ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી: નવનાત હોલ બન્યો ક્ષત્રિયકુંડ નગરી

- જ્યોત્સ્ના શાહ Wednesday 01st May 2024 09:20 EDT
 
 

શુક્રવાર તા.૨૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ હેઝના નવનાત હોલમાં મહાવીર જન્મ કલ્યાણકની શાનદાર ભક્તિભાવ સભર ઉજવણીમાં ૫૦૦થી વધુ ધર્મપ્રેમી ભાઇ-બહેનોએ ઉમંગભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. નવનાત વણિક એસોસિએશન અને નવનાત વડિલ મંડળના સંયુક્ત સહકારથી ઉજવાયેલ આ મહોત્સવે ભગવાનની જન્મભૂમિ ક્ષત્રિયકુઁડનો સાક્ષાત્કાર કરાવ્યો હતો.
 ચૈત્ર સુદ તેરસની મધરાતે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં આજથી ૨૬૨૩ વર્ષ પહેલા માતા ત્રિશલાની કૂક્ષીમાં, રાજા સિધ્ધાર્થના કૂળમાં ભગવાન મહાવીરનો જન્મ થતાં જ આનંદ આનંદ વરતાઇ ગયો હતો. સદીઓ પૂર્વેનો એ અદ્ભૂત અનુભવ ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોએ કર્યો.
આ મહોત્સવનું સંચાલન ઇનાબહેન જયેશભાઇ શાહે કુશળતાથી કરી સૌને ભક્તિના સાગરમાં તરબોળ કરી દીધાં હતાં. સૌ પ્રથમ જૈનોના ગ્રંથો આગમ અને કલ્પસૂત્રનું વાજતે-ગાજતે ઢબૂકતા ઢોલના નાદે હોલમાં આગમન કરાયું.
 આગમ એટલે જેમાં જીનવાણીનો સમાવેશ કરાય છે. શ્વેતામ્બરોના મતે ૪૫ આગમો છે. જેનું પ્રથમ આગામ ‘વિનય’ છે. આપણામાં કહેવત છે ને,‘વિદ્યા વિનયથી શોભે’! આ આગમમાં માનવીના જીવનમાં વિનયનો ગુણ હોય તો આપોઆપ એનું ચારિત્ર્ય ખીલી ઉઠે છે એનું વિગતવાર મહાત્મ્ય દર્શાવાયું છે.
 આ આગમો ભગવાનના ગણધરો (મુખ્ય શિષ્યો)એ લખેલ છે.
 જ્યારે કલ્પસૂત્ર ગ્રંથમાં જૈન તીર્થંકરોના જીવન ચરિત્ર અને ભગવાન મહાવીરના કથા વણી લેવાઇ છે. જેમાં ભગવાન મહાવીર સ્વામિએ આપેલ દેશના (ઉપદેશ) તથા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની આચાર સંહિતાનો ઉલ્લેખ કરાયો છે. પર્યુષણ પર્વના ચોથા દિવસથી કલ્પસૂત્રનું વાંચન ગુરુ ભગવંતો દ્વારા કરાય છે. ભદ્રબાહુ સ્વામિ રચિત આ ગ્રંથ જૈનોની ગીતા છે.
ભગવાન મહાવીરનો અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તવાદ, સંસારના સૌ જીવો સાથે મૈત્રી અને કરૂણાના ઉપદેશનું પાલન કરવું આજના સમયમાં ય યથોચિત છે. એ સનાતન છે.
આ પ્રસંગે ભગવાનની માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્નો અને એનું ફળકથન વગેરે ગીત-સંગીતની રમઝટ સહ શ્રીમતી ઇનાબહેને ખૂબ જ સરસ રીતે અભિવ્યક્તિ કરી ભાવુકોને ભાવમાં તરબોળ કરી દીધાં. ભગવાનના જન્મની વધામણી નાચ-ગાનથી ઉલ્લાસભેર થઇ. કલ્પના બહેન ભટ્ટે કોરિયોગ્રાફી કરેલ સુંદર હાલરડાંના નૃત્યને ‘વન્સમોર’કહી સૌએ વધાવી લીધું. આ પ્રસંગે નવનાતના પ્રેસિડેન્ટ શ્રી દિલિપભાઇ મીઠાણી, વડિલ મંડળના પ્રેસિડેન્ટ શ્રી નટુભાઇ મહેતા, ધાર્મિક કાર્યક્રમોના ઓર્ગેનાઇઝર શ્રી ભૂપેન્દ્રભાઇ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઇ મહેતા સહિત અન્ય લાભાર્થીઓએ સજોડે સ્વપ્નો અને પારણું ઝુલાવવાનો લાભ લીધો હતો.
નવનાત વણિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ અદાણીએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ભગવાનના જન્મદિવસ નિમિત્તે ‘જીવદયા’ માં અનુદાન આપવા ટહેલ મૂકવામાં આવી હતી.
આંખે ઉડીને વળગે તેવું રોલનું અને સ્ટેજનું ડેકોરેશન હસ્મિતાબહેન દોશી, શ્રી જગદીશભાઇ અને શ્રીમતી મીનાબહેન સાંઘાણીએ કર્યું હતું. કો-ઓર્ડીનેટર શ્રી નીતિનભાઇ સાવડીયા અને બંસરીબહેન રૂપાણીએ સુંદર આયોજન કર્યું હતું. કિચન કમિટીના હેડ શકુબહેન શેઠની આગેવાની હેઠળ બહેનોની કિચન સેવાની અનુમોદના કરાઇ હતી. કિશોરભાઇ બાટવીઆએ સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરી. આ સૌ સહિત સમાજના સેવાભાવી અનેક ભાઇબહેનોએ સમયનો ભોગ આપી આ જન્મોત્સવને સફળ બનાવવામાં સખત મહેનત કરી હોવાનું જણાવતાં સૌનો હાર્દિક આભાર હસ્મિતાબહેન દોશીએ માન્યો હતો. સંસ્થાઓના અહેવાલો અવતાર-નવાર પ્રસિધ્ધ કરવા બદલ તેઓએ ‘ગુજરાત સમાચાર’ નો પણ ખાસ આભાર માન્યો હતો. કાર્યક્રમના સમાપન બાદ સ્વાદિષ્ટ-સાત્વિક જૈન ભોજનનો આસ્વાદ માણી સૌએ વિદાય લીધી.
તસવીર સૌજન્ય: મીનાબહેન સાંઘાણી


comments powered by Disqus