જ્ઞાનવાપી મસ્જિદ નહીં, પણ મંદિર છે

Wednesday 31st January 2024 06:41 EST
 
 

વારાણસી: વારાણસીનું જ્ઞાનવાપી પરિસર 1 હજાર વર્ષ જૂના હિન્દુ મંદિર પર નિર્મિત થયું હોવાનો ઘટસ્ફોટ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઈ) દ્વારા રજૂ કરવામાં આવેલા 839 પેજના રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ અદાલતમાં રજૂ થયા બાદ હિન્દુ પક્ષના વકીલે પત્રકારો સાથે વાત કરતા રિપોર્ટનાં તારણો રજૂ કર્યા હતાં.

1000 વર્ષ જૂનું પરિસર

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મસ્જિદની નીચે હિન્દુ મંદિરનું માળખું, અવશેષ, ચિહ્ન અને પ્રતિક વગેરે મળી આવ્યાં છે. એક સ્થાન પર ‘મહામુક્તિ મંડપ’ લખ્યું છે. હિન્દુ મંદિરના ભવનના અવશેષનો જ મસ્જિદના સ્ટ્રક્ચરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જિલ્લા અદાલતમાં રજૂ કરવામાં આવેલો એએસઆઈનો રિપોર્ટ 25 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે એએસઆઈના રિપોર્ટમાં જણાવાયું હતું કે ઢાંચો અત્યંત પ્રાચીન છે. પણ મસ્જિદ જેવી સંરચના માત્ર 350 વર્ષ જૂની છે.પશ્ચિમી દિવાલ 1 હજાર વર્ષ જૂની છે. પરિસરમાં હનુમાન અને ગણેશજીની ખંડિત મૂર્તિઓ મળી આવી છે.

આધુનિક ટેક્નોલોજીથી સર્વે

ગત વર્ષે વારાણસી જિલ્લા કોર્ટના આદેશ બાદ એએસઆઈએ ૩ મહિના કરતા વધુ સમય માટે જ્ઞાનવાપી પરિસરનો વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યો હતો. સર્વેમાં વિવિધ પ્રકારના આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 839 પેજનો રિપોર્ટ સીલબંધ કવરમાં વારાણસી કોર્ટને સોંપવામાં આવ્યો હતો. જિલ્લા જજના આદેશ બાદ ગુરુવારે વિવાદ સાથે સંકળાયેલા પક્ષોને રિપોર્ટની નકલ આપવામાં આવી હતી.


    comments powered by Disqus