શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક ફિલ્મી સિતારાએ દર્શનનો લાભ લીધો હતો. જેમાં અનુપમ ખેર, અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સિવાય અન્ય સિતારાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અનુપમ ખેરે ભીડમાં છૂપાઈ રામલલાના દર્શન કર્યા
અનુપમ ખેરે પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં અતિથિ તરીકે હાજરી આપી હતી, છતાં તેમને એકલપંડે મંદિરમાં જઇ દર્શન કરવા ઇચ્છા હતી. આથી મફલર વડે મોઢું છુપાવીને દર્શને પહોંચ્યા હતા. વીડિયો શેર કરતા અનુપમે લખ્યું હતુંઃ કૃપા કરીને છેલ્લે સુધી જુઓ... હું આમંત્રિત તરીકે રામમંદિર ગયો હતો! પણ આજે ચુપચાપ મંદિરે જવાનું મન થયું. ભક્તિસાગર જોઇ હૃદય આનંદથી ભરાઈ ગયું. લોકોનો ઉત્સાહ-ભક્તિ જોવાલાયક હતા. હું બહાર જવા લાગ્યો કે ત્યાં જ એક ભક્ત મારા કાનમાં ગણગણ્યો કે - ભાઈ, મોઢું છુપાવ્યે કંઈ ફેર નહીં પડે રામલલાએ તમને ઓળખી લીધા છે.’ અને સડસડાટ બહાર નીકળી ગયા.
બોલ સિયાપતિ રામચંદ્ર કી જય: અમિતાભ
અયોધ્યાથી પરત ફર્યા બાદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં અલૌકિક ક્ષણના સાક્ષી બનવાના અનુભવ વિશે જણાવ્યું છે. બિગ બીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા ફોટોમાં તેઓ ગર્ભગૃહમાં ઊભા રહીને રામલલાના દર્શન કરતાં જોવા મળી રહ્યા છે.
કેપ્શનમાં તેમણે લખ્યું છે કે ‘બોલ સિયા પતિ રામચંદ્ર કી જય...’ આગળ તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે દિવ્ય ભાવનાની પ્રાસંગિકતાથી ભરપૂર દિવસ. અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાથી પાછો ફર્યો... આજે મહિમા, ઉત્સવ અને વિશ્વાસની આસ્થા. આનાથી વધારે કંઈ જ કહી શકાય એમ નથી, કારણ કે આસ્થાનું કોઈ વર્ણન નથી હોતું.’
જેકીદાદા અયોધ્યાથી ખુલ્લા પગે રામમૂર્તિ લઈને આવ્યા
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપનાર સેલિબ્રિટીમાં જેફી શ્રોફ પણ હતા. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના સાક્ષી બન્યા બાદ જેકીદાદા યાદગીરી સ્વરૂપે અયોધ્યાથી એક મૂર્તિ લઈને આવ્યા છે. પ્રભુ શ્રીરામની મૂર્તિની મર્યાદા જળવાય રહે તે માટે જેકી શ્રોફ ખુલ્લા પગે અયોધ્યાથી પોતાના ઘર સુધી પહોંચ્યા હતાં. એરપોર્ટ પર વિવેક ઓબેરોયે પત્રકારોને કહ્યું કે ‘જેકી ભગવાનની મૂર્તિ લઈને ઉઘાડા પગે પરત આવ્યા છે.’ આ પછી બંનેએ કેમેરા સામે પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયામાં જેકી શ્રોફનો વીડિયો વાઈરલ થયો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ જેકી શ્રોફને રામભક્ત કહીને બહુમાન આપી રહ્યાં છે.

