ભારતના વડાપ્રધાનના છેલ્લા 10 વર્ષના સુશાસનકાળમાં ભારતીય અર્થતંત્રે ભરેલી હરણફાળે સમગ્ર વિશ્વના આર્થિક સમુદાયનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તાજેતરમાં વિશ્વ બેન્કે ભારતીય અર્થતંત્રને સૌથી ઝડપી વૃદ્ધિ કરતું અર્થતંત્ર જાહેર કર્યું તેની સાથે જ ભારત ગ્લોબલ ઇકોનોમીમાં પાવર હાઉસ તરીકે ઉભરી રહ્યો છે. 2024ના નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર 6.8 ટકા અંદાજવામાં આવ્યો છે જે જી-20 દેશોમાં સૌથી ઊંચો વૃદ્ધિદર રહેવાની સંભાવના છે. મોદી સરકારની આર્થિક નીતિઓના કારણે દેશમાં ફુગાવાનો દર નિયંત્રણ હેઠળ છે, બેરોજગારીના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના પગલે વિશ્વભરના મૂડીરોકાણકારો ભારત તરફ ખેંચાઇ રહ્યાં છે. ભારતના વાઇબ્રન્ટ માર્કેટમાં ઉપલબ્ધ થઇ રહેલી તકો ઝડપી લેવા તેઓ અત્યંત આતુર છે. હાલ ભારતીય અર્થતંત્ર વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને વડાપ્રધાન મોદી 2027 સુધીમાં ભારતીય અર્થતંત્રને વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યાં છે. ભારતમાં જે ઝડપથી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધી રહ્યો છે તે જોતાં દેશના અર્થતંત્ર માટે વૈશ્વિક અને ઘરેલુ આશાવાદ અત્યંત પ્રબળ બની રહ્યો છે. મોદી સરકાર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર કામ કરી રહી છે અને ભારતમાં જે રીતે ઘરેલુ વપરાશમાં વધારો થઇ રહ્યો છે તેના ઉજળા સંકેતો જી-20 દેશોમાં ભારતને સૌથી ઝડપથી વૃદ્ધિ કરતું અર્થતંત્ર બનાવવામાં સક્ષમ છે. ભારતમાં ઉત્તરોતર સુધરી રહેલી ઘરેલુ આર્થિક સ્થિતિ આર્થિક પ્રવૃત્તિઓને પ્રચંડ વેગ આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ છેલ્લા 10 વર્ષથી ભારતમાં એક મજબૂત સરકાર પૂરી પાડી રહ્યો છે અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તા પર આવે તેવી સંભાવના છે. સંસદમાં બહુમતી સરકારના નિર્ણયોને સરળ બનાવે છે. નીતિઓનો અમલ સુચારુ રીતે કરી શકાય છે. નીતિઓના અમલ આડેના અવરોધો દૂર થવાના કારણે વૈશ્વિક રોકાણકારો આકર્ષાય છે. ચીન જેવા બજારોની પીછેહઠ, પશ્ચિમના દેશોમાં સ્થગિત થયેલો વિકાસદર જોતાં ભારતનું વિશાળ બજાર અને માગ કોઇપણ મલ્ટીનેશનલ કંપની માટે આજે અનિવાર્ય બની ગયું છે. ભારતીય ઉત્પાદનોની વધી રહેલી નિકાસ પણ અર્થતંત્રના વિકાસમાં સિંહફાળો આપી રહી છે ત્યારે નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ ભારતીય અર્થતંત્ર માટે સુવર્ણકાળ લઇને આવી શકે છે.
