યુનિક ડેસ્ટીનેશન વેડીંગનું ગજબનું વળગણ

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 26th June 2024 07:10 EDT
 
 

બ્રિટનમાં સમર શરૂ થાય એટલે આપણા ભારતીય-ગુજરાતી સમાજમાં લગ્નસરાના શ્રીગણેશ મંડાય. લગ્નોત્સુક આજની યુવાપેઢી એમનાં લગ્નને યુનિક બનવવા માંગે છે. આજે અનેક લગ્નોત્સુક યુગલો ડેસ્ટીનેશન વેડિંગ કરવાનું પસંદ કરે છે. આ ડેસ્ટીનેશન વેડીંગનાં સ્થળો માટે યુગલોની પસંદગી પણ કેવી હોય!!! નીલ રંગી આકાશ નીચે વિશાળ સમુદ્રના તટ એટલે કે બીચ ઉપર અથવા તો પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વિશાળ સરોવર કિનારે મઘમઘતા પુષ્પોથી સજાવેલ મંડપમાં નવયુગલ સપ્તપદીના ફેરા લેતા હોય એવાં ડેસ્ટીનેશન વેડીંગનો આનંદ અમે પણ માણ્યો છે. મારાં નજીકનાં એક સંબંધી રમાબહેન (નામ બદલ્યું છે)ને તાજેતરમાં અમેરિકામાં રહેતી નાનીબહેનની ૪૦ વર્ષની દિકરીના ડેસ્ટીનેશન વેડીંગમાં જવાનું થયું. રમાબહેન ૭૫ની વય વટાવી ચૂકયાં છે, એમના પતિ નિરંજનભાઇ પણ ૮૨ વર્ષના છે. લંડનથી લગ્ન મહાલવા ગયેલાં રમાબહેને વરણાગીયા અમેરિકન વરરાજા સાથે ભાણીબહેનનું ડેસ્ટીનેશન વેડીંગ કેવું હતું એનું ગજબનું વર્ણન કરતાં કહ્યું કે, "ભાણીબહેને તો ત્રણ દિવસનો જે પ્રોગ્રામ કર્યો હતો એ જોઇ મને તો આપણે બાળપણમાં ઢીંગલા-ઢીગલીની રમત રમતાં એવું જ લાગ્યું!! રમાબહેનના કહેવા મુજબ મેક્સિકોના કેનકુનમાં જ્યાં લગ્ન હતાં એનો રહેવાનો ખર્ચ અમારે જ આપવાનો હતો. છ મહિના પહેલાં બહેને અમને ઇમેલથી કંકોતરી મોકલી હતી એમાં જણાવ્યું હતું કે તમારે જ નીચેની હોટેલનું બુકીંગ કરાવી લેવાનું છે!! વ્યથાની કથા કરતાં રમાબહેનને અમેછ્ય પૂછયુંઃ “ચાલો તમે એ બહાને મેક્સિકો તો ફરી આવ્યા ને? એર ટિકિટ સાથે હોટેલ ખર્ચ અને લગ્ન ભેટ સહિત ૫૦૦૦ પાઉન્ડના ખાડામાં ઉતરી જનાર રમાબહેને વિતેલી વિતક રજૂ કરતાં કહ્યું કે, “શેનું ફરવાનું..!! એરપોર્ટ પરથી ટેક્સી લઇને ગયા એ દિવસે "મીટ એન્ડ ગ્રીટ" એટલે સંધ્યાકાળે હોટેલના સ્વીમીંગ પૂલ પર પાર્ટી યોજાઇ. દરિયા પરથી જોરદાર પવન ફૂંકાય ત્યાં માથાના વાળ ઉડે, એ સંભાળીએ ત્યાં જયુશના ગ્લાસ પડે, ડીશો ઉડે. જવા દો ને!! એમાં આપણું કંઇ કામનું નહીં..! ઝગમગ ઝગમગ લાઇટોના ઝગારા વચ્ચે ધોળિયા અને આપણાં જુવાનિયાં ખાય-પીવે અને મનફાવે એમ નાચે. રાત સુધી એવો જલસો ચાલ્યો અને બીજે દિવસે સવારે ગણેશ સ્થાપન થયા પછી પીઠી થઇ. પીઠી પ્રસંગે સૌને ડ્રેસકોડ આપ્યા હતા કે સૌએ પીળા કલરની સાડી કે ડ્રેસ પહેરવાના!! અમારી ભાણી સાથે ગોરાગપ્પ અમેરિકન વરને પણ પીઠી ચડાવવાની હતી એટલે એ પણ કૂર્તા-પાયજામાં ઠાઠમાઠ થયેલો. આપણા જમાનામાં લગ્નના પંદર દિવસ પહેલાં વર-કન્યા એકબીજાને મળતાં નહિ પણ અહીં તો કન્યા અને વરને એકબીજાની બાજુમાં ટબ જેવા પીત્તળના કૂંડામાં બેસાડી જુવાનિયાની ટોળકીએ વર-કન્યાને ઓળખી ના શકો એવાં પીઠીથી રગદોળ્યાં પછી ઉંચકીને સ્વીમીંગ પૂલમાં નાખ્યાં.. અરેરે બાપ રે! એ નવયુગલ સાથે એમના મિત્રો-બહેનપણીઓએ પણ પૂલમાં ધૂબાકા માર્યા!!! અરરર.. મને થાય કે આ ઢીંગલા-ઢીંગલીના ખેલ થઇ રહ્યા છે કે શું?! લગ્નના ત્રીજે દિવસે સવારે કેનકેૂનના દરિયા કિનારે વર-કન્યાના ડ્રેસને મેચ થાય એવા તાજાં પુષ્પોથી મંડપ સજાવ્યો. અમેરિકન વરરાજાના વરઘોડા માટે સ્પેશીયલ પંજાબી ઢોલવાળાને ન્યૂયોર્કથી બોલાવ્યા હતા. આપણા લગ્નોમાં આવનારા ગોરાઓ પણ પંજાબી ભાંગડા નાચવા લાગ્યા છે. તોરણે આવેલા વરરાજાને મારી બહેને ૧૨ વાગ્યે પૌંખ્યા પછી ૩૨ ડિગ્રીના તડકામાં બેસનારાઓની હાલત કેવી થઇ હશે?!! અમે તો ઠીક પણ પાંચ કિલોનું વજન ધરાવતા હેવી ચણિયા-ચોળી પહેરનારી કન્યાના ચહેરા ઉપરથી મેકઅપના રેલા ઉતરતા હતા અને જરદોશી ભરતવાળી શેરવાણી પહેરનારો ગોરા વરનો ચહેરો પણ સખત તાપમાં લાલ ટામેટા જેવો થઇ ગયો હતો. ! આવાં લગ્નોમાં શું મજા આવતી હશે..! એ જ સમજાતું નથી..! રમાબહેને આફ્રિકા કે ઇન્ડિયામાં ૪૦-૫૦ વર્ષ પહેલાં કેવાં લગ્નો થતાં એનો ઇતિહાસ તાજો કરતાં કહ્યું કે, “ પહેલાં તો મા-બાપ મૂરતિયો એનું કુટુંબ જુએ પછી યોગ્ય લાગે તો નક્કી કરતા. આપણે આપણા જીવનસાથીને વગર જૂએ, વગર મલ્યે પરણ્યા. ટૂંકમાં જિંદગી રૂપી પત્તાની બ્લાઇન્ડ ગેમ રમ્યા પણ એકમેકના બની આનંદથી જીવ્યા. આપણાં લગ્નો મોટાભાગે મધરાતે યોજાતાં, આપણે માંડવે મા-બાપની હાજરીમાં શરમથી સંકોચાઇ નીચી નજરે સપ્તપદીના ફેરા લેતાં. વહેલી પરોઢીયે લક્ષ્મી રૂપી કન્યાને બાજઠ પર સાથીયો ચિતરી, ગોળથી મ્હોં મીઠું કરાવી જનેતા સહિત કુટુંબની પાંચ સૌભાગ્યવતી વહુઓ જીરૂ, રાઇ, રૂપુ, સોનું, રૂ એવી પાંચ વસ્તુ માથેથી ઉતારીને પીઠી ચોળતા. માંડવે જાન જમવા આવે એનો પણ અનેરો રુઆબ રહેતો અને કન્યાપક્ષેથી પણ જોરદાર સ્વાગત થતાં.”
આપણા સમાજમાં રમાબહેન જેવી અનેક બહેનો, માતાઓને પણ આ બદલાતા સમયના વહેણ સાથે મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હશે. અત્યારની યુવા પેઢીના યુવાન યુવતીઓ બે-ત્રણ વર્ષ સાથે હરીફરી, એકબીજાથી પરિચિત થઇ પ્રપોઝ કરતા હોય છે. કેટલાક તો પેરિસ જઇ એફેલ ટાવર પર જઇને, હેલીકોપ્ટરની રાઇડ લઇને, તાજમહાલની સામે, થેમ્સની બોટ રાઇડમાં, વેલેન્ટાઇન ડે ઉપર એમની પ્રેમિકા સામે ઘૂંટણીયે બેસી ડાયમંડની રીંગ આપી પ્રપોઝ કરતા હોય છે. અમેરિકામાં રહેતા અમારા એક ફ્રેન્ડના દિકરાએ વોશિંગ્ટન જઇ વ્હાઇટ હાઉસ સામે એની જીવનસંગિનીને પ્રપોઝ કરી ૨૦ હજાર ડોલરની ડાયમંડની રીંગ આપી હતી. એનું ડેસ્ટીનેશન વેડીંગ કેલિફોર્નયાના શાંટાબાર્બરાના બીચ ઉપર યોજાયું હતું. આવા આધુનિક વેડીંગમાં યુગલોએ કંકોતરી પોસ્ટ કરવાનો રિવાજ કાઢી ઇમેલથી વેડીંગ ઇન્વીટેશન મોકલવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે.
આપણા બ્રિટીશ ભારતીય યુવાન-યુવતીઓ ઇટાલીના ફલોરેન્સ કે અન્ય ઐતિહાસિક સ્થળો સાથે રળીયામણા ડુંગરાળ પ્રદેશ વચ્ચે ભરપૂર પ્રાકૃતિક સૌંદર્યના સાનિધ્યમાં સપ્તપદીના ફેરા લેવાનું પસંદ કરે છે. અમેરિકામાં પણ આપણા ગુજરાતી યુગલો કેલીફોર્નિયાના દરિયા કનારે અથવા દ્રાક્ષના સાંભાઓ વચ્ચે વાઇનરીમાં
યુનિક સ્ટાઇલે વેડીંગ કરવાનું પસંદ કરતા હોય એવા દાખલા જોવા મળ્યા છે.
આ ડેસ્ટીનેશન વેડીંગનો ટ્રેન્ડ બ્રિટન, અમેરિકા કે કેનેડામાં વસતા ભારતીયોમાં જ નથી..! હવે તો ભારતમાં પણ એનું વળગણ વધી રહ્યું છે. ડેસ્ટીનેશન વેડીંગ માટે ભારત સાતમા નંબરે છે. અત્યારે રાજસ્થાનના રાજમહેલો, ગોવા, કેરાલા, આંદામાન-નિકોબાર ટાપુઓ ઉપર ડેસ્ટીનેશન વેડીંગ થવા લાગ્યાં છે. જયપુર, ઉદયપુરના મહેલોમાં રજવાડી ઢબે યોજાતા ડેસ્ટીનેશન વેડીંગમાં તમે માગો એવી તમામ સવલતો મળી રહે છે.


comments powered by Disqus