ભારતમાં સૌથી મોટા ઔદ્યોગિક રાજ્ય મહારાષ્ટ્ર, આદિવાસી બહુલ ઝારખંડની વિધાનસભાની ચૂંટણીના પરિણામ સાથે દેશના વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામ જાહેર થયાં. મે 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પીછેહઠનો સામનો કરનાર ભાજપ અને તેના નેતૃત્વ હેઠળના ગઠબંધનને આ ચૂંટણીઓમાં મળેલી પ્રચંડ સફળતા આગામી સમયમાં રાજનીતિનું સ્વરૂપ ચોક્કસપણે બદલી નાખશે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયૂતિને મળેલી સફળતા દેશના આર્થિક રીતે સદ્ધર રાજ્યો અને રાષ્ટ્રીય રાજનીતિ પર લાંબાગાળાની અસરો છોડશે.
દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્ય મહારાષ્ટ્રની વિધાનસભા અને વસતીની દ્રષ્ટિએ સૌથી મોટા ગણાતા ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીઓમાં મળેલી સફળતાએ ભાજપને વધુ મજબૂત બનાવી દીધો છે. તેના કારણે કેન્દ્ર ખાતેની ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં પણ ભાજપનું મનોબળ મજબૂત બન્યું છે અને તે તેના નિર્ણયોમાં હવે બેધડક રીતે આગળ વધી શકશે. ચૂંટણી પરિણામ જાહેર થયાના તુરંત બાદ સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે જેમાં ખરડાકીય એજન્ડાને આગળ ધપાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી સહાય મળી રહેશે. એનડીએના ઘટકપક્ષો પણ ભાજપના આ વિજયના કારણે હવે કદ પ્રમાણે વેતરાઇ ગયાં હોવાના સંકેત મળી રહ્યાં છે.
બદલાયેલા રાજકીય વાતાવરણના કારણે વિપક્ષની ધાર પણ બુઠ્ઠી બની છે. સંસદમાં મહત્વના ખરડાઓ પર વિપક્ષનું આક્રમણ નબળું પડે તેવી સંભાવના છે. વકફ બિલ, યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શનની દિશામાં હવે મોદી સરકાર ઝડપથી આગળ વધી શકે છે.
મહારાષ્ટ્રમાં મળેલા વિજયના કારણે ભાજપ તેના હિન્દુત્વના કોર એજન્ડાને પણ હવે મક્કમતાથી આગળ વધારી શકે છે. યોગી આદિત્યનાથ દ્વારા અપાયેલા બટેંગે તો કટેંગે અને મોદીના એક હૈ તો સૈફ હૈના નારાએ કોંગ્રેસની જાતિ આધારિત રાજનીતિનું સૂરસૂરિયું કરી નાખ્યું છે. હવે આ નારાઓ ભાજપની રાજનીતિના કેન્દ્રવર્તી નારા બની રહેશે.
મહારાષ્ટ્રના વિજયે એનડીએના ઘટક પક્ષો અને તેમાં પણ વિશેષ કરીને લોકસભામાં મજબૂત સ્થિતિ ધરાવતા તેલુગુ દેશમ અને જનતાદળ યુને પણ સશક્ત સંદેશ આપી દીધો છે કે ભાજપ હવે તેમની માગણીઓ સામે ઝૂકશે નહીં. આગામી સમયગાળામાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુના અક્કડ વલણ ઢીલાં પડી શકે છે.
આ ઉપરાંત ભાજપ અને મહાયૂતિના વિજયે મહારાષ્ટ્ર્માં પરિવારવાદી રાજનીતિનું પણ નામુ નાખી દીધું છે. સશક્ત મરાઠા નેતા સ્વ. બાલાસાહેબ ઠાકરેની પ્રતિષ્ઠા પર કૂદતા પુત્ર ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ભત્રીજા રાજ ઠાકરે સાવ હાંસિયામાં ધકેલાઇ ગયાં છે. મોદી-શાહની કૂટનીતિએ બાલાસાહેબ ઠાકરેની શિવસેનાના બે ઊભા ફાડિયા કરી નાખ્યા અને હવે શિંદે શિવસેના ભાજપના સંપુર્ણ પ્રભાવ તળે આવી ચૂકી છે. ગાંધી પરિવાર પર જ નભતી કોંગ્રેસનું પણ મહારાષ્ટ્રમાં નામુ નંખાઇ ગયું છે. કોંગ્રેસનો અત્યાર સુધીનો સૌથી બદતર દેખાવ આ ચૂંટણીમાં જોવા મળ્યો છે. શરદ પવારનો પરિવાર પણ બે હિસ્સામાં વહેંચાઇ ગયો છે. પવારે તેમની રાજકીય કારકિર્દીમાં આટલો કારમો પરાજય ક્યારેય ભાળ્યો નથી. તેમનો ભત્રીજો ભાજપના ખોળામાં બેઠો છે અને હવે વધુ કાંઇ ઉકાળી શકે તેમ લાગતું નથી.
