દક્ષિણમાં પણ ભારત વિરોધી શક્તિનો ઉદય ચિંતાજનક

Wednesday 25th September 2024 06:10 EDT
 

ભારતીય ઉપખંડમાં ભારતના પાડોશી દેશોમાં ભારત વિરોધી શક્તિઓમાં થઇ રહેલો વધારો આગામી સમયમાં વડાપ્રધાન મોદી અને તેમની સરકારની કૂટનીતિ માટે વધુ પડકારજનક બની શકે છે. પાકિસ્તાન જન્મજાત ભારતનો દુશ્મન દેશ રહ્યો છે. અત્યાર સુધી બંને દેશ વચ્ચે 3 યુદ્ધ લડાઇ ચૂક્યાં છે અને જમ્મુ-કાશ્મીરમાં પ્રાયોજિત આતંકવાદ દ્વારા તે ભારતને અસ્થિર કરવાની એકપણ તક જતી કરતો નથી. બીજીતરફ ચીન ભારત પર દબાણ સર્જવા હંમેશા તલપાપડ રહેનારો દેશ છે. અત્યાર સુધીમાં તેણે ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવ્યો છે. નેપાળના રાજકીય નેતાઓ લાભ જોઇએ ત્યારે ભારત સમક્ષ ખોળો પાથરે છે અને બાકીનો સમય ચીનની ભક્તિમાં ગુજારતા રહે છે. એક બાંગ્લાદેશ અત્યાર સુધી ભારતની પડખે એક વિશ્વાસુ પાડોશી બની રહ્યો હતો પરંતુ શેખ હસીના પદભ્રષ્ટ થયા બાદ બાંગ્લાદેશના રાજકારણીઓ અને કટ્ટરવાદીઓએ સ્પષ્ટ રીતે ભારત વિરોધી વલણ અખત્યાર કરી લીધું છે.
દક્ષિણમાં આવેલો શ્રીલંકા હંમેશા ભારતની મદદ પર નભતો રહ્યો છે પરંતુ હિન્દ મહાસાગરમાં ચીની પગપેસારા માટે પણ તે એટલો જ જવાબદાર છે. તાજેતરમાં શ્રીલંકામાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં અનુરા કુમારા દિસ્સાનાયકે ચૂંટાઇ આવ્યા બાદ આ પાડોશી દેશ પણ ભારત માટે માથાનો દુઃખાવો બની શકે છે. દિસ્સાનાયકેનું ચૂંટાઇ આવવું વિશ્લેષકો માટે જાદુઇ ઘટના છે. તેઓ જનતા વિમુક્થી પેરામુના (જેવીપી)ના વડા છે. જેવીપી સામ્યવાદી વિચારધારા ધરાવતી પાર્ટી છે. દિસ્સાનાયકે પહેલેથી ભારત અને તામિલ વિરોધી રહ્યાં છે. 2005માં તેમણે લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ એલમ (લિટ્ટે) સાથે સમાધાનની ફોર્મ્યુલાનો વિરોધ કર્યો હતો. તેમની પાર્ટીમાં તામિલને સ્થાન અપાતું નથી. દિસ્સાનાયકેએ 1987માં ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલા કરારનો પણ વિરોધ કર્યો હતો. દિસ્સાનાયકે સત્તારૂઢ થતાં તામિલોની સ્થિતિમાં કોઇ સુધારો થવાનો નથી તે નિશ્ચિત છે. દક્ષિણ ભારતમાં પગપેસારા માટે ભાજપ માટે શ્રીલંકામાં તામિલ હિતોની સુરક્ષા મહત્વની બની રહેવાની છે ત્યારે તામિલ વિરોધી દિસ્સાનાયકેની એન્ટ્રી આ કાર્યને મુશ્કેલ બનાવી શકે છે. સત્તામાં આવેલા દિસ્સાનાયકેએ હજુ ભારત વિરોધી સૂર આલાપ્યા નથી પરંતુ સામ્યવાદી વિચારધારાના કારણે તે ચીનની વધુ નજીક રહે તેવી સંભાવનાઓને નકારી શકાય નહીં. ભારતીય કૂટનીતિજ્ઞોએ દિસ્સાનાયકેને ચીનથી દૂર રાખવા માટે ભરપૂર પ્રયાસ કરવા પડશે અન્યથા હિન્દ મહાસાગરમાં ચીનનું પ્રભુત્વ વધે તે દિવસો દૂર નથી.
આમ હવે ભારતે ઉત્તર-દક્ષિણ-પૂર્વ – પશ્ચિમ – વાયવ્ય – ઇશાન – અગ્નિ અને નૈઋત્ય એમ દરેક દિશામાં ભારત વિરોધી શક્તિઓનો સામનો કરવાનો છે. તેમાં ભારત સરકાર, વિદેશ નીતિના ઘડવૈયાઓ અને વ્યૂહરચનાકારોની અગ્નિપરીક્ષા નિશ્ચિત બની રહેવાની છે. ભારત સરકારે હવે શ્રીલંકાની સામ્યવાદી નીતિઓને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડવી પડશે. હિન્દમહાસાગરમાં રહેલો ટાપુ દેશ ચીનના ખોળામાં સંપુર્ણપણે બેસી ન જાય તેની કાળજી લેવીપડશે. ભારતે દિસ્સાનાયકેની ચૂંટણીને આવકારીને તેમની સાથે સહયોગ અને સહકારના આશ્વાસન આપ્યાં છે પરંતુ દિસ્સાનાયકેની દિશા ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો સુનિશ્ચિત કરશે.


comments powered by Disqus