ભાવિ પેઢીના આરોગ્ય માટે સુનાક સરકારનું આવકારદાયક પગલું

Wednesday 31st January 2024 05:20 EST
 

ધુમ્રપાન કોઇપણ દેશના જાહેર આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. ધુમ્રપાનના કારણે કેન્સર જેવી વ્યાધિઓનો ભોગ બનનારા લોકો દેશની આરોગ્ય વ્યવસ્થા પર પણ બોજો વધારે છે. તેથી કોઇપણ સરકાર ધુમ્રપાન અટકાવવા સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. બ્રિટનમાં પણ સરકાર દેશને 2030 સુધીમાં ધુમ્રપાન મુક્ત દેશ બનાવવાની નેમ રાખી રહી છે. બ્રિટનમાં ધુમ્રપાનના કારણે થતા મોતની સંખ્યામાં ઘટાડો તો નોંધાયો છે તેમ છતાં કેન્સરના કારણે થતાં મોતમાં 25 ટકા હિસ્સો ધુમ્રપાનના કારણે થયેલા કેન્સરનો છે. સરકાર દાયકાઓથી લોકોને ધુમ્રપાનથી દૂર કરવા જાગૃતિ અભિયાનો ચલાવી રહી છે. નિકોટિન પેચ અને ગમની મદદથી લોકોને ધુમ્રપાનનો ત્યાગ કરવા પ્રોત્સાહિત કરાતાં પરંતુ તેમાં ઝાઝી સફળતા પ્રાપ્ત થતી નહોતી. વેપ્સના આવિષ્કાર બાદ ધુમ્રપાનની બદીમાંથી મુક્ત થવા લોકો તેનો ઉપયોગ કરતાં થયાં. એક મેડિકલ સ્ટડી અનુસાર ધુમ્રપાનમાંથી મુક્ત થવામાં વેપ્સ વધુ અસરકારક પૂરવાર થયાં હતાં. વેપ્સના કારણે ધુમ્રપાન કરનારાની સંખ્યામાં ઘટાડો કરવામાં સફળતા પણ મળી પરંતુ હવે આ વેપ્સ પણ હવે નુકસાનકારક પૂરવાર થઇ રહ્યાં છે. વેપ્સમાં પણ સિગારેટ જેવા જ શરીરને નુકસાન કરતાં કેમિકલ્સ અને નિકોટિનની માત્રા હોય જ છે. વેપિંગના કારણે પણ ફેફસાના કેન્સર, ક્રોનિક બ્રોન્કાઇટિસ અને અન્ય ગંભીર બીમારી આવી જ શકે છે. વેપિંગના કારણે દાંતને પણ નુકસાન થાય છે. હલકી ગુણવત્તા ધરાવતા અને ગેરકાયદેસર રીતે વેચાતા વેપ્સમાં લેડ, નિકલ અને ક્રોમિયમ જેવા તત્વો ભયજનક માત્રામાં હોય છે. જેના કારણે શરીરની સેન્ટ્રલ નર્વ સિસ્ટમ અને મગજ પર અસર થતી હોય છે. વેપ્સમાં ફ્લેવર માટે વપરાતું કેમિકલ ફેફસાની ગંભીર બીમારીને આમંત્રણ આપી શકે છે. યુવાઓમાં વધી રહેલા વેપિંગને ધ્યાનમાં લઇને સુનાક સરકારે ડિસ્પોઝેબલ વેપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. 18 વર્ષથી નાના બાળકોને વેપ્સના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં બોળકોમાં વેપિંગની સમસ્યા વકરી રહી છે. નિયમિત રીતે વેપિંગ કરનારા બાળકોની સંખ્યા બમણી થઇ છે. આવી સ્થિતિમાં દેશની ભાવિ પેઢીને તંદુરસ્ત રાખવા માટે આકરાં પગલાંની તાતી જરૂર હતી. જેની હવે સુનાક સરકાર દ્વારા આવકારદાયક ઘોષણા કરાઇ છે.


comments powered by Disqus