વિશ્વના તમામ લોકશાહી દેશોમાં રાજકારણીઓ એક જ સૂત્ર પર કામ કરી રહ્યાં છે. જનતાને બોદાં વચનો આપો, સત્તામાં ચૂંટાઇ આવો અને ત્યારબાદ વચનો પૂરાં ન કરી શકવાની સ્થિતિમાં અગાઉની સરકારો પર દોષનો ટોપલો ઢોળી દો. છેલ્લા 14 વર્ષ બાદ સત્તામાં આવેલી લેબર સરકાર પણ જાણે કે આજ માર્ગ પર આગળ વધી રહી છે. ચૂંટણી પ્રચારમાં મતદારોને રિઝવવા માટે લેબર પાર્ટીએ અમે કોઇ પ્રકારના કરબોજ નહીં લાદીએ, જનતાને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં રાહત મળે તેવા પગલાં લઇશું જેવા સંખ્યાબંધ વચનો આપ્યાં પરંતુ જેવા સત્તારૂઢ થયાં કે લેબર પાર્ટીના સૂર બદલાવા લાગ્યાં હતાં. ચાન્સેલર રાચેલ રીવ્ઝે તો અગાઉ સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા દેશની આર્થિક સ્થિતિમાં કેટલાં ગાબડાં પાડવામાં આવ્યાં છે તે શોધવાના કામને ટોચની પ્રાથમિકતા આપી જેથી હવે ખોબલે ને ખોબલે મત આપનારા મતદારોને ઉંઠાં ભણાવી શકાય કે અમે તો તમને રાહત આપવા તૈયાર હતાં પરંતુ દેશની તિજોરીની કન્ઝર્વેટિવોએ જે હાલત કરી છે તે જોતાં તમને રાહત આપવી શક્ય નથી. હવે તમારે દેશને માટે વધુ કરવેરા ચૂકવવા પડશે... આ ફક્ત બ્રિટનની જ સ્થિતિ નથી. વિશ્વના કોઇપણ લોકશાહી દેશમાં જાવ, રાજનેતાઓ આ રીતે જ જનતાને ઉલ્લુ બનાવવામાં પાવરધા બની ગયાં છે. ભારતનું ઉદાહરણ લો તો 2014માં સત્તામાં આવેલી મોદીની સરકાર 2024માં પણ અગાઉની કોંગ્રેસની સરકારો પર દોષનો ટોપલો નાખી રહી છે. અમેરિકામાં હાલ ચૂંટણી પ્રચાર આગળ વધી રહ્યો છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હાલના ડેમોક્રેટ સત્તાધીશો પર માછલાં ધોવામાં જરાપણ કસર બાકી રહ્યાં નથી. આવી જ સ્થિતિ અન્ય લોકશાહી દેશોમાં પણ જોવા મળે છે. પરંતુ કોઇ રાજનેતા કે રાજકીય પાર્ટી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવામાં રસ ધરાવતી નથી. આરોપ-પ્રત્યારોપ અને ત્યારબાદ જનતાની સમસ્યાઓ પ્રત્યે બેધ્યાન બની પોતાને મળેલી મુદત સુધી સત્તામાં ચીટકી રહેવા સિવાય રાજકારણીઓને બીજો કોઇ ધંધો જ નથી. યુકેમાં રાચેલ રીવ્ઝે પણ કન્ઝર્વેટિવો પર દોષારોપણનું આખું ભાથું તૈયાર કરી લીધું છે. હવે આ ભાથાનો ઉપયોગ કરીને બ્રિટિશ જનતા પર કેટલા બોજા નાખવામાં આવે છે તે જોવું રહ્યું.
