નડિયાદમાં 11 રોડ ઉદ્ઘાટનના માત્ર ચાર માસમાં તૂટી ગયા

Monday 05th August 2024 05:41 EDT
 

ખેડાઃ નડિયાદ નગરપાલિકાએ માર્ચ 2024માં રૂ. 3.14 કરોડના ખર્ચે 14 રોડ નવા બનાવ્યા હતા, જેનું સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું હતું. જોકે હાલમાં આ 14 હસ્તાઓ પૈકી 11 રસ્તા ચાર માસમાં જ ગાબડાં પડી ગયાં છે. પાલિકાએ માર્ગ-મકાન વિભાગ ડાકોર પાસેથી રસ્તો બનાવવાનું મટિરિયલ અને શ્રમિકો લઈ પોતાના મોનિટરિંગ હેઠળ રસ્તા બનાવ્યા હતા, ત્યારે ચાર માસમાં જ રસ્તાઓ બિસમાર બનતાં પાલિકાએ ઇરાદાપૂર્વક નબળી કામગીરી કરી કોન્ટ્રાક્ટરોને કામ અપાવવાનો કારસો રચ્યો હોય તેવા આક્ષેપ ઊઠ્યા છે. લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગે તે પહેલાં જ રાજકીય નેતાઓએ મત બેન્ક સાચવી લેવા 11 માર્ચે નડિયાદના 14 રસ્તાની યાદી જાહેર તાત્કાલિક બનાવવા નિર્ણય લીધો હતો, જેનું ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. આ રોડની કામગીરી માર્ચ મહિનામાં જ પૂર્ણ કરી દેવાઈ હતી, પરંતુ આ 14 પૈકી 11 રોડ પર ખાડા પડી ગયા હતા.
ચોમાસાની શરૂઆત સાથે જ કેટલીક જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે, તો વળી કેટલાંક સ્થળોએ પાલિકાનાં અન્ય કામો માટે રોડ ખોદી નાખવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરોને હટાવીને નગરપાલિકાએ જાતે જ સીધો ખર્ચ કરીને બનાવેલા રોડમાં ચાર મહિનામાં જ ખાડા પડી જતાં નગરપાલિકાના વહીવટી અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ લાગ્યા છે.


    comments powered by Disqus