કંપનીની 25 વર્ષની ઉજવણીના રંગમાં ભંગ પડ્યોઃ સીઈઓ સંજય શાહનું 25 ફૂટ ઊંચેથી પટકાતાં મોત

Wednesday 31st January 2024 06:31 EST
 
 

હૈદરાબાદ: વડોદરાના વતની અને અમેરિકાના શિકાગોમાં સ્થાયી થયેલા સંજય શાહે 1999માં વિસ્ટેક્સ નામની સોફ્ટવેર અને રેવન્યૂ મેનેજમેન્ટ સોલ્યુશન કંપની સ્થાપી હતી. શૂન્યમાંથી સર્જાયેલી એ કંપનીની વાર્ષિક રેવન્યૂ 30 કરોડ ડોલર જેટલી હતી. એ કંપનીની સ્થાપનાના 25 વર્ષની ઉજવણી હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટીમાં થઈ રહી હતી તે વખતે 25 ફૂટ ઊંચેથી પટકાતા સીઈઓ સંજય શાહનું મોત થયું છે.
રામોજીમાં સિટીમાં ઉજવણીનું આયોજન
રામોજી ફિલ્મ સિટીમાં કંપનીની સિલ્વર જ્યૂબિલી ઉજવાઈ રહી હતી અને આ સેલિબ્રેશનમાં કર્મચારીઓ સહિત હજારેક લોકો હાજર હતા. સેલિબ્રેશન વખતે સીઈઓ અને કંપનીના પ્રમુખની ગ્રાન્ડ એન્ટ્રી ગોઠવાઈ હતી. લોખંડની પાલખીમાં 25 ફૂટ ઉપરથી કંપનીના સીઈઓ સંજય શાહ અને પ્રમુખ રાજુ ડાટલા મંચ પર એન્ટ્રી લઈ રહ્યા હતા. એ વખતે 25 ફૂટની ઊંચાઈએથી લોખંડનું એ બોક્સ તૂટી ગયું હતું અને સીઈઓ તેમજ પ્રમુખ 25 ફૂટ ઉપરથી નીચે પટકાયા હતા. સીઈઓ સંજય શાહને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. રાજુ ડાટલાને ઈજા થઈ છે અને તેમની સ્થિતિ ગંભીર છે.
 વડોદરાના વતની
વડોદરાના વતની સંજય શાહ 1988માં એમબીએ કરવા અમેરિકા ગયા હતા. સ્ટડી પૂરો કર્યા બાદ તેમણે શિકાગોની એસએપી નામની સોફ્ટવેર કંપનીમાં નોકરી શરૂ કરી હતી. 1999માં તેમણે વિસ્ટેક્સ નામની કંપની સ્થાપી હતી. આ કંપની સોફ્ટવેર ઉપરાંત રેવન્યૂ મેનેજમેન્ટ સહિતની વિવિધ સર્વિસ આપે છે. દુનિયાભરમાં આ કંપનીની 20 ઓફિસ કાર્યરત છે અને 2000થી વધુ કર્મચારીઓ સક્રિય છે. શૂન્યમાંથી સર્જાયેલી આ કંપનીની વાર્ષિક રેવન્યૂ 30 કરોડ ડોલર છે.
શિકાગોના સફળ બિઝનેસમેન
સંજય શાહ શિકાગોના સફળ બિઝનેસમેન ગણાય છે. શિકાગોના વિખ્યાત ટ્રમ્પ ટાવરમાં સંજય શાહનું લક્ઝુરિયમ પેન્ટહાઉસ છે. 15 હજાર સ્કવેર ફૂટના એ પેન્ટહાઉસમાં પાંચ બેડરૂમ છે. એમાંથી શહેરનો 360 ડિગ્રી વ્યૂ મળે છે. શિકાગોમાં એ સૌથી મોંઘી પ્રોપર્ટી ગણાય છે. સંજય શાહે 2014માં આ ઘર ખરીદ્યું હતું અને એ માટે બે વર્ષ સુધી ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન સાથે વાટાઘાટો ચાલી હતી. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ ટ્રમ્પ ટાવરના ડેવલપર-માલિક છે.


comments powered by Disqus