2014 લોકસભા ચૂંટણી અનેક રીતે નોંધપાત્ર હતી. 30 વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય જનતા પક્ષે લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવી કેન્દ્ર સરકારમાં સ્થાપિત ગઠબંધન સરકારના યુગનો અંત આણ્યો હતો. ભાજપની આ ઝળહળતી ફતેહનો યશ મહદ્અંશે લોકલાડીલા નેતા અને કુશળ સંગઠક શ્રી નરેન્દ્ર મોદીને જાય છે.
2014 થી 2019ના પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈએ અનેક મહત્ત્વના નિર્ણયો લીધા તેમાં રૂ. 1,000ની અને રૂ. 500ની નોટો બંધ કરી રૂ. 2,000 અને રૂ. 500ની નવી નોટો દાખલ કરી. આ પગલાંને અનેકે આવકાર્યું તો અનેકે આલોચના પણ કરી. આજે પણ તેની પાછળ જે રહસ્ય રહ્યું છે તે અંગે અનેક અફવાઓ ચાલતી રહે છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ‘એક રાષ્ટ્ર એક કર’ની યોજના હેઠળ ‘ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષ’ (જીએસટી) દાખલ કરી કરવેરા ક્ષેત્રે દૂરોગામી સુધારા અમલી કરી બતાવ્યું. જનધન યોજના હેઠળ અનેક ગરીબો અને વંચિતોના બેંકોમાં ખાતા ખૂલતા સરકારી સહાય કોઈ વચેટિયા વગર સીધી બેંક ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા શક્ય બની. કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અનેક યોજનાનો નાણાંકીય લાભ લોકોને કશી લાંચ-રૂશ્વત વિના પહોંચ્યો તે નક્કર હકીકત છે.
શ્રી મોદીએ પ્રથમ ટર્મમાં પાકિસ્તાન સહિતના પાડોશી રાજ્યો જોડે સંબંધો વિકસાવવા પ્રયત્ન કર્યો પણ ગમે તે કારણે ભારતના પાડોશી રાષ્ટ્રો વારંવાર ચીનના પ્રભાવ હેઠળ આવી ભારતવિરોધી કામ કરે છે. ત્રાસવાદીઓના ઉદ્ગમ સ્થાન સમા પાક.ને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા વડાપ્રધાને બરાબર પાઠ ભણાવ્યો છે. વર્ષ 2014 થી 2019 દરમિયાન ગાંધી સાર્ધ શતાબ્દિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. દરેક ગામને ખુલ્લા શૌચાલયની ગંદકીથી મુક્ત કરાવ્યું. પીવાના પાણીની વ્યવસ્થા સુદઢ કરી ઘનકચરા અને ગટરના પાણીને પુનઃ શુદ્ધિકરણ માટે કાર્યવાહી કરી. ગંગા સફાઈ ઝુંબેશ દ્વારા ગંગાના પ્રદૂષણને ઘટાડવાની મહત્ત્વની કામગીરી કરી. 2014 થી 2019ના પાંચ વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મંજૂરી, રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની ઝડપી કાર્યવાહી તેમજ જળસંચયના અનેક કાર્યોમાં ખૂબ મોટી સફળતા મેળવી છે. દેશમાં કાયદો વ્યવસ્થા જાળવવા ચુસ્ત બંદોબસ્ત કરાયો. ત્રાસવાદીહુમલાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. આ સમયમાં વડાપ્રધાને નવા સંસદ ભવનના નિર્માણ અને સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણની વિશાળ યોજનાને મંજૂરી આપી. દિલ્હી જેવી રાજધાનીને આધુનિક બનાવવા ઝીણવટભરી કાળજી કરી હતી. આર્થિક વિકાસને પ્રાધાન્ય આપી અનેકવિધ યોજના દ્વારા ઘરેલું ઉત્પાદનમાં અને માથાદીઠ આવકમાં ભૂતકાળમાં કદી ન થયો હોય તેવો લાભ ગુજરાતની જનતાને અપાવ્યો. વર્ષ 2019માં ફરી લોકસભાની ચૂંટણીમાં 2014ની ચૂંટણી કરતાં વધારે બેઠકો હાંસલ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક મહત્ત્વના નિર્ણયો ખૂબ ઝડપથી અને અસરકારક રીતે કર્યા.
બંધારણની કલમ 370 હેઠળ ખાસ સવલતો ભોગવતા કાશ્મીરનું આગવું સ્થાન રદ કરી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો રચ્યા. ભારતમાં આવેલા ઘૂસણખોરોને ઓળખી તેમને નાગરિકતા ન મળે તે માટે સિટીઝનશીપ એકટમાં સુધારા-વધારા કરાયા. તાજેતરમાં ઈન્ડીયન પીનલ કોડ, ભારતીય પૂરાવા ધારો અને ક્રિમીનલ પ્રોસીઝર કોડને તદ્દન નવા સ્વરૂપે અમલી કરવાનું કાર્ય થયું. નામદાર સુપ્રીમ કોર્ટે રામમંદિર નિર્માણની મંજૂરી આપતા રામજન્મભૂમિ સ્થળે ભવ્ય અને દિવ્ય રામમંદિરનું નિર્માણ હાથ ધરાયું. અયોધ્યાના સર્વાંગી વિકાસ અંગે પણ આયોજનબદ્ધ રીતે રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ સહિતનું નિર્માણ થયું. અગાઉ નક્કી થયા મુજબ નવા સંસદ ભવનનું નિર્માણ પૂર્ણ કરી તેને કાર્યરત કરાયું. સેન્ટ્રલ વિસ્ટાની કામગીરી પણ ઝડપભેર આગળ વધે છે. 2023-24ના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 10 લાખ કરોડની અભૂતપૂર્વ જોગવાઈ કરી માર્ગો, જળસિંચન, નવા સરકારી મકાનો સહિતના બાંધકામો હાથ ધરાયા. ઈતિહાસમાં પ્રથમ વખતે ભારતીય રેલવેને રૂ. 2.4 લાખ કરોડની માતબર રકમ વિકાસલક્ષી સુવિધાના નિર્માણ માટે અપાઇ. દેશની સલામતી - પ્રગતિનું માળખું મજબૂત કરાયું. આયુષ્યમાન યોજના તળે
રૂ. 10 લાખ સુધી તબીબી સારવાર ગરીબોને નિઃશુલ્ક મળે તે માટે કાર્ય કરાયું.
શ્રી નરેન્દ્રભાઈની બીજી ટર્મના પ્રારંભે જ કોરોના મહામારીએ ભયંકર સ્થિતિ સર્જી. મહામારી ખાળવા નરેન્દ્રભાઈએ પૂરી તાકાતથી આરોગ્ય સવાઓને કાર્યરત રાખી શક્ય તેટલા ઓછા નુકશાન અને જાનહાનિ સાથે કપરો સમય પૂરો કર્યો. ભારતના વડાપ્રધાન તરીકે કોરોના સામેની પ્રતિકારક રસીની શોધને પ્રોત્સાહન આપી દેશના તમામ નાગરિકોને કુલ 200 કરોડથી વધારે રસીકરણના ઈન્જેક્શનો આપી વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. ભારતમાં કોરોના નાથવામાં આ રસીના કાર્યક્રમનો સિંહફાળો રહ્યો છે. ભારત જ નહીં પણ અનેક શિક્ષિત અને વિકસતા દેશોએ રસીની માગ કરી ત્યારે ઉદારતા સાથે તેમનેય સહાય કરી.
ભારતની આંતરરાષ્ટ્રીય સ્થિતિને અગાઉ કદી ન હતી તેટલી મજબૂત કરી. મહામારી ઉપરાંત પૂર, વાવાઝોડા, ભૂસ્ખલન જેવી આપત્તિના સામનામાં નવતર અભિગમ સાથે તાલીમબદ્ધ ટુકડીઓ દ્વારા અદ્યતન સાધનોનો ઉપયોગ કરી લોકો ઉપરનું જોખમ નિવારવાનું કામ સફળતાપૂર્વક પાર પાડ્યું.
2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થતાં અમૃત મહોત્સવની ઉજવણી સાથે સ્વતંત્રતાની 2047માં આવનાર શતાબ્દિના 25 વર્ષના સમયગાળાને અમૃતકાળ જાહેર કર્યો છે. આ અમૃતકાળમાં ઝડપી આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય સાથે ભારત એક મહાસત્તા બને તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. 2026 આસપાસ ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલીયન ડોલર થશે અને ભારત મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભરશે તે નિશ્ચિત છે. અંતરિક્ષ ક્ષેત્રે ચંદ્ર મંગળ અને સૂર્યના અભ્યાસ માટે અનેક યાન અને ઉપગ્રહો છોડીને ભારતે અવકાશક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી વિશ્વભરમાં આશ્ચર્ય ફેલાવ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે અને સ્ટાર્ટઅપ-યુનિકોર્ન સહિત અનેક મોરચે ભારત અગ્રણી બની રહ્યું છે. વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈએ એક દસકામાં હાંસલ કરેલી સિદ્ધિઓ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લેખાશે.
આ ઉપરાંત સમાજમાં અને સરકારમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને ગરીબીના પ્રશ્ને લગભગ યથાતથા છે. મોઘુંદાટ શિક્ષણ અને નવી શિક્ષણનીતિના અમલમાં રુકાવટોએ લોકોમાં ચિંતા સર્જી છે. સમાજમાં સંવેદના ઓછી થઈ રહી છે, જ્ઞાતિવાદ વકરી રહ્યો છે, પરિવારો છિન્નભિન્ન થઈ રહ્યાં છે અને વ્યક્તિઓ સ્વકેન્દ્રી થઈ રહી છે ત્યારે ‘સર્વજન સુખાય, સર્વજન હિતાય’ અનેકવિધ કાર્ય કરવાના બાકી છે. દેશમાં આર્થિક અસમાનતા ઘટાડી સંતુલિત વિકાસની બાબતે પણ સરકારે દઢતાથી અણગમતા પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. દેશ પર વધતું દેવું અને આયાત-નિકાસમાં થતી મોટી વધઘટ પણ ચિંતાના કારણો છે.
શ્રી નરેન્દ્ર મોદી સરકારે અભૂતપૂર્વ કામગીરી કરી છે તે નિર્વિવાદ છે. હા, હજી પ્રશ્નો બાકી છે પમ સરકાર અને નાગરિકોના સહયોગથી આ મુશ્કેલીઓ પણ સત્વરે ઉકેલાશે તેવી શ્રદ્ધા માટે પૂરતા કારણો છે.

