લંડનઃ બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયો દરેક ક્ષેત્રમાં અદ્દભૂત સિદ્ધીઓ હાંસલ કરીને ભારતને ગૌરવ અપાવી રહ્યાં છે. તાજેતરમાં ભારતના ગુજરાત રાજ્યના ભાદરણ ગામમાં મૂળ ધરાવતા નીરવ યોગેશ પટેલની કતારના બ્રિટિશ રાજદૂત તરીકે નિયુક્તિ કરાઇ છે. નીરવ પટેલ ભાદરણ ગામના સ્વ. સાધુરામ પટેલ અને કપિલાબેન પટેલના પૌત્ર છે. સ્વ. સાધુરામ પટેલ અને કપિલાબેન 1950ના દાયકામાં ટાન્ઝિયાના મોઝુમા ખાતે વસવાટ કરતાં હતાં. તેમના સ્વજન કહે છે કે નીરવ પટેલની આ સિદ્ધી ભાદરણ ગામના દેવીદાસના ટેકરા વિસ્તાર માટે અત્યંત ગૌરવની બાબત છે.
જાન્યુઆરી 2024થી કતારના બ્રિટિશ રાજદૂત નિયુક્ત થયેલા નીરવ પટેલ મીડલ ઇસ્ટ અને સાઉથ એશિયામાં બહોળો અનુભવ ધરાવતા સીનિયર રાજદ્વારી છે. તેઓ તાજેતરમાં ચાલી રહેલા ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષમાં ઇઝરાયેલ ખાતે ચાર્જ દ અફેર્સ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
નીરવ પટેલ લંડનમાં ભૂતકાળના સાત વડાપ્રધાનો માટે વિદેશ, સુરક્ષા અને વિકાસની નીતિઓ પર યુકે સરકારમાં વિવિધ હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલને સપોર્ટ કરતા વડાપ્રધાનના પોલિસી યુનિટમાં પણ સામેલ હતા. તેઓ મીડલ ઇસ્ટ, આફ્રિકા, સાઉથ એશિયા, ચીન, રશિયા, યુક્રેન, આંતરરાષ્ટ્રીય આતંકવાદ, વૈશ્વિક અર્થતંત્ર અને એનર્જી ઇશ્યૂઓ પર વ્યૂહાત્મક નીતિ તૈયાર કરવામાં માહેર છે.
નીરવ પટેલે તેમની કારકિર્દીની શરૂઆત બ્રિટિશ સરકારના ઇકોનોમિસ્ટ તરીકે કરી હતી. તો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચૂક્યાં છે. તેઓ અરબી ભાષા બોલે છે અને તેમની પત્ની અને બે સંતાન સાથે દોહામાં વસવાટ કરી રહ્યાં છે.
નીરવ પટેલની હાજરીમાં કતારી બિઝનેસ એસોસિએશન અને ઓલિવર ડાઉડેન વચ્ચે મંત્રણા
કતારી બિઝનેસમેન એસોસિએશન દ્વારા યુકેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેન અને તેમની સાથે કતારની મુલાકાતે પહોંચેલા પ્રતિનિધિમંડળ માટે બિઝનેસ લન્ચનું આયોજન કરાયું હતું. આ મુલાકાતમાં કતાર ખાતેના બ્રિટિશ રાજદૂત નીરવ પટેલ પણ હાજર રહ્યા હતા અને કતાર અને બ્રિટન વચ્ચે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ સંબંધો પર વ્યાપક ચર્ચા કરાઇ હતી. તે ઉપરાંત આ મુલાકાતમાં યુકે અને જીસીસી દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પરની પ્રગતિ પણ ચર્ચા કરાઇ હતી. બંને પક્ષોએ મુક્ત વેપાર કરારના મહત્વ પર ભાર મૂક્યો હતો. બેઠકમાં ઓલિવર ડાઉડેને બ્રિટનમાં કતાર દ્વારા થઇ રહેલા મૂડીરોકાણ પર પણ ચર્ચા કરાઇ હતી.

