‘વિશ્વ ઉમિયા ધામનું ફલક વ્યાપક, સમાજના તમામ વર્ગોનો વિકાસ અમારું લક્ષ્ય’

Tuesday 30th January 2024 06:31 EST
 
 

અમદાવાદઃ શહેરના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરની નિશ્રામાં યોજાયેલા NRI સ્નેહમિલનમાં વિશ્વના વિવિધ દેશોમાં વસતાં પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશવાસી પાટીદારોનો વિશ્વ ઉમિયા ધામ સાથેનો નાતો તન-મન-ધનથી વધુ મજબૂત બનાવવા અને તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલા સંમેલનમાં 500થી વધુ પરિવારોએ ઉમંગ-ઉલ્લાસભેર હાજરી આપી હતી. જેમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકાના દેશોથી આવેલા પાટીદારોની સંખ્યા સવિશેષ હતી.
વર્ષ 2024ના આ સૌપ્રથમ સ્નેહમિલનમાં આશરે 2000 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થઇ રહેલા પ્રોજેક્ટની પ્રગતિનો અહેવાલ રજૂ કરાયો હતો. સાથે સાથે જ વીતેલા વર્ષ દરમિયાન આ યોજના માટે આર્થિક યોગદાન આપનારા વિવિધ દાતાઓનું સન્માન કરાયું હતું.
સંસ્થાના તેજતર્રાર પ્રમુખ આર.પી. પટેલે તેમના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું હતું કે વિશ્વ ઉમિયા ધામનું ફલક વ્યાપક છે, તમામ સમાજનો સર્વગ્રાહી વિકાસ અમારું લક્ષ્ય છે, અને આ માટે અમે પ્રતિબદ્ધ છીએ. વીતેલા વર્ષ દરમિયાન સંસ્થાની કામગીરી અને મંદિરનિર્માણમાં થયેલી પ્રગતિનો અહેવાલ આપતાં તેમણે કહ્યું હતું કે સમાજના સહુ કોઇનો ભરપૂર સાથ મળી રહ્યો છે તે સાચું, પરંતુ આગળ ઘણી લાંબી મજલ કાપવાની છે અને આ માટે દાતાઓ ખુલ્લા હાથે સહયોગ આપે તે સમયની માગ છે. સમગ્ર પ્રોજેક્ટના ભાગરૂપે એક પછી એક પ્રવૃત્તિઓ શરૂ થઇ રહી છે, અને સમાજને તેનો લાભ મળી રહ્યો છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારો દ્વારા પ્રેરિત સંસ્થા હોઇ શકે છે, પણ તેમાં દરેક સમાજ જોડાય શકે છે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે કોઇ પણ વ્યક્તિ અર્થદાતા, સમયદાતા, વિચારદાતા કે પોતાની આવડત-અનુભવનું યોગદાન આપીને કૌશલ્યદાતા બની શકે છે, સંસ્થામાં સહુ કોઇનું સ્વાગત છે. તમે એક ઉમદા વિચાર લઇને આવો સંસ્થા તેને સાકાર કરવા સંપૂર્ણ સહયોગ આપશે.
આર.પી. પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુવા શાખાના ઉત્સાહનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે યુવા પ્રમુખ જીતુભાઇ આવતા વર્ષે આપણા સમાજનો વર્લ્ડ ઓલિમ્પિયાડ યોજવાનો વિચાર લઇને આવ્યા હતા અને સંસ્થા તેમને પૂરતો સહયોગ આપી રહી છે. યુવા પેઢીની રમતગમતમાં રસરૂચિ વધે તે માટે યોજાનારા રમતોત્સવ પાછળ આશરે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થવા અંદાજ છે, અને આ માટે જરૂરી તમામ નાણાકીય વ્યવસ્થા યુવા શાખા જાતે ઉભી કરવાની છે. આ આપણા સમાજનું સબળ નેતૃત્વ છે.
રૂ. 1000 કરોડના એક જ દાતા લાવવાનો નિર્ધાર
આર. પી. પટેલે પ્રમુખસ્થાને ઉદ્બોદન કરતાં કહ્યું હતું કે દાતાઓએ આપેલા ઉદાર યોગદાનથી આજે સંસ્થામાં વ્યક્તિ વિકાસલક્ષી - સમાજ વિકાસલક્ષી અનેક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, અને હજુ તો અનેક આયોજનો હાથ પર છે. આ બધી પ્રવૃત્તિઓ નિરંતર ચાલતી રહે તે માટે સંસ્થા પાસે કાયમી ભંડોળ હોવું જરૂરી છે. આ માટે મેં એક જ પરિવારમાંથી રૂ. 1000 કરોડનો દાતા લાવવાનો દૃઢ નિર્ધાર કર્યો છે. મા ઉમિયાની કૃપા થકી આપણને આ વર્ષમાં જ આવા દિગ્ગજ દાતા મળી જશે તેવી આશા છે. આપણા સમાજમાં પણ બિલ ગેટ્સ જેવા ઉદાર દાતા છે જ, બસ તેમને શોધવાની જરૂર છે. અને આવા દાતા શોધવાનું મેં બીડું ઝડપ્યું છે.
આર.પી. પટેલનું નેતૃત્વ સહુ માટે પ્રેરણાદાયીઃ સી.બી. પટેલ
વિશેષ સન્માનિત ગુજરાત સમાચાર - એશિયન વોઇસના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે આ સ્થળે અધ્યાત્મ-અર્થતંત્ર-રાજકારણ અને શક્તિનો સમન્વય થયેલો જોવા મળે છે અને તેનો યશ જાય છે આર.પી. પટેલને. તેમનું નેતૃત્વ સહુ કોઇ માટે પ્રેરણાદાયી છે. તેઓ ખરેખર જાદુગર છે. તેમણે મિત્રો સાથે મળીને વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિરનું સપનું જોયું, અને સાકાર પણ કરી રહ્યા છે. ગયા વર્ષે લંડનમાં વસતો ભાઇ દીપક મને આગ્રહભેર અહીં લાવ્યો, અને આર.પી.ના નેતૃત્વમાં ચાલતી કામગીરી જોઇને અભિભૂત થઇ ગયો.
સી.બી.એ વધુમાં કહ્યું હતું કે હું ઇસ્ટ આફ્રિકામાં રહ્યો છું, 60 વર્ષથી લંડનમાં વસું છું, અને અનેક દેશોમાં ફર્યો છું, મેં વિદેશ વસવાટ દરમિયાન પાટીદારોનું ખમીર - તેમનું પરાક્રમ જોયા છે. આ સમાજે આકરી મહેનત કરીને વિશ્વતખતે નામના મેળવી છે. સમાજની - રાષ્ટ્રની પ્રગતિ માટે મજબૂત અર્થતંત્ર જેટલું આવશ્યક છે એટલું જ જરૂરી અધ્યાત્મ છે. અહીં અધ્યાત્મના જતન-સંવર્ધનની સાથે સાથે સર્વગ્રાહી સામાજિક ઉત્થાન માટે હાથ ધરાયેલું આયોજન નોંધનીય છે.
લંડનથી આવેલા વિશાલ પટેલે સ્નેહમિલનને પ્રાસંગિક સંબોધન કરતાં બ્રિટનમાં કાર્યરત વિશ્વ ઉમિયા ધામ ચેપ્ટરની કામગીરીનો અહેવાલ આપતાં કહ્યું હતું કે સંસ્થાના મોભી આર.પી. પટેલના સબળ નેતૃત્વમાં કાર્યરત કોર કમિટી બે કાર્યક્રમ યોજી ચૂકી છે, અને નવા આયોજન થઇ રહ્યા છે. લંડન ચેપ્ટર દીપકભાઇ પટેલ અને ચેતનભાઇના સહયોગમાં સહુ કોઇને સાથે રાખીને સંસ્થાના પ્રસાર માટે પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકાના દેશોના ચેપ્ટરના પ્રતિનિધિઓએ સંબોધન કરીને તેમની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે NRI કમિટીના ચેરમેન અરવિંદભાઇ પટેલે વિદેશવાસી પરિવારોને કિંમતી સમયની સાથે આર્થિક સહયોગ આપવા બદલ બિરદાવતા કહ્યું હતું કે આપ સહુ 504 ફૂટ ઊંચા મંદિર નિર્માણમાં સ્તંભ સમાન ભૂમિકા ભજવી રહ્યા છો. કાર્યક્રમના અંતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના ઉપપ્રમુખ અને સંગઠન સમિતિના ચેરમેન ડી. એન. ગોલે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. રૂપલબેન પટેલે કર્યું હતું.
(તમામ ફોટોઃ હાર્દિક પંચોલી)


comments powered by Disqus