કરમસદની ભાઇકાકા યુનિવર્સિટીમાં વેમેડ નર્સિંગ કોલેજનો શિલાન્યાસ

Tuesday 30th January 2024 06:31 EST
 
 

કરમસદઃ નગરની આગવી ઓળખસમાન ભાઈકાકા યુનિવર્સિટીમાં સાકાર થનારી અત્યાધુનિક વેમેડ નર્સિંગ કોલેજનો શિલાન્યાસ સમારોહ લંડનસ્થિત મુખ્ય દાતા ભીખુભાઈ પટેલ અને વિજયભાઈ પટેલના હસ્તે થયો છે. લંડનસ્થિત વેમેડ હેલ્થકેરના આ પટેલબંધુઓએ નર્સિંગ કોલેજ પ્રોજેક્ટ માટે રૂ. 7.75 કરોડનું જંગી દાન આપ્યું છે.
24 જાન્યુઆરીએ યોજાયેલા શિલાન્યાસ પ્રસંગે ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલભાઈ પટેલ, માનદ્ મંત્રી જાગૃતભાઇ ભટ્ટ, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, રજીસ્ટ્રાર
ડો. હરીશ દેસાઈ, કંટ્રોલર ઓફ એકેડેમિક ડો. જ્યોતિ તિવારી, શ્રીકૃષ્ણ હોસ્પિટલ-કરમસદના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેશ દેસાઈ, ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સના પ્રિન્સિપાલ શૈલેષ પંચાલ, નિજાનંદ રિસોર્ટના યોગેન્દ્રભાઇ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત અન્ય ઈન્સ્ટિટયુટના પ્રિન્સિપાલ તેમજ દાતાઓ ભીખુભાઇ અને વિજયભાઈના કુટુંબીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલભાઈ પટેલે જણાવ્યું કે, વેમેડ નર્સિંગ કોલેજ 25,000 સ્કવેર ફુટના વિસ્તારમાં નિર્માણ કરવામાં આવશે.
આ માટે દાતાશ્રી ભીખુભાઈ પટેલ અને શ્રી વિજયભાઈ પટેલ દ્વારા રૂ. 7.75 કરોડનું માતબર દાન જાહેર કરાયું છે. હાલમાં ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજમાં ગ્રેજ્યુએટ કક્ષામાં 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ ગુજરાતભરમાંથી વધુને વધુ વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજમાં એડમિશન અર્થે આવે છે. આ જરૂરિયાતને સંતોષવા માટે નવું બિલ્ડિંગ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ નવા બિલ્ડિંગના નિર્માણ બાદ 80થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈએ જણાવ્યું કે, દુનિયાભરમાં નર્સિંગની ખૂબ જ માંગ છે. તેથી વધુને વધુ વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરી શકે તે હેતુસર અમે વેમેડ નર્સિંગ કોલેજ ઊભી કરવાનું આયોજન હાથ ધર્યું છે.
માતા શાંતાબા અમારો પ્રેરણાસ્ત્રોતઃ વિજયભાઇ પટેલ
સમાજના દરેક સત્કાર્યમાં હંમેશા ઉદાર હાથે સખાવત કરવા તત્પર રહેતા આ પટેલ બંધુઓનો પ્રેરણાસ્રોત છે તેમના માતા શાંતાબા. વિજયભાઇ કહે છે કે આ બધું તેમના (શાંતાબાના) આશીર્વાદથી શક્ય બની રહ્યું છે. અમારા સખાવતી કાર્યોના પાયામાં શાંતાબાની પ્રેરણા અને તેમની કૃપા છે. તેમના નામે ચાલતા શાંતા ફાઉન્ડેશનના નેજામાં અમે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ, અને આ સેવાકાર્યો ચાલુ રાખવા પ્રતિબદ્ધ છીએ. આજે અહીં વેમેડ નર્સીંગ કોલેજનો શિલાન્યાસ થયો છે, જે માટે અમે હાલના તબક્કે 7.75 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અને જરૂર પડ્યે અમે વધુ આર્થિક સહયોગ આપવા પણ તૈયાર છીએ.’ વિજયભાઈએ કહ્યું કે, ચારુતર આરોગ્ય મંડળમાં અમે આ અગાઉ પણ વેમેડ ક્રિટિકલ કેર સેન્ટર ઊભું કરવા દાન આપ્યું હતું અને આ વેમેડ ક્રિટિકલ કેર સેન્ટર ખાતે કોવિડ મહામારી સમયે 9000થી વધુ દર્દીઓને કોવિડની સારવાર અપાઇ હતી. આ સંસ્થાની કામગીરીમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, અમારા દાનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે.


comments powered by Disqus