શુક્રવાર તા.૨૧ જૂનના રોજ ઓશવાળ અગ્રણી શ્રી કિશોરભાઇની ૮૦મી વર્ષગાંઠની ભક્તિ સભર ઉજવણી પોટર્સબાર, ઓશવાળ સેન્ટરમાં કુટુંબીજનો અને વિશેષ મહેમાનોની વિશાળ હાજરી વચ્ચે કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રિટનના ડેપ્યુટી વડાપ્રધાન શ્રી ઓલીવર, શ્રી અને શ્રીમતી રમેશભાઇ સચદેવ, શ્રી અને શ્રીમતી આસ્માબહેન હાતિમભાઇ સૂતરવાલા, શ્રી અને શ્રીમતી શકીનાબહેન ફકરૂદ્દીનભાઇ સૂતરવાલા, આર્કીટેક શ્રી છગનભાઇ મિસ્ત્રી વગેરેની હાજરી શોભામાં અભિવૃધ્ધિ કરી રહી હતી.
સેન્ટરના દેરાસરમાં પ્રવેશતાં જ પગથિયામાં પ્રકાશક-તંત્રીશ્રી સી.બી.પટેલ, ગૃપ એડીટર મહેશભાઇ લીલોરીયાનું હાર્દિક સ્વાગત કરતાં શ્રી કિશોરભાઇએ ‘મારા મિત્ર’ કહીને પ્રેમથી આવકાર્યા હતા. આ પ્રસંગે જૈન દહેરાસરમાં પૂજા રાખવામાં આવી હતી. દર શુક્રવારે કોમ્યુનિટી દ્વારા ‘આનંદ યાત્રા’નું આયોજન કરવામાં આવે છે જેના કન્વીનર શ્રી હિતેશભાઇ શાહ છે. પૂજા અને અરિહંત વંદનાવલિનો લાભ સમાજના ધાર્મિક વડા શ્રી જયેશભાઇએ એમના સૂરિલા અને પહાડી સૂરથી આપી ભક્તિમાં સૌને ડૂબાડ્યાં હતાં. મંગળ દીવો અને આરતી તથા આ પૂજનનો લાભ શ્રી કિશોરભાઇ, એમના ધર્મ પત્ની કુમુદબહેન, પુત્ર કુણાલ, પુત્રી લવિના મહેતા સહિત સમગ્ર પરિવારે ઉત્સાહભેર લીધો હતો.
જયેશભાઇએ શ્રી કિશોરભાઇની ૮૦મા જન્મદિન નિમિત્તે એમના સામાજિક કાર્યોની નોંધ લેતાં જણાવ્યું કે, કિશોરભાઇ ૮૦ વર્ષના થયા અને આ પોટર્સબારની ૮૦ એકરની જગ્યા લેવામાં તેઓશ્રી નિમિત્ત બન્યા હતા તે યોગાનુયોગ કહી શકાય. આ પ્રસંગે નોંધપાત્ર બીનાનો ઉલ્લેખ કરતા વધૂમાં જણાવ્યું કે, દર શુક્રવારે યોજતી ‘આનંદ યાત્રા’માં ચક્ષુવિહિન શ્રી રમણિકભાઇ મહેતા સાઉધમ્પટનથી એમના સારથી.... અને નિકસન તથા બેન નામના બંને કૂતરાઓ નિયમિત આવે છે અને પૂજામાં શાંતિથી બેસે છે એ નોંધનીય છે.
પૂજનવિધિ બાદ હોલમાં જમણના કાર્યક્રમમાં સૌ મહેમાનોનું ભાવભીનું સ્વાગત એના પ્રમુખ શ્રી રૂમિતભાઇ શાહે કર્યું હતું. ૧૯૬૮માં ઓશવાળ એસોસિએશનની સ્થાપનાથી શ્રી કિશોરભાઇનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓએ લગભગ વીસેક વર્ષ સુધી બોર્ડ ઓફ ટ્રસ્ટી તરીકે સેવા સાદર કરેલ છે. આ પ્રસંગે આગામી ચૂંટણીમાં મતદાન કરવા સૌને ખાસ અપીલ કરાઇ હતી. ઓશવાળના એડવાઇઝર બોર્ડના હાલના સભ્યો સિગ્માવાળા
શ્રી મનીષભાઇ શાહ અને શ્રી રમેશભાઇ સહિત અનેક અગ્રણીની વિશાળ હાજરીથી હોલ ભરાયેલ હતો. સૌ મહેમાનો માટે સમાજની સેવાભાવી બહેનોએ હાથે બનાવેલ જૈન રસોઇ સૌને ભાવથી પીરસી જમાડ્યાં હતાં. સૌ કોઇએ શ્રી કિશોરભાઇને જન્મદિનની શુભેચ્છા પાઠવી વિદાય લીધી હતી.

