(ગતાંકથી ચાલુ - ભાગ 5)
પવિત્ર નદીઓ નર્મદા અને સરસ્વતીના કાંઠે આવેલ નાનકડું મહેશ્વર અસંખ્ય મંદિરો જેવા કે, જલેશ્વર, મંડલેશ્વર વગેરે અને નર્મદા ઘાટ, પેશ્વા ઘાટ તેમજ અહલ્યા ઘાટ માટે જાણીતું શહેર છે. એ એના રોયલ હેરીટેજ તેમજ હેન્ડલૂમની મહેશ્વરી સાડીઓ માટે સુવિખ્યાત છે. ત્યાંની સાડીઓ જોઇ અમારૂં મન પણ લોભાઇ ગયું અને સાડીઓ અને ડ્રેસીસનું કાપડ પણ ખરીધ્યું. બનારસમાં બનારસી સાડી તો મહેશ્વરમાં મહેશ્વરી. મહારાણી અહલ્યાબાઇએ પોતાના રાજ્યના પ્રજાજનોની રોજી રોટી માટે સાઉથ ઇન્ડીયાથી કારીગરો બોલાવી હસ્તકલા સ્થાનિકજનોને શીખવી વણાટકામ ઉદ્યોગ ખીલવ્યો હતો. જે મહેશ્વરી સિલ્ક તરીકે સુવિખ્યાત છે.
ઇન્દોરથી સાઉથવેસ્ટમાં ૪૦ કિ.મિ. દૂર આવેલ મહેશ્વરનાં કિલ્લામાં પ્રવેશતા જ જમણી બાજુ માલવાપ્રાંતની મહારાણી અહલ્યાબાઇનું વિરાટ સ્ટેચ્યુ, હાથમાં શિવલિંગ સહ ઉભેલું જોઇ શિર ઝૂકી જાય! શિવજીની અનન્ય ભક્તિનું એ પ્રતીક છે. સાદગી, ન્યાયપ્રિયતા, રાજ્ય અને પ્રજા સેવા સમર્પિત કલ્યાણની ભાવનાથી સભર શિવજીની ઉપાસક દેવી પુણ્યશ્લોકાથી સંબોધાય છે. અત્રે તેમણે આડંબર રહિત રજવાડું ઉભું કર્યું છે. અહલ્યાદેવીનું જીવન ખૂબ જ સાદગીભર્યું અને ધર્મમય હતું. એ ફોર્ટમાં એમનું પૂજાઘર જ્યાં દરરોજ રાણી શિવજીના પૂજન અર્ચન કરતાં હતાં.
પતિના અવસાન બાદ ખૂબ જ સાદાઇથી જીવન જીવી રાજ્યનો કારભાર અહલ્યાબાઇ અત્રેથી સંભાળતાં. આજે પણ એ દરબાર હોલમાં રાણી અહલ્યાબાઇની ગાદી,પૂજા ઘર વગેરે યથાવત્ સાચવી રખાયાં છે. એમના આ સાદગીસભર ઘરને હોટેલ બનાવાઇ છે જ્યાં રહેવાના ભાવ ઊંચા છે પણ બહારથી જોતાં સામાન્ય ઘર કે જૂની હવેલી જ લાગે. કોઇ રાજવી ઠાઠ ન દેખાય.
સામાન્ય રજવાડું પણ એમાં વસનાર એ મહારાણીએ પ્રજાના દિલમાં દેવી તરીકેનું માનવંતુ સ્થાન મેળવ્યું હતું
પોતાની બધી જ કાર્યવાહીનું શ્રેય ભગવાન શિવના ચરણે ધરી દેનાર એ મહારાણીએ માત્ર પ્રજા સુખને અને ન્યાયને જ કેન્દ્રમાં રાખેલ.
પોતાના કાર્યકાળમાં સમાજના બાળ-વિવાહ, વિધવાના પુર્ન લગ્ન જેવા કુરિવાજોમાં ક્રાંતિ આણી સમાજ સુધારા કર્યા હતા. કન્યાકુમારીથી હિમાલય સુધીના મંદિરોના જીર્ણોધ્ધાર, તળાવ, કૂવા, કિલ્લાઓ, સડકો, વિશ્રામ ગૃહ, અન્નક્ષેત્ર, શિક્ષણના ધામો બંધાવવા, ઉદ્યોગો સ્થાપી રોજી-રોટી ઉભા કરવા જેવા અસંખ્ય કામો કરી જીવન સમર્પિત કરનાર રાણી અહલ્યાબાઇનું જીવન-કવન એક મીશાલ બની ગયું છે.
આપ સૌએ એમના જીવન-કવન આધારિત સીરીયલ ‘પુણ્ય શ્લોકા અહલ્યાબાઇ” જોઇ હશે! એમાં એના પ્રભાવશાળી વ્યક્તિત્વની ઝાંખીના દર્શન કર્યા હશે.
રાણી અહલ્યાદેવીએ એમના સસરા મલ્હારરાવ હોલકરના મૃત્યુ બાદ રાજ્યનું પાટનગર ઇન્દોરથી સ્થળાંતર કરી મહેશ્વરને બનાવ્યું. પરંતુ લશ્કરી છાવણી તો ઇન્દોરમાં જ રાખી.
અહલ્યાબાઇ દેવીનો દરજ્જો મેળવી ભારતીય ઇતિહાસમાં પોતાનું નામ સ્વર્ણ અક્ષરે લખાવી ૧૩ ઓગષ્ટ ૧૭૯૫ના ભાદરવા મહિનાની વદ ચૌદસે નર્મદા તટે ચિરનિદ્રામાં પોઢી ગયા. એમના સન્માનની યાદમાં ભાદરવા વદ ચૌદસના દિવસે અહલ્યાત્સોવનું આયોજન થાય છે.
ઇન્દોરનો રજવાડા પેલેસ પર્યટકોનું આકર્ષણ :
શહેરની મધ્યમાં આવેલ ઇન્દોરનો રજવાડા પેલેસ પર્યટકોનું આકર્ષણ છે. અન્ય આકર્ષણોમાં કિંગ એડવર્ડ હોલ જેને ૧૯૪૮ પછી મહાત્મા ગાંધી હોલ નામ આપવામાં આવ્યું તે, લાલ બાગ પેલેસ તથા સેન્ટ્રલ મ્યુઝીયમ, કાચનું જૈન મંદિર વગેરે જાણીતા છે. ભારતના સ્વચ્છ શહેરોમાં ઇન્દોર પ્રથમ ક્રમાંકે છે.
હોલકર શાસકોનો સાત માળી મહેલ; રજવાડા, મરાઠા, ફ્રેંચ વગેરે સ્થાપત્ય કલાનો અદ્ભૂત નમૂનો છે. પ્રથમ શાસક મહારાજ મલ્હારરાવ હોલકરે આ મહેલ અઢી સદી પહેલા બંધાવેલ જે એમનું નિવાસ સ્થાન હતું. એના ઝરોખાં જોવાલાયક છે.
એ રજવાડાના બાંધકામની સ્થાપત્ય કલામાં માત્ર મરાઠા જ નહિ મુગલ અને ફ્રેન્ચ શૈલીનો પણ સમન્વય કરાયો છે. એના આંગણમાં મહારાણી અહલ્યાબાઇનું પૂતળું, ફુવારાઓ અને કૃત્રિમ વોટર ફોલ્સ છે. દરબાર હોલ, ગણેશ હોલ, પ્રદર્શન વગેરે માલવાના ઇતિહાસની ૨૫૦ વર્ષોની યાદોં પોતાના હાર્દમાં સમાવીને બેઠાં છે.
રજવાડાંના પાછળના ભાગમાં શીશમહેલ, તલઘર તથા આકર્ષક ઉધાન ૧૯૮૪ના દંગલોમાં નષ્ટ પામ્યાં.
૧૮૦૩માં હોલકરે બ્રિટિશ શાસન સામે યુધ્ધમાં ભાગ લીધો અને ૧૮૧૭-૧૮માં એમનો પરાજય થતાં રાજ્યનો મોટો હિસ્સો બ્રિટિશરોને સોંપી દેવો પડ્યો એનો આઘાત મલ્હારરાવ હોલકર જીરવી ન શક્યા અને એમની જીવનલીલા સમેટી લીધી. અહિંયા વર્તમાન હોલકરોના કુલદેવતા મલ્હારી માર્તંડ દેવનું સ્થાનક છે. ૧૮૮૪માં તુકોજીરાવ દ્વિતીયને ગોદ લીધા ત્યારે હોલકર વંશજનું ૧૮૫૨માં પ્રથમ રાજતિલક કરવામાં આવ્યું હતું. આ મહેલનો દક્ષિણ ભાગ બે ત્રણ વખત આગ લાગવાનો કારણે પુર્ન નિર્માણ કરવામાં આવ્યો હતો.
જૈનોનું ૧૦૦ વર્ષ જૂનું રંગબેરંગી કાચનું ભવ્ય દેરાસર જેના મૂળ નાયક જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર છે. શેઠ હેમચંદે એ ૧૯૦૩માં બંધાવ્યું હતું. એની ડીઝાઇન, ગ્લાસ વર્ક, કાર્વિંગ, ટેક્સચર, મોઝેઇક્સ, પીલર્સ, સંગેમરમરના ફ્લોર, કોરીડોર, કોલમ્સ, દિવાલો, છત બેલ્જીયમથી આયાત કરેલ અને આર્ટિસન ઇરાનથી તથા કારીગરો જયપુરના હતા.
સંગીન અને રંગીન કાચ મઢ્યું આ દેરાસર એની પવિત્રતા, આદ્યાત્મિકતા માટે વિખ્યાત છે. એમાં સોનાની પાલખી છે
જે વર્ષમાં એકવાર પર્યુષણમાં વરઘોડો નીકળે ત્યારે જ બહાર કઢાય છે.

