બ્રિટન ચૂંટણી અંગે વિશેષજ્ઞોના ભારતીય સમુદાયને સૂચનો

બાદલ લખલાણી Wednesday 26th June 2024 07:40 EDT
 
 

બ્રિટનમાં ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે એક બ્રિટિશ મતદાર તરીકે, એશિયન અને ઇન્ડિયન તરીકે પોતાના મતનું મહત્ત્વ દર્શાવતાં ગુજરાત સમાચાર દ્વારા વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ યોજવામાં આવ્યો.
કાર્યક્રમનું સંચાલન કરતાં એડિટર ઇન ચીફ સી.બી. પટેલે કહ્યું કે, બ્રિટનના વડાપ્રધાન તરીકે હિન્દુ ધર્મી ઋષિ સુનાક અદભુત કામ કરી રહ્યા છે. આપણે આપણા મતનો ઉપયોગ કરી આપણા સૌના હિતમાં નિર્ણય લેવાનો અધિકાર – પોતાનો મત આપવો જ જોઈએ. મતદાનની આ જાગૃતિ અંગે જ આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ખાસ કાર્યક્રમમાં પ્રોફેસર લોર્ડ ભીખુભાઈ પારેખ, ઓબીઈ સુભાષભાઈ ઠકરાર, પ્રખર સમાજસેવક એમબીઈ કાંતિભાઈ નાગડા, ક્રિષ્નાબહેન પુજારા, સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. રિચા સિન્હા અને વિમલજી ઓડેદરા જોડાયાં હતાં.
એમબીઈ કાંતિભાઈ નાગડાએ કહ્યું કે, આ વર્ષે અગાઉ કરતાં આપણી એશિયન કોમ્યુનિટીએ સક્રિયપણે ભાગ લીધો. જો કે ભારતીય અને હિન્દુઓની સરખામણીએ મુસ્લિમો ચૂંટણીમાં વધુ ભાગ લે છે તે સત્ય છે. ઉમેદવારોનું લિસ્ટ જોતાં મુસ્લિમોની સંખ્યા ખૂબ વધારે છે, જે મુસ્લિમ સમાજ માટે સારી વાત છે. કાંતિભાઈએ ભારતીય સંગઠનો દ્વારા અલગ-અલગ રાજકીય પાર્ટીના મેનિફેસ્ટોના પ્રસાર પર ચિંતા વ્યક્ત કરી અને તેના બદલે એકીકૃત મેનિફેસ્ટોની વિનંતી કરી.
સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશનનાં ચેરપર્સન રિચા સિન્હાએ કહ્યું કે, હાલમાં જ મેં હાર્મની કોન્ફરન્સમાં હેટ બિલ બાદ હિન્દુ ફોબિયા રિપોર્ટ પ્રસ્તુત કર્યો. આપણે હિન્દુ ફોબિયાની સાથે ઇસ્લામોફોબિયા વિશે પણ જાગૃતિ કેળવવી જરૂરી છે. સ્કોટલેન્ડમાં હિન્દુ સમુદાયની નોંધપાત્ર ભાગીદારી જોઈ છે. સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશનની રચના સ્કોટિશ સંસદમાં પ્રતિનિધિત્વ સુધારવા કરાઈ હતી, જેના માટે મંદિરોને એક છત નીચે એક કરી શકાય છે.
પ્રોફેસર લોર્ડ ભીખુભાઈ પારેખે જણાવ્યું કે, કોઈપણ ડેમોક્રેસીમાં ચૂંટણીનું મહત્ત્વ હોય જ છે.
આ ચૂંટણીનું ખાસ મહત્ત્વ છે, કારણ કે કન્ઝર્વેટિવ પાર્ટી આંતરિક રીતે ડિવાઇડેડ છે. પ્રાઇમ મિનિસ્ટરની ઓથોરિટી પણ તેમાંથી બહાર થઈ રહી છે, એટલે પ્રાઇમ મિનિસ્ટરનું જે માન હતું તે આજે ઓછું થતું લાગી રહ્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટી એક રીતે તૂટી ગઈ છે, જેની સામે લેબર પાર્ટી સત્તામાં આવવાના આશાવાદ અને કામ કરવાની નેમ સાથે યુનિટીમાં અને જુસ્સામાં જોવા મળી રહી છે.
સીઈઓ ઓફ એનફિલ્ડ સહેલીનાં ક્રિષ્નાબહેન પુજારાએ જણાવ્યું કે, હાલની સ્થિતિમાં ઘણી વિમાસણ છે. કન્ઝર્વેટિવ પાર્ટી અમીર વ્યક્તિઓ માટે ખરેખર ખૂબ સારી છે, કારણ કે લોકોને નાણાં અને ટેક્સ બચાવવા છે. હાલની સ્થિતિ એવી છે કે ઋષિને તેમની પાર્ટીના નેતાઓ જ સપોર્ટ નથી કરતા. પાર્ટીની અંગત માહિતી પણ બહાર આવી જાય છે. આ તબક્કામાં લોકો કન્ફ્યુઝ છે કે અમારા માટે શું સારું છે? લેબર પાર્ટીને વોટ કરવો કે લિબડેમ પાર્ટીને?
ઓબીઈ સુભાષ ઠકરારે ભારતમાં હિન્દુ સમુદાયમાં મતદારોની ઓછી ભાગીદારીનો મુદ્દો ઉઠાવતાં સૂચવ્યું કે, હિન્દુ સંગઠનો તરફથી માર્ગદર્શનનો અભાવ અને પાર્ટીના મેનિફેસ્ટોમાં રસ ન હોવાના કારણે આવું થઈ શકે છે. તેમણે સંગઠનો દ્વારા સમુદાયના સભ્યો
માટે જાહેરનામાના સારાંશ તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સમુદાયને તેમના મતના અધિકારનો વ્યય ન કરવા વિનંતી કરી.
પ્રેસિડેન્ટ NCGO વિમલજી ઓડેદરાએ આ અંગે જણાવ્યું કે, ગુજરાતીઓ કે ભારતીય તરીકે વધુમાં વધુ વોટિંગ કરવું જ જોઈએ. સંગઠનમાં આપણે ક્યાંકને ક્યાંક લિબરલ વિચારો જરૂર રાખીએ, પરંતુ ગુજરાતીઓ અને હિન્દુઇઝમનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. જેને અનુસરતાં આપણે વધુમાં વધુ વોટિંગ કરવું જોઈએ. આપણામાં યુનિટી નથી - સંગઠન નથી તે નબળાઈ છે.
ચૂંટણીમાં મતદાન વધારવા અંગે તમામ મહાનુભાવોએ એક થઈને કહ્યું કે, તમામ ભારતીયોએ એક થઈને પોતાના અધિકાર માટે મતદાન કરવું જરૂરી છે. આપણાં મંદિરોને અન્ય ધાર્મિક સમુદાયોની જેમ રાજકારણમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાં જોઈએ. યુકેમાં આપણા ઘરથી એકદમ નજીક જ પોલિંગ બૂથ ચાલે છે, જે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. કેમ મતદાન ન કરીએ? આ નૈતિક જવાબદારી છે, નિભાવવી જ જોઈએ.


comments powered by Disqus