ભારતમાં નવી લોકસભાની ચૂંટણી બાદ સતત ત્રીજીવાર સત્તામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના પોતાના અભિયાનને જારી રાખ્યું છે. આ સંદર્ભમાં મોદી સરકારના નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં 9 પ્રાથમિકતાઓ રજૂ કરવામાં આવી જેના પથ પર ચાલીને ભારત વિકસિત દેશ બની શકે છે. આ પ્રાથમિકતાઓ ભારતના લાંબાગાળાના આર્થિક વિકાસ માટેની મોદી સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરે છે. મોદી સરકારે આ પ્રાથમિકતાઓ દ્વારા ભારતીયો માટે વિપુલ તકોનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કૃષિને સૌથી મોટી પ્રાથમિકતા આપતા મોદી સરકારે ઉત્પાદકતા વધારવા અને પર્યાવરણલક્ષી ઉત્પાદનો દ્વારા કુદરતી ખેતી પર ભાર મૂક્યો છે. સરકારે દેશને તેલીબિયાં, શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની હાકલ કરી છે. દેશમાં રોજગારીની તકો વધારવાને મોદી સરકારે પ્રાથમિકતા આપતાં વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે જેના કારણે 2.1 કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાની તેની નેમ છે. મેન્યુફેક્ચરિંગ જોબ્સમાં પણ 30 લાખ યુવાનોને લાભ થશે. આ માટે મોદી સરકારે નોકરીદાતાઓ માટે પણ વિવિધ ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે. જેના પગલે ઉદ્યોગજગત વધુ રોજગાર આપવા માટે પ્રેરાશે. સરકારે માનવ સંસાધ વિકાસ માટે પીએમ વિશ્વકર્મા, પીએમ સ્વનિધિ, એનઆરએલએમ અને બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના વિકાસ માટે પૂર્વોદયા યોજનાઓની પણ જાહેરાત કરી છે. પીએમ આવાસ યોજના અંતર્ગત મોદી સરકારે બજેટમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 3 કરોડ નવા મકાનો બનાવવાની જાહેરાત કરી છે જેથી આવાસની સમસ્યાઓ દૂર કરી શકાય અને લોકોને છત મળી રહે. 2014થી સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીની સરકારનું આ સતત 13મું બજેટ છે. વડાપ્રધાન મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને તે અભિયાન અંતર્ગત આગળ વધતાં નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા સતત 7મા બજેટમાં સમાજના તમામ વર્ગનો વિકાસ થાય તેવી જોગવાઇઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકારે મુખ્યત્વે યુવાઓને રોજગાર અને શિક્ષણ માટે વિવિધ જોગવાઇઓ જાહેર કરી છે. વિદ્યાર્થીઓને ઘરઆંગણે સારું શિક્ષણ મળી રહે તે માટે 3 ટકા જેવા નજીવા વ્યાજદરે રૂપિયા 10 લાખ સુધીની લોન આપવાની જાહેરાત કરીને સરકારે ગરીબ અને વંચિત તબકાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ વધુ સરળ કર્યો છે. મહિલાઓ માટે વિશેષ જોગવાઇઓ દ્વારા દેશના વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ પણ મોદી સરકાર દ્વારા કરાયો છે. હા, કેટલાક કરવેરામાં વધારાના કારણે ભારતના શેરબજારોમાં નિરાશા જરૂર વ્યાપી છે પરંતુ સરકાર માને છે કે શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સટ્ટાખોરી પર નિયંત્રણ માટે તે અત્યંત આવશ્યક હતું. હા, વડાપ્રધાન મોદી અને તેમના નાણા પ્રધાને તેમની લઘુમતી સરકારને સ્થિરતા આપવા માટે તેમની સાથે સંકળાયેલા સહયોગી પક્ષોને ખુશ રાખવાનો પણ પ્રયાસ કરાયો છે. મોદી સરકારને સમર્થન આપી રહેલા જદયુના બિહાર અને ટીડીપીના આંધ્રપ્રદેશને આ બજેટમાં ખોબે ખોબે ફાળવણીઓ કરાઇ છે પરંતુ તેના કારણે અન્ય રાજ્યોની માગોની અવગણનાના આરોપ મોદી સરકાર પર મૂકાઇ રહ્યાં છે. જોકે ધેર ઇઝ એવરી થિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર કહેવત પ્રમાણે રાજનીતિમાં જ્યારે તમે ગઠબંધન સરકાર ચલાવતા હો ત્યારે સાથી પક્ષોને ખુશ રાખવા એક મજબૂરી બની રહે છે. ગમે તે હોય પણ મોદી 3.0ના પ્રથમ બજેટમાં સરકારે દેશના વિકાસને જ સૌથી પહેલી પ્રાથમિકતા બનાવી છે. વડાપ્રધાન મોદીના સબ કા સાથ સબ કા વિકાસને આ બજેટમાં યથાર્થ કરવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે.
