હોળીના રંગબેરંગી તહેવારોને લઈને ગુજરાત સમાચાર દ્વારા ‘સોનેરી સંગત’ની સિરીઝ હેઠળ વિશેષ ઝૂમ કાર્યક્રમનું 21 માર્ચે ગુરુવારે આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું સંચાલન સંભાળતાં પૂજાબહેન રાવલે હાજર સૌકોઈનું અભિવાદન કર્યું અને કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું કે, હોળી પરિવાર, મિત્રો, સગાંસંબંધીઓ વચ્ચેના સામંજસ્યની પ્રેરણા આપે છે.
પૂજાબહેન રાવલના સ્વાગત પ્રવચન બાદ અમદાવાદથી ગુજરાત સમાચારના બ્યૂરો ચીફ નિલેશ પરમાર દ્વારા દેશવિદેશ અને ગામડેગામના સમાચારની પ્રસ્તુતિ કરવામાં આવી. નિલેશભાઈ દ્વારા વિશેષરૂપે જણાવાયું કે, ભારતમાં ચૂંટણીનો માહોલ રંગ જમાવી રહ્યો છે, ત્યારે ગુજરાત સમાચાર દ્વારા આ સપ્તાહથી ‘મહાસંગ્રામ 2024’નો પ્રારંભ કરી રહ્યા છીએ.
‘સોનેરી સંગત’માં ગુજરાત સમાચારના ન્યૂઝ એડિટર અચ્યુતભાઈ સંઘવીએ હોળી-ધુળેટીના પર્વના મહાત્મ્ય અંગે જાણકારી આપતાં કહ્યું કે, આપણે નાનપણથી જ હોળી-ધુળેટી ઊજવતા આવ્યા છીએ. ભારતના મુખ્ય તહેવારો-ઉત્સવોમાં હોળી-ધુળેટીનું વિશેષ મહત્ત્વ છે, જેને હુતાસણી, ઢોલયાત્રા, વસંતોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. એવું નથી કે માત્ર ભારતમાં જ હોળીનો તહેવાર લોકપ્રિય છે, યુકે, ત્રિનિદાદ, ગયાના અને નેપાળ – જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં તે ઊજવાય છે અને લોકપ્રિય પણ છે. આમ જુઓ તો હોળી અને ધુળેટી એક જ પર્વની બે બાજુ છે. હોળી એ ષડયંત્ર અને ભક્તની કસોટીનો વિષાદ છે અને ધુળેટી પર્વમાં આનંદ છે, કારણ કે હોળિકાદહનમાંથી ભક્ત પ્રહલાદ હેમખેમ બહાર આવે છે તો ષડયંત્રકારી હોળિકા તેમાં ખાખ થઈ જાય છે.
આદિવાસી વિસ્તારોમાં હોળી અને ધુળેટીનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વિસ્તારોના સ્થાનિકો મજૂરીઅર્થે શહેરોમાં ભલે જાય, પરંતુ પરંપરાગત હોળી કરવા તો ગામડે જ જાય છે. એટલે જ તો આપણે કહીએ છીએ ‘દિવાળી તો અઠ્ઠેકઠ્ઠે, હોળી તો ઘરે જ.’ સૌને ખ્યાલ જ હશે કે ભારતમાં વ્રજભૂમિ, બરસાનાની લઠમાર હોળી સૌથી પ્રખ્યાત છે. બરસાના ગામની સ્ત્રીઓ સોળ શણગાર સજી, લાંબા ઘુંઘટ તાણીને ખાસ તેલ પીવડાવેલી લાઠીથી પુરુષો પર વાર કરે છે. જો કે આપણે લાકડાના બદલે છાણાં અને ઘાસના પૂળાથી હોળી પ્રગટાવીએ છીએ. આપ સૌને હોળીના પર્વની ખૂબ-ખૂબ શુભેચ્છા.
અચ્યુતભાઈ સંઘવી દ્વારા હોળીના તહેવાર પર પ્રકાશ પાડ્યા બાદ પૂજાબહેન રાવલે ગુજરાત સમાચારના સી.બી. પટેલને આમંત્રણ આપ્યું હતું. સી.બી. પટેલે હાજર સૌકોઈને વંદન કરીને કહ્યું કે, હાલમાં વસંત ઋતુ આવી રહી છે, જેને અનુરૂપ મેં આજે કપડાં પહેર્યાં છે. ભલે ઉંમરમાં મોટો હોઉં, પરંતુ આનંદમાં રહેવું. મને લોકો તરફથી સૂચનો મળે છે, જેમાં આ પ્રકારનો કાર્યક્રમ અંગ્રેજીમાં કરવાની પણ માગણી કરવામાં આવી છે. આવતા સપ્તાહે આપણે કેન્યા જઈશું, જ્યાંથી આપણા ગરવા ગુજરાતી ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર શ્રી રોહિતભાઈ વઢવાણા કેન્યામાં વસાહત, ભારત અને કેન્યાના સંબંધો, આપણા વેપારીઓ દ્વારા મેળવેલી સિદ્ધિઓ, તેમની સખાવતની વાતો કરશે. ઉપરાંત આવતા સપ્તાહે ઇસ્ટર અંગે ગુજરાત સમાચારના ન્યૂઝ એડિટર આર્નોલ્ડભાઈ ક્રિસ્ટી દ્વારા વિશેષ રજૂઆત કરવામાં આવશે. એપ્રિલ મહિનાના કાર્યક્રમમાં ભારતથી બે મહાનુભાવ મુંબઈમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ગઝલકાર જવાહરભાઈ બક્ષી અને વડોદરાથી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પૂર્વ ચેરમેન જયશ્રીબહેન મહેતા સ્વાસ્થ્ય સંબંધી અને ખાનપાન અંગેની માહિતી આપશે. અત્યારે ભારતમાં ચૂંટણીનો માહોલ છે, જેમાં ભાજપનું નવું પલડું જોરમાં છે. જો કે 40 વર્ષ પહેલાં ભાજપ માટે સંજોગો કેવા હતા? અને હાલમાં કેવા છે તે અંગે જામનગર ભાજપ યુવા મોરચાના તત્કાલીન પ્રમુખ વિનુભાઈ સચાણિયા એપ્રિલ અથવા મે મહિનામાં હકીકત રજૂ કરશે. આ પ્રકારે થતા તમામ કાર્યક્રમની યુ-ટ્યૂબ લિન્ક પણ આપવામાં આવે છે.
આ બાદ જ્યોત્સનાબહેન શાહ ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું’ ગીત પ્રસ્તુત કરી જૈન સમાજના પ્રતિષ્ઠિત, સાહિત્યપ્રેમી, 2019માં ઓબીઈ એવોર્ડથી સન્માનિત અને સિવિલ એન્જિનિયર મુખ્ય વક્તા ડો. વિનોદભાઈ કપાશીને આમંત્રણ આપ્યું હતું.
જૈન ધર્મના પાયાના 5 સિદ્ધાંત અને આજના સમયમાં જૈન ધર્મની ભૂમિકા અંગે ડો. વિનોદભાઈ કપાશીએ જણાવ્યું કે, જૈન ધર્મ સત્ય, અહિંસા, અપરિગ્રહ, અચૌર્ય અને બ્રહ્મચર્ય પર જ ટકેલો છે. જૈન ધર્મે અહિંસા વિશે જણાવ્યું છે. શું ખાવું, શું ન ખાવું અને માત્ર શાકાહારી હોવું પૂરતું નથી, મહાભારતમાં પણ અહિંસા પરમોધર્મની વાત કહેવાઈ છેે. જો કે જૈન ધર્મએ આ સિદ્ધાંતને વધુ વિકસાવ્યો અને વનસ્પતિ, વાયુ, જળ સુધી આગળ વધાર્યો છે. યોગશાસ્ત્રમાં પણ યમ, નિયમ, યોગાસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની વાત કહેવાઈ છે. સૌપ્રથમ યમમાં જૈન ધર્મના પાયાના આ 5 સિદ્ધાંતો અંગે જણાવાયું છે. આદિકાળથી પાલિતાણા જૈનગિરિરાજ ખાતે જૈનોએ આશરે 800 જેટલાં દેરાસરો બંધાવ્યાં છે. 3750 જેટલાં પગથિયાં ચડી ત્યાં પહોંચાય છે, જેનું અનેરું મહત્ત્વ છે. જ્યાં અમુક દિવસ ખૂબ જ મહત્ત્વના છે, જેમાં કાર્તિકી પૂનમ, ચૈત્રી પૂનમ, ફાગણ સુદ તેરસ મહત્ત્વની તિથિઓ છે. ફાગણ સુદ તેરસ સામવન અને પ્રદ્યુમ્ન નામના બે મુનિરાજ જેઓ ભગવાન શ્રીકૃષ્ણના સંબંધી હતા, જેઓ મોક્ષ સિધાવ્યા અને તેમની સાથે હજારો-લાખો અન્ય મુનિઓ પણ મોક્ષ સિધાવ્યા તેમની યાદગીરીમાં ફાગણ સુદ તેરસ મહત્ત્વની મનાય છે. આ દિવસે હજારો-લાખો યાત્રિકો દ્વારા જૂની છ ગાઉની યાત્રા પણ કરવામાં આવે છે. જેના બીજા દિવસે 4 મહિને આવતી ચોમાસી ચૌદસની ઉજવણી કરાય છે.
કાર્યક્રમનું સમાપન કરતાં સી.બી. પટેલે જણાવ્યું કે, કાંતિભાઈ નાગડા ઘણી સેવા કરે છે. કાંતિભાઈ વગર ગુજરાત સમાચારની યાત્રામાં હું ઘણો કાચો પડત. વાંચન, ચિંતન અને વિચાર વિસ્તાર એ મારો મોક્ષ માર્ગ છે. 5 એપ્રિલ 1997નો દિવસ વિશ્વમાં અનેક રીતે અદભુત ગણાય. તે દિવસે પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સંતો સાથે દુબઈ ગયા હતા, જ્યાં રોહિતભાઈ પટેલ અને અન્ય મિત્રોએ પ્રમુખસ્વામીને રણમાં લઈ જવા આગ્રહ કર્યો. 7 કારમાં ગયેલો આ કાફલો શારજાહના રેતીના ઢગ પર ઊભો રહ્યો, જ્યાં બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે, ‘બાપા અમારી એક વિનંતી છે કે અહીં પણ આપણા ધર્મની ધજા ફરકે.’ આજે એ જગ્યાએ અસ્તિત્વ લઈ લીધું છે. 4 એપ્રિલની સોનેરી સંગતમાં તે વિશે વધુ સંસ્મરણ કરીશું.