‘આણંદ શોભા’ઃ હવે તમારા ઘરની શોભા વધારશે ભીંડાના ફૂલો

Saturday 03rd August 2024 05:40 EDT
 
 

આણંદ: ભીંડાનો ઉપયોગ શાકભાજીમાં થતો હોવાનું આપણે સહુ જાણીએ છીએ, પણ હવે તેનો ઉપયોગ ઘરની શોભામાં - સાજસજાવટમાં થશે એવું કોઇ કહે તો?! વાત ભલે મગજ ચકરાવે ચઢાવી દે તેવી હોય, પણ હકીકત છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ ભીંડાની નવી જાત વિકસાવી છે, જેમાં ભીંડા નહી પરંતુ ફૂલ થાય છે. સંશોધકો દ્વારા નવીન જાતને ‘આણંદ શોભા’ નામ આપ્યું છે, જે કિચન ગાર્ડન તેમજ તમારા લિવિંગ, ડ્રોઈંગ કે પછી બેડરૂમની ખરેખર શોભા વધારશે. તેમજ નવી વિકસાવેલી ભીંડાની જાતનું નામ શોભા રાખવામાં આવ્યું છે.
યુનિવર્સિટીએ ભીંડાની નવી જાત વિકસાવી
આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. એમ.કે. ઝાલા અને તેની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો. દીપક પટેલ, ડો. આકર્ષ પરિહાર, ડો. મહેશ વાજા સહિતની ટીમ દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી સંશોધન કરાતું હતું. પાંચ-છ વર્ષ પહેલાં ભીંડાના પાકમાં પીળી નસના રોગ સામે પ્રતિકારક જાત વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નર વંધ્ય છોડના પુષ્પો ખૂબ જ આકર્ષક હતા, ​​​​​​પરંતુ ભીંડાની જંગલી જાતોનું વાવેતર હેઠળની જાતો સાથે સંકરણ કરતાં તેમાં સફળતા મળી નહોતી. આ પછી આ જંગલી જાતનું અન્ય જંગલી જાત સાથે સંકરણ કરતાં તેમાંથી બે છોડ મળ્યા હતા. છોડનો ગહન અભ્યાસ કરતાં તે નર વંધ્ય માલુમ પડ્યાં હતા. આ નર વંધ્ય છોડના પુષ્પો ખૂબ જ આકર્ષક લાગતા હતા. આથી કુલપતિ ડો. કથીરીયાએ આ જાતને ફૂલ છોડ તરીકે વિકસાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ જાતને ‘આણંદ શોભા’ નામ અપાયું છે.
7થી 8 કલાક સુધી ફૂલ ખીલેલા રહે છે
આ જાતના પુષ્પની પાંદડીનો ઉપરનો ભાગ ઘેરા લાલ રંગનો તેમજ નીચેના ભાગમાં આછા સફેદ રંગની છાંટ હોય છે અને 7થી 8 કલાક સુધી ફુલો છોડ પર ખીલેલા રહે છે. આ જાત કુંડા, બાગ-બગીચા તેમજ કિચન ગાર્ડનમાં ઉછેરી શકાય છે. આ જાતને જરૂરિયાત મુજબ છટણી કરવાથી એક છોડ પર 30 થી વધુ ફૂલો આવી શકે છે.


    comments powered by Disqus