ગુજરાત સમાચાર પોતાના વાંચકો અને શ્રોતાઓની માગણીઓને વરેલું છે. જેના ભાગરૂપે જ ગુજરાત સમાચારે અને એડિટર ઇન ચીફ સી.બી. પટેલ દ્વારા ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં ફરી યોગગુરુ કમુબહેન પલાણને નિમંત્રણ આપવામાં આવ્યું. કમુબહેન પલાણના અગાઉના કાર્યક્રમને ખૂબ પસંદ કરવામાં આવતાં શ્રોતાઓ દ્વારા ફરી એકવાર તેમના જ્ઞાનનો લાભ આપવા માગણી કરવામાં આવી હતી. જે મુજબ કમુબહેન પલાણે ફરી ગુજરાત સમાચારના શ્રોતાઓને યોગના પાઠ ભણાવ્યા હતા.
કમુબહેન પલાણે વડીલોની સીમિત શારીરિક ક્ષમતાઓને ધ્યાને રાખી ખાસ યોગમુદ્રા અને પ્રેશર પોઇન્ટ અંગે જાણકારી આપી હતી. આ સાથે રોજની 10થી 15 મિનિટ યોગા કરવા આગ્રહ કર્યો હતો.
જ્ઞાન મુદ્રા
તર્જની (ઇન્ડેક્સ ફિંગર) અને અંગૂઠો (થમ્બ) હળવા હાથે ટચ કરો અને હથેળીને આકાશ તરફ રાખી બેસો, આંખો બંધ રાખી શ્વાસ અંદર ખેંચો અને બહાર છોડો. આમ કરવાથી તમારું ધ્યાન કેન્દ્રિત થશે. તમારા શ્વાસોશ્વાસ યોગ્ય થતાં તમને અન્ય અનેક ઇશ્યૂમાંથી રાહત પણ મળશે. આ સિવાય તમે ખુલ્લા હાથે હથેળીને આકાશ તરફ રાખી ધીમેથી શ્વાસ લઈને તેને રોકી રાખો અને બાદમાં તમારી કેપેસિટી મુજબ ધીમેધીમે છોડો, જેથી તમારી નાડીથી લઈને આંતરડાં સુધીમાં રહેલા બ્લોકેજ ધીમેધીમે ખૂલવા લાગશે. આ મુદ્રાને ગમે ત્યારે કરી શકો છો.
સૂચિ મુદ્રા
ભારે કબજિયાત વધારે હોય તેમણે સૂચિ મુદ્રા કરવી ખૂબ જરૂરી છે. તર્જની (ઇન્ડેક્સ ફિંગર) સિવાયની ત્રણ આંગળીની મુઠ્ઠી વાળો અને અંગૂઠો અનામિકા (રિંગ ફિંગર)ને ટચ કરાવો, તર્જની આકાશ તરફ રાખીને બેસવું. જો અંગૂઠો ન અડતો હોય તો પ્રેક્ટિસથી તે થઈ જશે. આ સૂચિ મુદ્રા ગમે ત્યારે તમે કરી શકો છો. આમ સતત કરતા રહેવાથી કબજિયાતની તકલીફ દૂર થશે.
આદિ મુદ્રા
નસકોરાં બોલાવતા આપણા લાઇફ પાર્ટનર અને અન્યો ભારે હેરાન થાય છે. નસકોરાંનો ઇલાજ હાથવેંતમાં જ છે. તમારા અંગૂઠા (થમ્બ)થી ટચલી આંગળીના નીચેના ભાગને સ્પર્શ કરો અને મુઠ્ઠી વાળો. આ મુદ્રાને ગમે ત્યારે કરી શકાય છે. આમ કરવાથી ઊંઘમાં આવતાં નસકોરાંની સમસ્યા નિવારી શકાય છે.
કફ મુદ્રા
રાત્રે ગળું સૂકાતું હોય અને સૂકી કે કફ સાથેની કોઈપણ જાતની ખાંસી હોય તો મુઠ્ઠી વાળીને નીચે તરફ હથેળીની સ્થિતિમાં સાથળ પર રાખીને બેસવું. આમ કરવાથી ખાંસીમાં તમને ચોક્કસ લાભ થશે. આ સાથે ઊંડો શ્વાસ ભરી ધીમેધીમે શ્વાસ છોડો.
આકાશ મુદ્રા
નેગેટિવ થોટ્સ અને હાઇપર ટેન્શન ધરાવતા લોકો માટે આકાશ મુદ્રા ખૂબ ઉપયોગી છે. તમારા હાથની વચ્ચેની આંગળી આકાશની મુદ્રા છે, જે તમારા શરીરમાં હવા અને આકાશનાં તત્ત્વોને બેલેન્સ કરે છે. તમારી વચ્ચેની આંગળીથી અંગૂઠો (થમ્બ)ને ટચ કરો અને હથેળીને આકાશની તરફ રાખીને બેસો. આ સાથે ઊંડો શ્વાસ ખેંચી ધીમેથી છોડો. તેનાથી નેગેટિવ થોટ્સ, હાઇ બ્લડપ્રેશર, ડિપ્રેશન અને હાઇપર ટેન્શનથી તમને છુટકારો મળશે.
લિંગ મુદ્રા
લોકોને થતી પીઠ અને કરોડરજ્જુની તકલીફમાં લિંગા મુદ્રા પીડામાંથી મુક્તિ આપે છે. લિંગા મુદ્રા માટે તમે ડાબો હાથ નાભિ પાસે રાખો અને જમણા હાથની ચારેય આંગળીથી મુઠ્ઠી વાળી અંગૂઠો ઉપરની તરફ રાખી ડાબા હાથ પર રાખો. તમારા પેટ સાથે અડતો રાખી બને તેટલું ટટ્ટાર બેસો. આ મુદ્રા માત્ર તમારી કરોડરજ્જુ જ નહીં, પરંતુ શરીરની તમામ 72 હજાર નાડીઓને પણ ફાયદાકારક છે, જે તમારી નાભિ સાથે જોડાયેલી છે. તમારા હાથની ઊર્જા નાભિ ગ્રહણ કરશે અને તમારી કરોડરજ્જુથી લઈને તમામ પીડાથી મુક્તિ અપાવશે. આ મુદ્રાથી પીઠ અને કરોડરજ્જુની તકલીફ તો દૂર થશે જ, સાથોસાથ સ્નાયુ, હાડકાં અને ત્વચા સ્વસ્થ રહેતાં તમે કાયમ સુંદર પણ રહેશો.
મેરુદંડ મુદ્રા
અનેક લોકોને કફની ભારે તકલીફ રહેતી હોય છે, કારણ કે શરીરમાં ઊર્જાનો સંચાર કરવામાં ઉપયોગી શરીરના મધ્ય ભાગમાં રહેલ પ્રાણા યોગ્ય ન હોય, એટલે કે બ્રીધિંગ યોગ્ય રીતે ન હોય. બંને હાથના અંગૂઠા (થમ્બ)ને ઉપર રાખી મુઠ્ઠી વાળી આકાશ તરફ રાખો અને ધ્યાન ધરો. આમ કરવાથી તમારી હથેળીના તમામ પ્રેશર પોઇન્ટ પર દબાણ આવશે અને તે શરીરમાં ઊર્જાનો સંચાર કરશે. આમ કરવાથી જામેલો કફ અને બેક્ટેરિયા બહાર નીકળી જશે, કારણ કે શરીરમાં એક ઊર્જા ઉત્પન્ન થશે.
ગણેશ મુદ્રા
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગણેશ મુદ્રા એક કારગત ઉપાય છે. ડાબા હાથને ચહેરાથી વિમુખ અને જમણા હાથને ચહેરા સામે રાખો. અને બંને હાથની આંગળીઓથી મુઠ્ઠી બનાવી છાતીથી બે સે.મી. દૂર રાખો. આંગળીઓને ખોલ્યા વિના બંને હાથની આંગળીઓને દબાવો અને ખેંચો. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. તમારી પાંચ આંગળી પૃથ્વીનાં પાંચ તત્ત્વ ધરતી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને બેલેન્સ રાખશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે.
વજ્ર મુદ્રા
આજે લોકોને થાક, સ્ટ્રેસ, ડિપ્રેશન અને એન્ઝાઇટીની તકલીફ ખૂબ હોય છે, જેના માટે વજ્ર મુદ્રા રામબાણ ઇલાજ છે. જેના માટે તમારા અંગૂઠાની સાથે તર્જની (ઇન્ડેક્સ ફિંગર) સિવાયની ત્રણેય આંગળી ભેગી કરો અને હથેળીને આકાશની તરફ રાખી તર્જની સીધી રાખો. વજ્ર મુદ્રા કરવાથી થાક, સ્ટ્રેસ, ડિપ્રેશન, વર્ટિગો અને એન્ઝાઇટી જેવી તકલીફથી આપમેળે આરામ મળી જશે.

