ્લાદેશની હાલની આરક્ષણ પ્રણાલી હેઠળ 56 ટકા સરકારી નોકરીઓ આરક્ષિત છે. જેમાંથી 30 ટકા 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્યવીરોના વંશજો માટે, 10 ટકા પછાત જિલ્લાઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા જાતીય અલ્પસંખ્યક સમૂહ માટે અને એક ટકા વિકલાંગ માટે આરક્ષિત છે. જો કે આંદોલન સ્વતંત્રતાવીરોના વંશજોને 30 ટકા આરક્ષણ માટે છે.
હવે 93 ટકા નોકરી મેરિટના ધોરણે અપાશે
બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે હવે 93 ટકા સરકારી નોકરીઓ મેરિટના ધોરણે આપવાનો નિર્ણય આપ્યો છે. આ સાથે ક્વોટા સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યા છે. હવે ફક્ત 7 ટકા સરકારી નોકરીઓ જ 1971નાં સ્વતંત્રતાવીરના લાભાર્થીઓને અપાશે.


comments powered by Disqus