લંડનઃ AUM કેર ગ્રૂપ દ્વારા 21 સપ્ટેમ્બરે ભવ્ય વાર્ષિક મેળાવડા સાથે અનુકંપા અને વિકાસનાં પાંચ વર્ષની ઊજવણી થકી નોંધપાત્ર સીમાચિહ્ન સર્જાયું હતું. ગત પાંચ વર્ષના ગાળામાં સંસ્થાની યાત્રા અને સન્માનને માન આપવાના ઈવેન્ટમાં કર્મચારીઓ, ડાયરેક્ટર્સ અને માનવંતા મહેમાનોએ ઊજવણી કરી હતી.
AUM કેર ગ્રૂપના આરંભથી જ તેનું નેતૃત્વ સંભાળનારા ડાયરેક્ટર્સ પ્રણવ વોરા અને નિરવ પટેલે સંસ્થાની સિદ્ધિઓમાં ભારે ગૌરવ દર્શાવવા સાથે કર્મચારીઓને બિરદાવ્યા હતા અને તેઓને ‘કો-વર્કર ફેમિલી’ તરીકે ઓળખાવ્યા હતા. કંપનીની સફળતામાં પ્રત્યેક સભ્યે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રણવ વોરાએ સ્ટાફના અવિરત સમર્પણ અને સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે,‘ આ માઈલસ્ટોન માત્ર કંપનીની સફળતાનો નથી પરંતુ, AUM કેર ગ્રૂપના વિકાસ અને વિઝનમાં યોગદાન આપનારા પ્રત્યેક વ્યક્તિ માટે છે.’
આ ઈવેન્ટમાં હેરોના ડેપ્યુટી મેયર અંજના પટેલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પોતાનાં સંબોધનમાં કોમ્યુનિટી પર AUM કેર ગ્રૂપની નોંધપાત્ર અસર અને હેલ્થકેર સેક્ટરમાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી હતી. તેમણે AUM કેર ગ્રૂપના મુખ્ય તત્વો સારસંભાળ અને અનુકંપાના મહત્ત્વ પર ભાર મૂકવાં સાથે વર્ષો દરમિયાનની અવિરત પ્રતિબદ્ધતા બદલ ટીમની પ્રશંસા કરી હતી. ડેપ્યુટી મેયર પટેલે જણાવ્યું હતું કે,‘કોઈ ટીમ જ્યારે હમદર્દી, અનુકંપા અને તફાવત સર્જવાની ઈચ્છા સાથે આગળ વધે ત્યારે શું હાંસલ કરી શકાય તેનું ઉજ્જવળ ઉદાહરણ AUM કેર ગ્રૂપ છે. તમારા કાર્યેોએ રચનાત્મકપણે અનેક જીવનને સ્પર્શ કર્યો છે અને તેના માટે અમે બધા તમારા આભારી છીએ.’
ઈવેન્ટની સાંજે શોર્ટ ઓડિયોવિઝ્યુઅલ (AV)ની રજૂઆત કરાઈ હતી જેના થકી ઓડિયન્સે ગત પાંચ વર્ષમાં AUM કેર ગ્રૂપની વિકાસગાથા અને યાત્રાને નિહાળી હતી. AVમાં કંપનીની નાનકડી શરૂઆત, તેના વિસ્તરણ તેમજ કેર ઈન્ડસ્ટ્રી પર તેની વ્યાપક અને પ્રચંડ અસરને દર્શાવાઈ હતી. આ પ્રેઝન્ટેશને નેતાગીરી અને કર્મચારીઓ દ્વારા દર્શાવાયેલા સખત પરિશ્રમ, સમર્પણ અને ખંતની શક્તિશાળી યાદ અપાવી હતી.
ડાયરેક્ટરોએ સંસ્થાની ટીમ પ્રત્યે તેમના હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરવા સાથે સંસ્થાની સફળતામાં દરેક કર્મચારીની ભૂમિકાને હાઈલાઈટ કરી હતી. પ્રણવ વોરાએ જણાવ્યું હતું કે,‘AUM કેર ગ્રૂપની સ્ટોરી આપણે સાથે મળીને કામ કરીએ ત્યારે મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકીએ છીએ તેવી માન્યતા, ધીરજ અને ટીમવર્કની કથા છે.’
સાંજનો બીજો હિસ્સો કર્મચારીઓના સખત પરિશ્રમ અને સમર્પણ-નિષ્ઠાને કદર કરવાને સમર્પિત રહ્યો હતો. HR ડાયરેક્ટર સ્વીટી વોરાની યજમાનીમાં રિવોર્ડ્સ અન્ડ રેક્ગ્નિશન સેરિમનીમાં ગત વર્ષ દરમિયાન અભૂતપૂર્વ દેખાવ અને યોગદાનને વધાવી લેવાયાં હતાં. સોનામાં સુગંધ ભળે તેમ એવોર્ડવિજેતાઓને ડેપ્યુટી મેયર અંજના પટેલના હાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
ઈવેન્ટના આ તબક્કામાં વિવિધ ડિપાર્ટમેન્ટ્સમાંથી વ્યક્તિઓને કેર, ટીમવર્ક, નેતૃત્વ અને ઈનોવેશન સહિત અલગ અલગ કેટેગરીઝમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક એવોર્ડવિજેતાને તેમની નિષ્ઠા અને સંસ્થામાં તેમણે ઉપજાવેલી અસર માટે વધાવી લેવાયા હતા. આ સન્માન મનોબળ વધારે છે એટલું જ નહિ, પોતાના કર્મચારીઓના પ્રયાસોની કદર કરવાની AUM કેર ગ્રૂપની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.
એવોર્ડ્સ વિતરણન ઉપરાંત, કંપનીના ઈન્ટર્નલ ઓડિટર્સ જ્હોન અને પેટ્રિસિઆએ પણ ઉપસ્થિત લોકોને પ્રોત્સાહક સંબોધન કર્યું હતું. તેઓએ સંસ્થાનો શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ જાળવી રાખવામાં પ્રામાણિકતા, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વના મહત્ત્વ વિશે જણાવ્યું હતું.
HR એક્ટિક્યુટિવ્ઝ અમિશા મહેતા અને અંશુ જૈને ઈવેન્ટનું સુચારુ સંચાલન કર્યું હતું. ઔપચારિકતાઓ પરિપૂર્ણ થયાં પછી ઊજવણીનો સાચો અને આનંદી માહોલ રચાયો હતો. કર્મચારીઓએ ભાઈચારાના વાતાવરણમાં સમૂહભાવના સાથે વિવિધ ગેમ્સ અને પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સંસ્થાની ગાઢપણે સંકળાયેલી પરિવાર સમાન સંસ્કૃતિના દર્શન થયા હતા અને મોટા ભાગે અથાક કામગીરી બજાવતા કેર વર્કર્સને મોકળા મને તેમના સહયોગીઓ સાથે સાંજને માણવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
પ્રણવ વોરાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની વાતચીતમાં AUM કેર ગ્રૂપનું લક્ષ્ય તેમની જીવનની ફીલોસોફીને કેવું સુસંગત છે તેની વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસ્થાનું સારતત્વ જરૂરિયાતમંદોની સંભાળ લેવાનું રહ્યું છે. જે ગત પાંચ વર્ષમાં તેના વિકાસ અને સફળતાની ચાવી છે. તેમણે ઉમેર્યું હતું કે,‘ આ બિઝનેસ નથી, આ સેવા છે. આગામી પાંચ વર્ષમાં અમે ચાઈલ્ડ કેર અને રેસિડેન્સિયલ કેર જેવાં સેક્ટર્સમાં અમારા સપોર્ટ અને સારસંભાળને વિસ્તૃત બનાવવાની યોજના ધરાવીએ છીએ.’
ડિનર અને ડીજે સેશન સાથે સલૂણી સાંજનું સમાપન થયું હતું. કર્મચારીઓએ નૃત્ય કરી આનંદ અને ઉત્સાહ સાથે તેમની સિદ્ધિઓની ઊજવણી કરી હતી.
AUM કેર ગ્રૂપની પાંચમી વાર્ષિક ઊજવણી માત્ર કંપનીની સિદ્ધિઓનો સ્વીકાર જ નહિ પરંતુ, તેના સહુ કર્મચારીઓ વચ્ચે મજબૂત બંધન, સમર્પિતતા અને જોશનો પુરાવો પણ હતી. સંસ્થા ભવિષ્ય તરફ નજર કરી રહેલ છે ત્યારે આ ઈવેન્ટ સફળ અને અસરકારક સંસ્થાના નિર્માણમાં ટીમવર્ક, ઉદ્યમ અને સહભાગી મૂલ્યોના મહત્ત્વના સ્મરણ તરીકે પણ સફળ રહ્યો હતો.

