બ્રિટનના રાજવી પરિવારને જાણે કે ઘાતક બીમારીઓનું ગ્રહણ લાગ્યું છે. હાલ રાજવી પરિવાર કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટનના કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે. કિંગના કેન્સર અંગેના નિદાને સમગ્ર દેશને ચિંતામાં ગરકાવ કરી દીધો હતો ત્યાં જ હવે કેટના કેન્સર અંગેના નિદાને રાજવી પરિવારના ચાહકો અને પ્રશંસકોની ચિંતામાં વધારો કર્યો છે. રાજવી પરિવારના બંને વરિષ્ઠ સભ્યોની બીમારીએ જાણે કે પરિવાર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી છે. પ્રિન્સ વિલિયમ પત્ની કેટ અને સંતાનોની કાળજી લેવામાં વ્યસ્ત છે તો ક્વીન કેમિલા કિંગ ચાર્લ્સ અને સમગ્ર રાજવી પરિવારની કાળજીમાં વ્યસ્ત થઇ ગયાં છે. ક્વીન મધરના નિધન અને પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ અમેરિકામાં સ્થાયી થવા ચાલ્યા ગયા બાદ રાજવી પરિવારના સક્રિય સભ્યોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. તેમાં હવે આ બે વરિષ્ઠ સભ્યોની બીમારી રાજવી પરિવાર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓને અવરોધી રહી છે અને રાજાશાહીના ભાવિ પર પણ અનિશ્ચિતતાના ઓછાયા છવાઇ રહ્યાં છે. રાજવી પરિવારના મહત્વના સભ્યો એવા પ્રિન્સ હેરી અને પ્રિન્સ એન્ડ્રુની ગેરહાજરી સ્થિતિને વધુ વણસાવી રહી છે. ક્વીન કેમિલા અને પ્રિન્સ વિલિયમ પરિવારમાં પોતાની વ્યસ્તતાના કારણે રાજાશાહી વતી બજાવવાની જાહેર ફરજોમાંથી પસંદગીની ફરજોનું જ વહન કરી શકે છે. 2022માં રાજગાદી પર આરૂઢ થયેલા કિંગ ચાર્લ્સ માટે રાજકીય સત્તા ન હોવા છતાં મહત્વની બંધારણીય ભુમિકા ભજવવાનું મુશ્કેલ બન્યું છે. તે ઉપરાંત રાજવી પરિવારના સભ્યો સંખ્યાબંધ ચેરિટી, વ્યાવસાયિક સંસ્થાઓ, રમત-ગમતના સંગઠનોના પેટ્રન તરીકે સેવા આપતા હોય છે. બે વરિષ્ઠ સભ્યોની બીમારીના કારણે આ સેવાઓ પણ અવરોધાઇ રહી છે. આ બીમારીના કારણે રાજવી પરિવાર જાણે કે જાહેર ફરજો અને અંગતતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવા સમયમાં પરિવારને પ્રિન્સ હેરી, પ્રિન્સ એન્ડ્રુની ખોટ વર્તાઇ રહી હશે પરંતુ તેમની કરતૂતોના કારણે તેમને રાજવી ફરજોથી અળગાં કરી દેવાયાં છે. રાજવી પરિવાર આ મુશ્કેલ સમયમાંથી ઝડપથી બહાર આવે તેવી અભ્યર્થના....