વોશિંગ્ટનઃ અમેરકી પ્રમુખપદની રેસમાંથી ખસી જવાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિર્ણયે સૌ કોઈને ચોંકાવી દીધા છે. પક્ષની નેતાગીરીના અનેક મનામણાં છતાં પ્રમુખપદ માટેની દાવેદારી નહીં છોડવાની જીદે ચઢેલા બાઇડેનના આ નિર્ણયે સમગ્ર દેશનો રાજકીય માહોલ બદલી નાંખ્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી. બાઈડેનની પીછેહઠ સાથે જ પ્રમુખપદની ઉમેદવારીના દાવેદાર તરીકે ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું ચર્ચામાં આવી ગયું છે. બાઈડેને પણ તેમના નિર્ણયની જાહેરાત કરવાની સાથે સાથે જ પોતાના અનુગામી તરીકે કમલા હેરિસના નામને સમર્થન જાહેર કર્યું હતું.
કમલા હેરિસને વ્યાપક સમર્થન
બાઈડેને પ્રમુખપદના ડેમોક્રેટ દાવેદાર તરીકે કમલા હેરિસના નામને સમર્થન જાહેર કર્યું તેના પહેલા જ દિવસે પૂર્વ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી જેવા ટોચના નેતા, ચાર રાજ્યોના ગવર્નર ઉપરાંત 549 ડેલિગેટ્સે કમલાના નામને વધાવી લીધું હતું. તો બીજી તરફ ડેમોક્રેટ ડોનર્સે પણ નાણાંસહાયનો ધોધ વહાવ્યો હતો. પક્ષના નેતાઓનું કહેવું છે કે કમલા હેરિસે અત્યાર સુધીમાં 50 મિલિયન ડોલરનું જંગી ભંડોળ એકત્ર કર્યું છે, જે એક વિક્રમ છે. ઓપિનિયન પોલમાં પણ કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપી રહ્યા છે. 67 સર્વેના તારણ અનુસાર, ટ્રમ્પના જીતની શક્યતા 47.4 ટકા છે તો કમલા હેરિસના વિજયની શક્યતા 45.4 ટકા છે. મતલબ કે તેઓ ટ્રમ્પને કાંટેકી ટક્કર આપી રહ્યા છે.
બાઈડેનની અણધારી જાહેરાતે ભલે ડેમોક્રેટ સમર્થકોને ચોંકાવી દીધા હોય, પણ તેમણે આ નિર્ણય જાહેરાતની 24 કલાક પહેલાં જ લઇ લીધો હતો. અને આ નિર્ણય જાહેર થયો તેના એક દિવસ પહેલાં તેમના પત્ની સહિત માત્ર પાંચ લોકો આ અંગે જાણતા હતા. ગત 27 જૂને યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે માત ખાધા બાદ બાઈડેન પર પ્રમુખપદની રેસમાંથી ખસી જવા માટે પક્ષની અંદરથી અને બહારથી ભારે દબાણ હતું તે ઉલ્લેખનીય છે. જોકે તેઓ અત્યાર સુધી અડગ હતા. આથી જ બાઈડેને આખરે આ નિર્ણય કેમ લીધો તે જાણવા જેવું છે.
સૌપહેલા માત્ર પાંચ લોકોને નિર્ણય જણાવ્યો
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર બાઈડેને 22 જુલાઈના રોજ બપોરે 1:45 વાગ્યે જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરી લીધો હતો. અગાઉ 21 જુલાઈના રોજ રેસમાંથી ખસી જવાનું મન બનાવી લીધા પછી તેમણે તેમના રેહોબોથ બીચ હાઉસ પર મીટિંગ બોલાવી હતી. આ બેઠકમાં તેમની પત્ની અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેન, તેમના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એની ટોમસિની, કોંગ્રેસના સલાહકાર સ્ટીવ રિચેટી, રાજકીય સલાહકાર માઈક ડોનિલોન અને તેમના વરિષ્ઠ સલાહકાર એન્થોની બર્નલ સામેલ હતા.
બાઈડેને સૌપ્રથમ આ પાંચ લોકોને પોતાના નિર્ણય વિશે માહિતગાર કર્યા અને રેસમાંથી બહાર થવા માટે યોજના બનાવવા માટે કહ્યું હતું. આ પછી 24 કલાક સુધી તમામે મળીને બાઈડેનને રેસમાંથી બહાર કરવાની યોજના તૈયાર કરી હતી.
કમલા હેરિસને ફોન કર્યો, સમર્થનનું વચન આપ્યું
આ પછી 22 જુલાઈના રોજ સવારે એટલે કે જાહેરાતના લગભગ 6 કલાક પહેલાં તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને જાણ કરવા માટે ફોન કર્યો અને તેમને સમર્થનનું વચન આપ્યું હતું.
પાંચ દસકા લાંબી કારકીર્દિનો ઝડપભેર અંત
બાઈડેનને સત્તાના શિખર પર પહોંચવામાં 50 વર્ષ લાગ્યા હતા, પણ પીછેહઠમાં ગણતરીની મિનિટો લાગી હતી. બાઈડેન છેલ્લા પાંચ દસકાથી અમેરિકાના રાજકારણમાં સક્રિય છે. ટોચ પર પહોંચવામાં તેમને લાગેલા સમયની સરખામણીમાં પછડાટ ખૂબ જ ઝડપભેર થઇ હતી એમ કહી શકાય. ન ઉપરાષ્ટ્રપતિ કમલા કે ન તો હેવીવેઇટ ડેમોક્રેટ્સને આ મહત્ત્વના નિર્ણયનો ખ્યાલ હતો. દાતાઓએ પણ કહ્યું કે બાઈડેનના નિર્ણય વિશેની માહિતી સોશિયલ મીડિયાથી પરથી મળી છે.
નરમ સ્વાસ્થ્ય અને વયના લીધે મજબૂર
બાઈડેન હાલમાં કોરોનાથી પીડિત છે. રેસમાંથી ખસી જવા પાછળનું મુખ્ય કારણ તેમની નરમ તબિયત છે. તેઓ પહેલેથી જ સ્લીપ એપનિયા જેવી બીમારીથી પીડિત છે. ડિમેન્શિયાથી પીડિત હોવાનો પણ આરોપ છે. ડિબેટ દરમિયાન તેમની ગભરાટ અને નિયંત્રણ ગુમાવવાનું કારણ પાર્કિન્સન્સ હતું. તેમને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. બાઈડેનને ઈન્ટરવ્યૂ સભાઓ અને રેલીઓ દરમિયાન ખોવાઈ જવા, અચાનક મૌન થઈ જવા, ચાલતી વખતે અટકી જવા જેવી સમસ્યાઓનો સામનો કરતા જોવા મળ્યા છે.
ટ્રમ્પને હરાવવા મારું લક્ષ્ય: કમલા હેરિસ
બાઈડેન તેમજ અન્ય રાજકીય નેતાઓ દ્વારા પ્રમુખપદના ઉમેદવાર તરીકે સમર્થન મળ્યા પછી કમલા હેરિસે કહ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મને પ્રમુખપદની ઉમેદવાર માટે નોમિનેટ કરાય તેની રાહ જોઉં છું. પછી મારું લક્ષ્ય નવેમ્બરમાં ટ્રમ્પને હરાવવાનું છે. મારા સત્તાકાળમાં દેશમાં એકતા સ્થાપવા ઘણું બધું કરીશ.
તુલસી ગબ્બાર્ડે કમલાની દાવેદારી વખોડી
બાઈડેન દ્વારા કમલા હેરિસને પ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યા પછી મૂળ હિન્દુ અમેરિકન અને પૂર્વ કોંગ્રેસમેન તુલસી ગબ્બાર્ડે કમલાની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે ડીપ સ્ટેટનાં હેડ તરીકે કમલા હેરિસ વધુ જોખમી છે. તેઓ પર હિલેરી ક્લિન્ટનનો પ્રભાવ છે જેમણે ભૂતકાળમાં યુદ્ધ માટેની તરફેણ કરી હતી. ગબ્બાર્ડે લોકોને રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પને મત આપવા અપીલ કરી હતી.

