ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધઃ મોદી અને મેક્રોંની ચાય પે ચર્ચાની ફળશ્રુતિ

Wednesday 31st January 2024 05:39 EST
 
 

નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની સાથોસાથ આ ક્ષેત્રે સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે. બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ બનેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક દરમિયાન આ મુદ્દે મહત્ત્વના કરાર થયા છે. જેમાં રાફેલ યુદ્ધવિમાનના એન્જિનનું સમારકામ અને જાળવણી હવે ભારતમાં જ કરવા તેમજ સ્કોર્પિયન સબમરિન ભારતમાં જ બનાવવાનો નિર્ણય થયો છે. તો સેફ્રાન કંપનીએ હેલિકોપ્ટર એન્જિનના ઉત્પાદન માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે સંયુક્ત સાહસ સ્થાપવા કરાર કર્યો છે. એક અન્ય કરાર અંતર્ગત ભારતનું દિગ્ગજ ટાટા જૂથ અને ફ્રાન્સની વિમાન નિર્માતા કંપની એરબસ સાથે મળીને એચ-125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર બનાવશે. આ હેલિકોપ્ટર્સ ગુજરાતના વડોદરામાં બનશે.

વિવિધ ક્ષેત્રે સહયોગ માટે કરાર
મોદી અને મેક્રોં સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રમાં દ્વિપક્ષી ભાગીદારી વધારવા સંમત થયા છે અને આ માટે રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. બંને નેતાઓએ ભારતમાં સ્કોર્પિયન ક્લાસ સબમરીન અને એના વિવિધ સાધનોના ઉત્પાદન માટેના કરારને આવકાર્યો હતો. ઉપરાંત ભારતમાં રાફેલ ફાઈટર જેટ એન્જિનના જાળવણી, સમારકામ અને સંચાલન માટે સુવિધા ઊભી કરવા માટે સેફ્રાન કંપની દ્વારા કરાયેલા કરારને પણ આવકાર્યો હતો. આ સિવાય સેફ્રાન કંપની આઇએમઆરએચ હેલિકોપ્ટર એન્જિન બનાવવા માટે ભારતના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે સંયુક્ત સાહસ રચશે. આમ આ એન્જિનનું ઉત્પાદન ભારતમાં જ થઈ શકશે. ડિફેન્સ રિસર્ચમાં સહયોગ અંગે ફ્રાન્સના ડાયરેક્ટર જનરલ ઓફ આર્મામેન્ટ તથા ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) વચ્ચે પણ મંત્રણા ચાલી રહી છે. બંને સંસ્થા ટૂંક સમયમાં આ અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા કરારોને આત્મનિર્ભર ભારત મિશન માટે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. ભારતીય દળોને સ્વતંત્ર બનાવવા માટે પણ આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત ભારત – ફ્રાંસ 2047 સુધીમાં વિક્સિત ભારતના લક્ષ્યાંકના સંદર્ભમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ડિજિટલ વિકાસમાં ભાગીદારી અંગે પણ ચર્ચા કરી હતી.
ટાટા અને એરબસ પહેલેથી જ સંયુક્ત રીતે અહીં 40 સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરી રહ્યાં છે. આ સિંગલ એન્જિન એચ130 હેલિકોપ્ટરનો ઉપયોગ મેડિકલ એરલિફ્ટ, સર્વેલન્સ મિશન, વીઆઇપી ડ્યૂટી અને જોવાલાયક સ્થળોની સેવાઓ માટે કરવામાં આવશે.
2005માં ભારતે 3.75 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 28.6 હજાર કરોડમાં સ્કોર્પિયન ક્લાસ સબમરીન બનાવવા માટે ફ્રાંસના નેવલ ગ્રુપ સાથે કરાર કર્યો હતો. આ સબમરીન દેશમાં જાહેર ક્ષેત્રની કંપની મઝગાંવ ડોક યાર્ડ્સ લિમિટેડ દ્વારા ફ્રાન્સ સાથે મળીને બનાવવામાં આવી છે.
વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા-ચિંતન
આ સિવાય બંને નેતાઓએ વૈશ્વિક હિત સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ મેક્રોંને સપ્ટેમ્બર 2023માં દિલ્હીમાં જી20 સમિટની બાજુમાં ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કોરિડોરના પ્રારંભ પર પીએમ મોદીને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ આ પ્રોજેક્ટ માટે ફ્રેન્ચ રાજદ્વારીની નિમણૂકનું સ્વાગત કર્યું. દ્વિપક્ષીય બેઠક દરમિયાન મોદી-મેક્રોંએ ઈઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરીને યુદ્ધના કારણે ગાઝામાં રહેતા નાગરિકોને થઇ રહેલા નુકસાન અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus