કિંગના ઓનર્સ લિસ્ટમાં જૈન અગ્રણી જયસુખભાઇનું BEMથી બહુમાન

- જ્યોત્સ્ના શાહ Wednesday 26th June 2024 07:26 EDT
 
 

૨૦૨૪ના વર્ષમાં માનનીય કિંગના જન્મદિને બહાર પડાયેલ ઓનર્સ લીસ્ટમાં જૈન સમાજના અગ્રણી શ્રી જયસુખભાઇ મહેતાનો પણ સમાવેશ કરાયો છે, તેઓને BEM (બ્રિટિશ એમ્પાયર મેડલ)થી નવાજ્યા છે. યુ.કે.ભરની જૈન સંસ્થાઓનું એકીકરણ કરી ‘વન જૈન’ની સ્થાપના કરવા અને માનવલક્ષી કાર્યોના ઉપલક્ષ્યમાં આ એવોર્ડ એનાયત કરાયો છે. તેમના આ બહુમાન માટે “ગુજરાત સમાચાર’ સમગ્ર ગુજરાતી/ભારતીય સમાજ વતી અભિનંદન પાઠવે છે.
યુગાન્ડામાં જન્મેલ અને સ્કૂલ શિક્ષણ બાદ વધુ અભ્યાસાર્થે લંડન આવી ઇમ્પીરીયલ કોલેજમાંથી ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં ઓનર્સ ડીગ્રી મેળવી. ત્યારબાદ યુગાન્ડા અને નાઇજીરીયામાં કામનો અનુભવ મેળવી લંડનમાં ફેમીલી બીઝનેસમાં જોડાયા. ૧૯૯૫માં ફેમિલી બીઝનેસ વેચી દઇ ૫૩ વર્ષની વયે કોમર્શીયલ જગતમાંથી નિવૃત્તિ લઇ આધ્યાત્મિક જીવન અને માનવલક્ષી કાર્યોમાં પ્રવૃત્ત બન્યા.
હાલ શ્રી રાજ સોભાગ યુ.કે.ના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ ૨૫ વર્ષથી ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના ટ્રસ્ટી પદેથી સેવા આપી રહ્યા છે. છેલ્લા છ વર્ષથી નવનાત વણિક એસોસિએશનના પણ ટ્રસ્ટીનો હોદ્દો શોભાવી રહ્યા છે.
સ્વભાવે નમ્ર અને મીતભાષી જયસુખભાઇ તેમના પત્ની ઇલાબહેન યુ.કે. અને ભારતમાં ચેરિટેબલ પ્રવૃત્તિઓમાં ત્રીસેક વર્ષથી નોંધપાત્ર અનુદાન આપી રહ્યા છે. ”વન જૈન’ની સ્થાપનામાં એમનો સિંહફાળો છે. યુ.કે.ના સમાજમાં જૈન ધર્મની ઓળખ અને પ્રતિનિધિત્વ માટે સામાજિક અને સરકારી સ્તરે એમણે આપેલ અનુદાન ચિરદાયી રહેશે.
શ્રી રાજ સોભાગ આશ્રમ, સાયલામાં વિશાળ પાયે માનવલક્ષી પ્રવૃત્તિઓમાં મોટું ફઁડ ફાળવેલ છે. જેનો ઉપયોગ સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા વ્યક્તિઓના જીવનમાં લાંબા ગાળે તેમજ ટૂંકાગાળાના લાભ માટે થાય છે. સાયલામાં છોકરીઓની માધ્યમિક શાળાની સ્થાપનામાં, ટીચર્સ ટ્રેનીંગ જેવા કાર્યક્રમો, યુવાનોના સશક્તિકરણ, મેડીકલ કેમ્પોના આયોજન.. વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ એમનું જીવન બની ગયા છે.
 પેનેડેમીક દરમિયાન ‘વન જૈન’ની ટીમના સહકારથી હેલ્થ સેમીનાર્સ, નિષ્ણાત ડોક્ટરોના સહયોગથી ગુજરાતીમાં સલાહ-સૂચનો માટેના કાર્યક્રમો, મેડીકલ સાધનોની વહેંચણ, જરૂરતમંદ રહેવાસીઓને મદદ જેવા અનેકવિધ કાર્યો એમને આનંદ અને સંતોષ આપે છે. આ પ્રવૃત્તિમાં કુટુંબીજનો તરફથી પણ પૂરેપૂરો સહકાર સાંપડી રહ્યો હોવાથી પોતાનો સમય સમાજ માટે ફાળવી તન-મન-ધનથી સેવા આપી રહ્યા છે.
સમાજ સેવા અને ચેરિટેબલ કાર્યો એમને માતુશ્રી તરફથી મળેલ અણમોલ વારસો છે.
આ એવોર્ડ મેળવવા બદલ પ્રતિસાદ આપતા ગૌરવભેર જયસુખભાઇ જણાવે છે કે, ‘આ એવોર્ડ મને જૈન ધર્મની પ્રભાવના કરવામાં અને ચેરિટેબલ કાર્યો વધુ ને વધુ કરવામાં પુષ્ટિકારક બની રહેશે. મારા પ્રોજેક્ટોમાં જેઓએ મને સાથ સહકાર તથા માર્ગદર્શન આપ્યું છે તે સૌનો હાર્દિક આભાર માનું છું. તેઓ વિના
હું આ સિધ્ધિ મેળવી શક્યો ન હોત.’


comments powered by Disqus