સિક્કો ત્રણ પેન્સનો પણ મૂલ્ય રૂ. 21 કરોડ

Thursday 28th November 2024 04:12 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં 17મી શતાબ્દીનો ચાંદીનો દુર્લભ સિક્કો ઓક્શનમાં 2.52 મિલિયન ડોલર (21.26 કરોડ રૂપિયા)ની વિક્રમજનક કિંમતે વેંચાયો છે. આ એક નવો જ રેકોર્ડ છે. આ સિક્કાનું માત્ર 1.1 ગ્રામ છે, અને તેમાં વપરાયેલી ચાંદીની કિંમત આજના ભાવે ગણો તો માત્ર 1.03 ડોલર છે, પણ સિક્કાનું આગવું ઐતિહાસિક મહત્ત્વ છે.
વર્ષ 2016માં એમ્સ્ટર્ડમમાં એક જૂના જમાનાની ખખડધજ અલ્મારીમાંથી મળી આવેલો આ સિક્કો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની રચના થઇ તે પહેલાં 1652માં બોસ્ટનની ટંકશાળમાં બનાવવામાં આવ્યો હતો. આની હરાજી સ્ટેન્ક બોવર્સ ગેલેરીએ કરી હતી. 12 મિનિટ સુધી ચાલેલી હરાજીના અંતે અંદાજીત મૂલ્ય કરતાં ત્રણ ગણી કિંમત આ સિક્કાની ઉપજી હતી.
આ સિક્કાને થ્રીપેન્સ કોઇન તરીકે ઓળખવામાં આવે છે, જેની એક તરફ ન્યૂ ઇંગ્લેન્ડનું એન.ઇ. લખાયેલું છે, જ્યારે બીજી તરફ રોમન આંકડામાં તેનું મૂલ્ય અંકિત છે. સિક્કો છે બહુ નાનો, પણ દુર્લભતા અને ઐતિહાસિક મહત્ત્વના કારણે તે અમેરિકાની ટંકશાળની સ્થાપના પૂર્વેનો સૌથી મોંઘો સિક્કો બની ગયો છે. આ સિક્કાનું વિશેષ મહત્ત્વ એ કારણસર પણ છે કે તે સમયે આવા માત્ર ત્રણ જ સિક્કા બનાવાયા હતા. આમાંનો એક સિક્કો મેસેચ્યુસેટ્સ હિસ્ટોરિકલ સોસાયટી પાસે છે. જ્યારે બીજો સિક્કો કેટલાય દસકાઓ પૂર્વે યેલ કોલેજમાંથી ચોરાઇ ગયો હતો.
ઓક્શનમાં આ સિક્કો અધધધ કિંમતે વેંચાયો હોવા છતાં પણ આ સિક્કો અમેરિકાનો સૌથી મોંઘો સિક્કો નથી. આ પૂર્વે 2013માં ચાંદીના એક ડોલરના સિક્કાને 10 મિલિયન ડોલરમાં વેંચવામાં આવ્યો હતો. જ્યારે 2021માં 1933માં બનેલો ‘ડબલ ઇગલ’ ગોલ્ડ કોઇન 18.9 મિલિયન ડોલરની ઊંચી કિંમતે વેંચાયો હતો.


comments powered by Disqus