રશિયાની રાજધાની મોસ્કોમાં ગયા સપ્તાહમાં કોન્સર્ટ હોલ પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી આઇએસઆઇએસ ખુરાસન નામના આતંકવાદી સંગઠન દ્વારા સ્વીકારવામાં આવી છે. અલકાયદા બાદ ફરી એકવાર વિશ્વ પર આતંકવાદના ઓછાયા છવાવા લાગ્યા છે. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના ન્યૂયોર્ક શહેરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલ કાયદાના હુમલા સમયે વિશ્વમાં આતંકવાદ ચરમસીમા પર પહોંચ્યો હતો. ત્યારબાદ અમેરિકાના નેતૃત્વમાં ગઠબંધન સેનાએ અલકાયદાનું નિકંદન કાઢવાનું શરૂ કરતાં આતંકવાદના વળતા પાણી થયાં હતાં. છેલ્લા બે દાયકાથી આતંકવાદની છૂટીછવાઇ ઘટનાઓ સિવાય ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા વિશ્વમાં કોઇ મોટો હુમલો થયો નહોતો પરંતુ મોસ્કોમાં આઇએસઆઇએસ ખુરાસનના હુમલા બાદ આતંકવાદનો ભોરિંગ ફરી માથુ ઉંચકી રહ્યો હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. અલકાયદાની જેમ આ સંગઠન પણ કટ્ટર ઇસ્લામિક છે અને ધર્મ આધારિત આતંકવાદ ફેલાવી રહ્યું છે. ભારત 1990ના દાયકાથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભોગ બની રહ્યો છે પરંતુ આ આતંકવાદ ધાર્મિક ઓછો અને રાજકીય વધુ રહ્યો છે. જેની સામે મિડલ ઇસ્ટમાંથી ઉદ્દભવેલું આ સંગઠન સંપુર્ણપણે ધાર્મિક આતંકવાદને વરેલું છે. અફઘાનિસ્તાનમાંથી માથું ઉંચકી રહેલા આ સંગઠનનો વ્યાપ હવે સીરિયા, ઇરાન, તૂર્કમેનિસ્તાન સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં પણ આ સંગઠનના આતંકી સ્લીપર સેલ સક્રિય હોવાનું મનાય છે. નિષ્ણાતોના મતે આ સંગઠન રશિયાને મુસ્લિમ વિરોધી માને છે. તે ઉપરાંત આ સંગઠનમાં સામેલ મધ્ય એશિયાના આતંકવાદીઓ રશિયા સાથે ઐતિહાસિક મતભેદો પણ ધરાવે છે તેના કારણે જ આ સંગઠન દ્વારા રશિયાને ટાર્ગેટ કરાયો હોવાનો મત છે. તાજેતરમાં વોઇસ ઓફ ખુરાસન નામના પોતાના મેગેઝિનમાં આ સંગઠને ધ સ્પાઇડર હાઉસ શિર્ષક હેઠળ ધમકી ઉચ્ચારી છે કે ટૂંકસમયમાં દુનિયાના બધા કાફિરોને અને ઇસ્લામિક દેશોમાં તેમની કઠપૂતળીઓને દુનિયાના દરેક ખૂણામાં મુસ્લિમો પર કરાયેલા અત્યાચારોની કિંમત ચૂકવવી પડશે. સંગઠને અમેરિકા, રશિયા., ચીન, ઇરાન અને ભારતને પણ ધમકી આપી છે. સંગઠને ભારતને ધમકી આપતાં જણાવ્યું છે કે અમારા આતંકવાદીઓ ભારતના ધાર્મિક સ્થળોમાં લોહી વહેવડાવશે. આમ વિશ્વ પર ફરી એકવાર આતંકવાદના ઓછાયા જોવા મળી રહ્યાં છે.