આસિસ્ટેડ ડાઇંગઃ આશીર્વાદ કે અભિશાપ નીવડશે?

Wednesday 27th November 2024 05:09 EST
 

બ્રિટનમાં આજકાલ આસિસ્ટેડ ડાઇંગ એટલે કે ઇચ્છા મૃત્યુનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓને મોત વહાલુ કરવાની પસંદગી આપતો ખરડો બ્રિટિશ સંસદમાં રજૂ કરી દેવાયો છે અને હવે તેના પર મતદાન યોજાશે. 1961માં સૂસાઇડ એક્ટ પસાર કરાયા બાદ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આત્મહત્યા અને તે માટે પ્રેરિત કરવાને અપરાધ મનાય છે અને તે માટે 14 વર્ષ કેદની જોગવાઇ પણ છે. તાજેતરમાં લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા બ્રિટિશ સંસદમાં આસિસ્ટેડ ડાઇંગ બિલ રજૂ કરાયું છે. તેના દ્વારા ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓને ઇચ્છા મૃત્યુની પરવાનગી મળી શકે છે.
જોકે આ ખરડાના કારણે દેશમાં જાણે કે એક પ્રકારનું ધ્રુવીકરણ જોવા મળી રહ્યું છે. ખરડાના વિરોધીઓ અને સમર્થકો પોતાના તર્ક રજૂ કરી રહ્યાં છે. ધાર્મિક આગેવાનો દ્વારા આ જોગવાઇના ભયસ્થાનો પણ રજૂ કરવામાં આવી રહ્યાં છે. તેઓ કહે છે કે પોતાને બોજારૂપ માનતા ઘણા નબળાં લોકો મોતને વહાલું કરવાની હોડમાં જોડાઇ જશે. કેટલાંક ધાર્મિક સંગઠનો તેને પ્રોફેશનલ એથિકલ કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન પણ ગણાવી રહ્યાં છે.
જોકે દર્દીઓના ઇચ્છા મૃત્યુના સમર્થકો આ જોગવાઇને અસહ્ય દર્દમાંથી મુક્તિ અને મનની શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ ગણાવી રહ્યાં છે. સ્વિત્ઝર્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ, બેલ્જિયમ અને અમેરિકાના કેટલાંક રાજ્યોમાં આસિસ્ટેડ ડાઇંગ કાયદેસર છે. સેંકડો બ્રિટિશર આ પ્રકારના મોતમાં મદદ કરતી ડિગ્નિતાશ નામની સ્વિત્ઝર્લેન્ડની સંસ્થાની મુલાકાત લેવા હજારો પાઉન્ડ ખર્ચી પણ ચૂક્યાં છે. એક ચેરિટીના સરવે પ્રમાણે 84 ટકા બ્રિટિશર આસિસ્ટેડ ડાઇંગને કાયદેસર બનાવવાના હિમાયતી છે. તેમના મતે આ જોગવાઇ જીવનના અંત માટેની દયાસભર પસંદગી અને પીડિતો માટેની આશા છે.
પરંતુ આ ખરડાના વિરોધીઓ ચેતવણી આપી રહ્યાં છે કે આ જોગવાઇના કારણે સમાજના છેવાડાના અને ગરીબ લોકો જોખમમાં મૂકાઇ જશે. ધાર્મિક સંગઠનો કહે છે કે જીવન અત્યંત પવિત્ર છે અને તેનો અંત લાવવાનો નૈતિક રીતે કોઇને અધિકાર નથી. જીવનનો અંત કુદરતી રીતે જ આવવો જોઇએ. તેના કરતાં આ પ્રકારના દર્દીઓને રાહત આપે તેવી સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. એક ચેરિટીએ ચેતવણી ઉચ્ચારી છે કે આ જોગવાઇના કારણે વિકલાંગો પર તેમના જીવનો ટૂંકાવી દેવાનું દબાણ સર્જાશે. ગૌરવભેર જિંદગી જીવવા માટે સપોર્ટ ન મળતો હોવાથી તેઓ મોતને વહાલું કરવા પ્રેરાશે.
આ જોગવાઇના વિરોધીઓ બ્રિટિશ સરકારને કેનેડાનો દાખલો લેવા કહી રહ્યાં છે. કેનેડામાં 2016માં આસિસ્ટેડ ડાઇંગ કાયદેસર કરાયા બાદ હવે ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓ જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક સ્થિતિ સામે હાર માની ચૂકેલા લોકો પણ મોતની માગ કરી રહ્યાં છે.
અંતમાં એટલું કહી શકાય કે આસિસ્ટેડ ડાઇંગના લાભ અને ગેરલાભ બંને છે. સિસ્ટમનો સદુપયોગ ગંભીર દર્દીઓને અસહ્ય પીડામાંથી નિજાત અપાવી શકે છે તો દુરૂપયોગ જોખમરૂપ બની શકે છે. બાકી જીવન તો ઇશ્વરની ભેટ છે. જન્મ અને મોતનો સમય નિશ્ચિત છે. તેની સાથેના ચેડાં દુષ્પરિણામ લાવી શકે છે.


comments powered by Disqus