ભારતમાં ચૂંટણીના પડઘમ સાથે જ પલટુરામોનો ધમધમાટ

Wednesday 31st January 2024 05:17 EST
 

ભારતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થતાની સાથે જ સત્તાલાલસા પણ ચરમસીમા પર પહોંચી છે. આ સત્તાલાલસાએ રાજકીય નેતાઓને અધમતાની ખાઇમાં ધકેલી દીધાં છે. તેમના માટે નૈતિકતા, વિચારધારા, સામાજિક મૂલ્યોનું કોઇ મહત્વ રહ્યું નથી. ભારતના રાજકારણમાં આયારામ – ગયારામનું અસ્તિત્વ આઝાદીના સમયથી જ હતું પરંતુ હવે તેની ચરમસીમા જોવા મળી રહી છે. તાજેતરમાં ભારતના બિહાર રાજ્યમાં નીતિશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવી રાજ્યમાં 9મી વાર મુખ્યમંત્રીપદના શપથ લીધાં. એકસમયે રામ મનોહર લોહિયાના નેતૃત્વમાં રાજકારણમાં ઝંપલાવનારા નીતિશ માટે હવે લોહિયા દ્વારા સ્થાપિત નૈતિકતાના મૂલ્યોની કોઇ કિંમત રહી નથી. અત્યાર સુધીની તેમની રાજકીય કારકિર્દીએ પૂરવાર કરી દીધું છે કે નીતિશ માટે મુખ્યમંત્રીપદની ખુરશી સિવાય બીજો કોઇ કાયમી સાથી નથી. ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ અને રાજદ સાથે ગઠબંધન કરીને નીતિશ સતત મુખ્યમંત્રીપદની ખુરશી પર ચીટકી રહ્યાં છે. નીતિશના એનડીએમાં આગમનના થોડા દિવસ પહેલાં કેન્દ્રની સરકારે સ્વ. કર્પુરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી. કર્પુરી ઠાકુરે ક્યારેય પોતાની વિચારધારા સાથે સમાધાન કર્યું નહોતું. ભારતમાં કર્પુરી ઠાકુરના નેતૃત્વમાં પછાતવર્ગોને અનામત આપવાની પહેલ કરનારું સૌપ્રથમ રાજ્ય બિહાર બન્યું હતું. તે સમયે કર્પુરીની સરકારને ટેકો આપનાર જનસંઘ વિરોધમાં હોવા છતાં ઠાકુરે તેમની સામે નમતું જોખ્યું નહોતું અને સરકારનો ભોગ આપી દીધો હતો. કર્પુરી ઠાકુરને પોતાના ગુરુસમાન ગણાવનાર નીતિશમાં તેમનો એકપણ ગુણ દેખાતો નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે દેખાતાં પલટુરામ નીતિશ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને લાત મારીને ભાજપના ખોળામાં બેસી ગયા છે. રાજદ અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન રચીને બિહારમાં સરકાર બનાવતી વખતે નીતિશ એમ કહેતા હતા કે હું મરી જઇશ પરંતુ ભાજપ સાથે ક્યારેય તાલમેલ નહીં કરું. બીજીતરફ ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ એમ કહેતા કે નીતિશ માટે ભાજપના દરવાજા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. આજે સ્થિતિ એ આવી છે કે નીતિશ અને ભાજપ સત્તા માટે એક જ કુલડીમાં ગોળ ભાંગી રહ્યાં છે. નીતિશની આ ગુલાંટના કારણે ભાજપને પડકાર આપવા માટે રચાયેલ ઇન્ડિયા ગઠબંધનની ગાડીના ટાયર પંચર થઇ ગયાં છે. આ એજ નીતિશ છે જે થોડા દિવસો પહેલાં ઇન્ડિયા ગઠબંધનના સંયોજક નિયુક્ત થયા હતા. ભારતીય રાજનીતિમાં ગુલાંટ મારવાની આ પહેલી ઘટના નથી. પહેલાં લોકો રાજકારણમાં સેવાની નિસ્વાર્થ ભાવના સાથે આવતાં અને જનહિત માટે કામ કરતા હતા પરંતુ હવે રાજકારણ એક વિના મૂડીરોકાણનો ધંધો બની ગયો છે. જે પોતાના જીવનમાં કશું કરી શક્તાં નથી તેઓ રાજકારણને કારકિર્દી બનાવી લે છે. સત્તા હવે રાજકારણનો પર્યાય બની ગઇ છે. પાર્ટી, પાર્ટીની વિચારધારા, નૈતિકતા, મૂલ્યો એ બધું હવે કાગળ પરની વાતો થઇ ચૂકી છે. આજે એકબીજાને ગાળો ભાંડનારા આવતીકાલે સત્તા માટે એકબીજાને આલિંગન આપશે તેની કલ્પના કોઇ કરી શક્તું નથી. વર્તમાન સમયમાં સરકારો જનતાની ઇચ્છાથી નહીં પરંતુ બંધ બારણે થતી સોદાબાજીથી રચાય છે. પોતાને પ્રખર કોંગ્રેસી ગણાવતો નેતા ક્યારે ભાજપનો કેસરિયો ધારણ કરશે તે કહી શકાય નહીં. ગુજરાતમાં લાંબા સમયથી આ જોવા મળી રહ્યું છે. સત્તાના મેવા ખાવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ ભાજપમાં સામેલ થયાં છે તે સર્વવિદિત છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસી નેતાઓ ભાજપ તરફ દોટ મૂકી રહ્યાં છે. જનતાને પણ નેતાઓ પર વિશ્વાસ રહ્યો નથી. પલટુરામોના કારણે આખેઆખી સરકારો ઉથલી જાય છે તે આપણે નજીકના ભૂતકાળમાં જોઇ ચૂક્યાં છીએ. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના કારણે કોંગ્રેસની સરકાર ધરાશાયી થઇ હતી તો મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ અને એનસીપીના અજિત પવારની ગુલાંટના કારણે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીપદ ગુમાવવાનો વારો આવ્યો હતો. ભારતમાં હવે જનતાની ઇચ્છા પ્રમાણેની સરકારના યુગનો અંત આવી ગયો છે. પલટુરામો અને આયારામ-ગયારામની ગળથૂથી ધરાવતા નેતાઓની ફોજ લોકશાહીના ગળે ટૂંપો દઇ રહી છે. મસલ અને મની પાવર, નેતાઓની સાંઠગાંઠ જ હવે સરકારોની રચના કરી રહી છે.


comments powered by Disqus