યુકેને કુશળ વિદેશી કામદારો અને સ્ટુડન્ટ વિના ચાલે તેમ નથી

Wednesday 01st May 2024 05:46 EDT
 

યુકેમાં આજકાલ નેટ ઇમિગ્રેશન અને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સના મુદ્દે કાગારોળ ચાલી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુકેમાં જે રીતે નેટ ઇમિગ્રેશન અને ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તે જોતાં હાર્ડલાઇનર્સના ભવાં ખેંચાઇ રહ્યાં છે. ઇમિગ્રેશન અને માઇગ્રેશન પર લગામ કસવા સુનાકની કન્ઝર્વેટિવ સરકાર ધમપછાડા કરી રહી છે. આ માટે તાજેતરમાં જ સુનાક સરકારે ગેરકાયદેસર માઇગન્ટ્સ અને રાજ્યાશ્રય વાંચ્છુઓને રવાન્ડામાં દેશનિકાલ કરવા કાયદો બનાવવામાં સફળતા હાંસલ કરી લીધી છે. હવે તો નેટ ઇમિગ્રેશન સામે પણ ટોરીઝમાં ચણભણાટ શરૂ થઇ ગયો છે. ટોરીની એક થિન્ક ટેન્ક દ્વારા સ્ટુડન્ટ વિઝામાં કાપ મૂકવાની ભલામણ કરાઇ છે. આમ પણ સુનાક સરકાર આ વર્ષના પ્રારંભથી સ્ટુડન્ટ, કેર અને હેલ્થ વર્કર્સના આશ્રિતોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. સ્કીલ્ડ વર્કર્સ માટે અને પોતાના જીવનસાથીને યુકેમાં લાવવા માટેની લઘુત્તમ પગારમર્યાદામાં પણ વધારો કરી ચૂકી છે પરંતુ તેની સામે યુકેમાં પ્રવર્તતી સ્કીલ્ડ વર્કર્સની અછત અર્થતંત્રનો શ્વાસ પણ રૂંધી રહી છે. આજે યુકેમાં બીમારીના કારણોસર લાખો લોકો નોકરી કરી રહ્યાં નથી અને સરકાર દ્વારા અપાતા બેનિફિટ્સ પર નભી રહ્યાં છે. ઘરેલુ વિદ્યાર્થીઓ માટેની ફી મર્યાદાના કારણે યુકેની યુનિવર્સિટીઓનો મોટા ભાગનો ખર્ચ વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવાતી ફીમાંથી ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં નેટ ઇમિગ્રેશન પર લગામ કસવાથી બ્રિટનને શું લાભ થશે તે અંગે ઇમિગ્રેશન નીતિઓ ઘડનારાઓની માનસિકતા પર સવાલો ઊભા થઇ રહ્યાં છે. હા, ગેરકાયદેસર રીતે યુકેમાં આવતા માઇગ્રન્ટ્સ પર નિયંત્રણ મેળવવાના પગલાં સમજાઇ શકે તેમ છે કારણ કે તેઓ યુકેમાં આવીને સરકારી તિજોરી અને કરદાતાઓનો બોજો જ વધારી રહ્યાં છે પરંતુ યુકેમાં આવી યુનિવર્સિટીઓ ધમધમતી રાખતાં, દેશની આરોગ્ય સેવાની ધોરી નસ ગણાતી એનએચએસમાં પ્રવર્તી રહેલી અછતની ખોટ પુરતાં, કન્સ્ટ્રક્શનથી માંડીને કૃષિ સેક્ટરમાં કૌશલ્યપૂર્ણ યોગદાન આપતાં કુશળ ઇમિગ્રન્ટ્સ પર તરાપ મારવા પાછળ શું તર્ક છે તે સમજાતું નથી. સ્ટુડન્ટ વિઝામાં કાપ મૂકવાથી યુકેની યુનિવર્સિટીઓ નાદાર બની જશે તે વાતમાં કોઇ શંકા નથી. કામ નહીં કરીને સરકારી બેનિફિટ્સ પર નભતા બ્રિટિશરોની ખોટ ઇમિગ્રેશન પર આવતા કુશળ વિદેશી કામદારો જ પૂરી કરી રહ્યાં છે. તેથી ઇમિગ્રેશન પર તરાપ મારતાં પહેલાં સુનાક સરકારે ગહન ચિંતન કરવાની તાતી જરૂર વર્તાઇ રહી છે.


comments powered by Disqus