છેલ્લા કેટલાક સમયથી ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગાલુરૂ શહેરમાં સર્જાયેલી પીવાના પાણીની અછત આંતરરાષ્ટ્રીય સમાચારોમાં સ્થાન પ્રાપ્ત કરી રહી છે. બેંગાલુરૂ વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ દ્વારા છેલ્લા 3 દિવસમાં પાણીના વેડફાટ માટે 22 વ્યક્તિઓને રૂપિયા 1.1 લાખનો દંડ કરાયો છે. એવું નથી કે ફક્ત બેંગાલુરૂ શહેર જ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. સમગ્ર કર્ણાટક રાજ્ય, તેની આસપાસ આવેલા તેલંગણા અને મહારાષ્ટ્રના વિસ્તારો પણ પાણીની અછત વેઠી રહ્યાં છે. ગુજરાતના જળાશયોમાં પણ ઊનાળો શરૂ થાય તે પહેલાં સપાટી નિમ્નસ્તરે પહોંચી ગઇ છે. કેરળ, બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશના વિસ્તારો પણ પાણીની અછતનો સામનો કરી રહ્યાં છે. ગયા વર્ષે કર્ણાટકમાં સામાન્ય કરતાં 18 ટકા ઓછો વરસાદ થયો હતો. તેવી જ રીતે કેરળ સહિતના ઉપરોક્ત રાજ્યમાં વરસાદનું પ્રમાણ 25 ટકા ઓછું રહ્યું હતું. જે રીતે દેશમાં જંગલોનું ધનોતપનોત કાઢવામાં આવ્યું છે અને ક્લાઇમેટ ચેન્જના પાપે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યાંની સાથે પેટર્ન પણ બદલાઇ રહી છે. અગાઉ સાત-સાત દિવસની હેલી થતી અને તેમાં ધીમી ધારે વરસતા વરસાદના કારણે જળાશયો અને ભૂગર્ભ જળની સપાટી પણ જળવાઇ રહેતી હતી પરંતુ હવે એકસામટો વરસાદ વરસી જાય છે તેના કારણે તેનો સંગ્રહ થઇ રહ્યો નથી. તે ઉપરાંત શહેરીકરણના કારણે પથરાઇ રહેલાં કોંક્રિટના જંગલોએ પાણીના કુદરતી વહેણ અને સંગ્રહસ્થાનોનો ભોગ લઇ લીધો છે. દક્ષિણ ભારતમાં ઉત્તર કરતાં સિસ્ટમ અલગ પ્રકારની છે. અહીના જળાશયો લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરી શક્તાં નથી અને ઝડપથી સૂકાઇ જાય છે. તેવી જ રીતે બે ચોમાસાના કારણે તેમાં પાણીનો સંગ્રહ પણ ઝડપથી થાય છે. હાલ કર્ણાટકના જળાશયોમાં ફક્ત 26 ટકા પાણી સંગ્રહાયેલું છે. પાણીના સંગ્રહની આ સ્થિતિએ દક્ષિણ ભારતના રાજ્યોમાં પાણીની કટોકટી સર્જી દીધી છે. આપણે ત્યાં ઉક્તિ છે કે જળ જ જીવન છે. પરંતુ તેના સંગ્રહ અને સાચવણીની વાત આવે ત્યારે આપણે ઊણા ઉતરીએ છીએ. એમ કહેવાય છે કે પાણીનું મૂલ્ય જાણવું હોય તો રાજસ્થાન અને ગુજરાતના કચ્છના રહેવાસીઓને પૂછી જુઓ. આજે શહેરોમાં જે રીતે પાણીનો વેડફાટ જોવા મળે છે તે અક્ષમ્ય છે. ગયા વર્ષે બ્રિટનમાં પણ પાણીની તીવ્ર તંગી સર્જાઇ હતી જેના કારણે હોસપાઇપ પર પ્રતિબંધ લાદવાની ફરજ પડી હતી. માનવજાતે પોતાના અસ્તિત્વને બચાવી રાખવા માટે પાણીનું મૂલ્ય સમજવાની ઘડી આવી પહોંચી છે.