વિશ્વના લોકશાહી દેશોની રાજનીતિમાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધી રહ્યો છે. બ્રિટન અને આયર્લેન્ડમાં તો ભારતીય મૂળના વડાપ્રધાનો શાસન કરી ચૂક્યાં છે. હવે અમેરિકામાં ભારતીય મૂળ ધરાવતા કમલા હેરિસ પ્રમુખપદની રેસમાં ડેમોક્રેટ ઉમેદવાર જાહેર થયાં છે. આ નવી રાજકીય વાસ્તવિકતાએ અમેરિકામાં ભારતીય અમેરિકન સમુદાયોને પણ સ્પોટલાઇટમાં લાવી દીધાં છે. આમ તો અમેરિકામાં કુલ મતદારોમાં ભારતીય મૂળના મતદારોની સંખ્યા ફક્ત 0.6 ટકા જેટલી જ છે પરંતુ મતદારોના પ્રમાણમાં બમણા ભારતીય અમેરિકનો અમેરિકી કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ પાંચ પ્રતિનિધિઓ પોતાને સમોસા કોકસ તરીકે ઓળખાવે છે. તે ઉપરાંત વિવિધ સ્ટેટની લેજિસ્લેચરમાં 40 જેટલાં ભારતીય અમેરિકનો પ્રતિનિધિત્વ કરે છે. બે ભારતીય અમેરિકનો તો સ્ટેટ ગવર્નર તરીકે સેવા આપી ચૂક્યાં છે અને મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો કેપિટોલ હિલ અને વ્હાઇટ હાઉસમાં વિવિધ પ્રકારની સેવાઓ આપી રહ્યાં છે. અમેરિકાની રાજનીતિમાં ભારતીયોની આ પ્રગતિ તેમની આર્થિક સફળતાને પણ આભારી છે. આજે ભારતીય મૂળનો અમેરિકન સમુદાય અમેરિકામાં સૌથી ધનવાન સમુદાયમાં સામેલ છે. દેશના સૌથી શિક્ષિત સમુદાયમા પણ ભારતીય અમેરિકનોની ગણના થાય છે. અમેરિકામાં જે રીતે તમામ સેક્ટરમાં ભારતીય મૂળના લોકો પ્રગતિ કરી રહ્યાં છે તેના કારણે આ સમુદાય લોકોની નજરના કેન્દ્રમાં આવી ગયો છે. ન્યૂયોર્ક ટાઇમ્સ જેવા અખબારો તો ભારતીય અમેરિકન સમુદાયને એક રાજકીય ફોર્સ તરીકે પણ વર્ણવી રહ્યાં છે. ભારતીય મૂળના અમેરિકન નાગરિકો ઉપરાંત ભારતીયો અમેરિકામાં બીજા ક્રમનો સૌથી મોટો ઇમિગ્રન્ટ્ સમુદાય છે. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ જે રીતે શિક્ષણના શિખરો સર કરી રહ્યાં છે તેના પગલે એમ્પ્લોયમેન્ટ માર્કેટમાં તેમની માગ પણ ઊંચી રહે છે. અમેરિકાના એચ-વન બી વિઝા મેળવનારામાં ભારતીય સ્નાતકો જ ટોચના સ્થાને છે. આ સ્નાતકો અમેરિકામાં પોતે સદ્ધર થવાની સાથે અમેરિકી અર્થતંત્રને પણ મજબૂતાઇ આપી રહ્યાં છે. અમેરિકામાં સ્થાયી થઇને સદ્ધર બનેલા આ ભારતીયો હવે રાજકીય રીતે પણ સબળાં બની રહ્યાં છે. અમેરિકી રાજનીતિમાં ભારતીયોનો પ્રભાવ અગાઉ કરતાં ઘણો વ્યાપક બની ચૂક્યો છે. આગામી સમયગાળામાં અમેરિકી કોંગ્રેસમાં વધુ ભારતીય પ્રતિનિધિત્વ જોવા મળશે તેમાં કોઇ શંકા નથી. એવી પણ પ્રબળ સંભાવનાઓ છે કે અમેરિકાને સૌપ્રથમ મહિલા પ્રમુખની સાથે સાથે પ્રથમ ભારતીય મૂળના પ્રમુખ પણ પ્રાપ્ત થાય.
