આધુનિક યુગમાં લોકોને રાતોરાત ધનવાન બની જવું છે. ટીપે ટીપે સરોવર ભરાય તેવી કહેવતમાં આજના લોકો અને વિશેષ કરીને યુવાઓને રસ નથી. ભૌતિકતાના રવાડે ચડેલી 21મી સદીની પેઢીને વર્ષો સુધી રાહ જોવાની આદત નથી. તે પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે હવે શોર્ટ કટ અપનાવવા લાગી છે, જોકે સાથે સાથે તેના દુષ્પરિણામો પણ ભોગવે છે. તાજેતરમાં જ ભારતની શેરબજાર નિયંત્રક સેબી દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં લાલ બત્તી સમાન ટિપ્પણી કરવામાં આવી હતી કે શેરબજારમાં ઇન્ટ્રા ડે રોકાણ કરનાર દર 10માંથી 7 રોકાણકારને નુકસાન વેઠવું પડે છે. આ પહેલાં પણ સેબીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ફ્યુચર અને ઓપ્શનમાં ટ્રેડિંગ કરનારા 90 ટકાથી વધુ નાના રોકાણકારોને નુકસાન થાય છે. સેબી દ્વારા નિયમિત અંતરાલે અપાતી ચેતવણીઓ છતાં શેરબજારોમાં રોકાણકારોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સેબીના જ આંકડા જોઇએ તો ઇન્ટ્રા ડે ટ્રેડ કરતા રોકાણકારોની સંખ્યા 18 ટકાથી વધીને 48 ટકા પર પહોંચી ગઇ છે. તેમાં પણ 30 વર્ષથી નાની વયના યુવા રોકાણકારોની સંખ્યા સૌથી વધુ છે. શેરબજારમાં રોકાણકારોના વધારા પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. અગાઉ પોસ્ટ ઓફિસ કે સરકારી યોજનાઓમાં રોકાણ કરવાથી પાંચ વર્ષમાં નાણા બમણા થતાં હતાં તેટલી હદે કદાવર વ્યાજદરો ચૂકવાતાં હતાં. પરંતુ ત્યારપછી વ્યાજદરોમાં સતત ધોવાણ થતાં હવે ફિક્સ્ડ ડિપોઝિટ કે અન્ય બચત યોજનાઓમાં રોકાણકારોને યોગ્ય વળતર મળવાનું બંધ થઇ ગયું. શેરબજારોમાં રોકાણ ઝડપી વળતર આપતું હોવાની ધારણા અને અપેક્ષાના કારણે લોકોએ આંધળી દોટ મૂકી છે. અગાઉ શેરબજારમાં રોકાણ માટે જરૂરી ડીમેટ એકાઉન્ટની સંખ્યા માંડ લાખોમાં હતી તે આજે કરોડોને પાર કરી ચૂકી છે. નિવૃત્તિ બાદ કર્મચારીઓ પોતાની આખા જીવનની બચતસમાન જે રકમ મળી હોય તેને શેરબજારમાં ઠાલવી દેતાં ખચકાતાં નથી. બીજીતરફ યુવાપેઢીને 8થી 12 કલાકની નોકરી કરતાં થોડા કલાક ઇન્ટ્રા ડે સોદા પાડીને રોજના રૂ.500થી રૂ. 1000 કમાઇ લેવામાં વધુ રસ છે. આજ આળસ અને કામચોરી તેમને નુકસાનની ગર્તામાં ધકેલી રહ્યાં છે. ગુજરાતીમાં બીજી પણ એક કહેવત છે કે હાર્યો જુગારી બમણું રમે. ઝડપથી કમાણી કરી લેવાની લાહ્યમાં આજે લોકો સટ્ટાના રવાડે ચડી ગયાં છે. તેના માટે લોન લેનારા કે દેવું કરનારા લોકોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. કહે છે ને કે વગર મહેનતની કમાણી ઝાઝો સમય ટકતી નથી. આવી જ સ્થિતિ આજે શરબજારોમાં રોકાણ કરનારાની થઇ રહી છે જે સમાજ માટે એક લાલ બત્તી સમાન છે.
