‘બારહવી ફેઇલ’ બેસ્ટ ફિલ્મઃ રણબીર બેસ્ટ એક્ટર અને આલિયા બેસ્ટ એક્ટ્રેસ

Tuesday 30th January 2024 06:31 EST
 
 

અત્યાર સુધી વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને વિશ્વફલક પર ચમકતું રહેલું ગુજરાત આ વખતે ફિલ્મીસિતારાઓની ચમકદમકના લીધે સમાચારમાં છે. ગાંધીનગરના સીમાડે આવેલા ગિફ્ટસિટીમાં શનિ-રવિવારે 69મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાયો હતો. હિન્દી ફિલ્મઉદ્યોગના સૌથી લોકપ્રિય એવોર્ડ સમારોહમાં ‘બારહવી ફેઇલ’ બેસ્ટ ફિલ્મ જાહેર થઇ હતી તો ફિલ્મ ‘એનિમલ’ માટે રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો જ્યારે આલિયા ભટ્ટને ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો હતો. 15હજારથી વધુ લોકોના લાઈવ ઓડિયન્સે ફિલ્મફેર એવોર્ડ્સ નાઈટ માણી હતી. આ એવોર્ડ નાઈટના હોસ્ટ ડિરેક્ટર-એક્ટર કરણ જોહર અને આયુષ્માન ખુરાનાએ ગુજરાતી ગીત ‘છોગાળા તારા, છબીલા તારા...’ ગીત સાથે છકડા પર એન્ટ્રી લીધી હતી. એવોર્ડ નાઈટનું ફર્સ્ટ પરફોર્મન્સ કાર્તિક આર્યને આપ્યું હતું. ત્યાર બાદ કરીના કપૂર ખાન, જ્હાન્વી કપૂર, વરુણ ધવન, કરિશ્મા કપૂર, ફાલ્ગુની પાઠક જેવા અનેક બોલિવૂડ સ્ટાર્સે ઝમકદાર પરફોર્મન્સ સાથે યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારોહમાં ફિલ્મઉદ્યોગની અનેક હસ્તીઓએ હાજરી આપીને ગુજરાતની યજમાનગતિ માણી હતી. આ એવોર્ડ નાઈટમાં જાણીતા ફિલ્મ ડાયરેક્ટર ડેવિડ ધવનને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
ગાંધીનગરના આંગણે પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ યોજાતા અલગ જ રોમાંચ જોવા મળતો હતો. સમારોહમાં હિન્દી ચલચિત્ર જગતની જાણીતી અભિનેત્રી દિપ્તી નવલથી લઈને સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, રણબીર કપૂર, વરુણ ધવન, કરણ જોહર, આયુષમાન ખુરાના સહિતના અનેક સિનેસ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. તો આ એવોર્ડ નાઈટમાં ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકથી લઇને મેહુલ ઠાકર, હિતુ કનોડિયા, મોના થીબા, પાર્થિવ ગોહિલ સહિતના નવાજૂના ગુજરાતી કલાકારોએ પણ હાજરી આપી હતી.

ફિલ્મફેર એવોર્ડ 2024 વિનર્સ

બેસ્ટ ફિલ્મઃ ‘બારહવી ફેઈલ’
બેસ્ટ ડાયરેક્ટર: વિધુ વિનોદ ચોપરા (‘બારહવી ફેઈલ’)
બેસ્ટ એક્ટર: રણબીર કપૂર (‘એનિમલ’)
બેસ્ટ એકટ્રેસ: આલિયા ભટ્ટ (‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’)
બેસ્ટ ફિલ્મ (ક્રિટિક): ‘જોરામ’ (દેવાશીષ મખીજા)
બેસ્ટ એક્ટર (ક્રિટિક): વિક્રાંત મેસી (‘બારહવી ફેઈલ’)
બેસ્ટ એકટ્રેસ (ક્રિટિક્સ): શેફાલી શાહ (‘થ્રી ઓફ અસ’) અને રાની મુખર્જી (‘મિસિસ ચેટર્જી વિ. નોર્વે’)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: વિકી કૌશલ (‘ડંકી’)
બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ: શબાના આઝમી (‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’)
બેસ્ટ સોન્ગ: અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે... ‘ઝરા હટકે જરા બચકે’)
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (મેલ): ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી... - ‘એનિમલ’)
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (ફિમેલ): શિલ્પા રાવ (બેશરમ રંગ... - ‘પઠાણ’)
બેસ્ટ સ્ટોરી: અમિત રાય (‘OMG 2) અને દેવાશિષ માખીજા (‘જોરામ’)
શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે: વિધુ વિનોદ ચોપરા (‘બારહવી ફેલ’)
બેસ્ટ ડાયલોગઃ ઈશિતા મોઈત્રા (‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’)
બેસ્ટ કોરિયોગ્રાફરઃ ગણેશ આચાર્ય (વોટ ઝુમકા... – ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’)
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરઃ તરુણ દુડેજા (‘ધક ધક’)
બેસ્ટ ડેબ્યુ મેલઃ આદિત્ય રાવલ (‘ફરાઝ’)
લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડઃ ડેવિડ ધવન


comments powered by Disqus