આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ડેવિડ ડેબીડીન અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના માઈક નિકોલસનને મારા ઘરમાં આવકારતા મને ઘણો જ આનંદ થયો હતો. ડેવિડ કેરેબિયનમાં સ્થળાંતર કરારથી બંધાયેલા ભારતીય – બંધુઆ અનુભવ વિશે લખનારા સૌથી અગ્રેસર સર્જનાત્મક લેખકોમાં એક છે.
તેમણે બે દાયકાથી વધુ સમય યુનિવર્સિટી ઓફ વોરવિકના યેસુ પેરસૌડ સેન્ટર ફોર કેરેબિયન સ્ટડીઝમાં સેવા આપી હતી. એવોર્ડવિજેતા કવિ અને નવલકથાકાર ડેવિડે માઈગ્રેશન, સંબધ્ધતા અને ઓળખના વિષયો પર સઘન લખ્યું છે. તેમણે UNESCOમાં ગુયાનાના એમ્બેસેડર અને કાયમી પ્રતિનિધિ તેમજ ચીનમાં ગયાનાના એમ્બેસેડર તરીકે પણ સેવા આપેલી છે. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે મને તેમનું પુસ્તક ‘વી માર્ક યોર મેમરી- રાઈટિંગ્સ ફ્રોમ ધ ડિસેન્ડન્ટ્સ ઓફ ઈન્ડેન્ચર’ ભેટ આપ્યું હતું.
હું ડેવિડને ઘણાં વર્ષોથી જાણું છું. અમારો સંબંધ 2021માં લોર્ડ ભીખુ પારેખ દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સના સ્પીકર્સ રૂમમાં યોજાએલી બેઠક પછી વધુ ગાઢ બન્યો હતો. આ ઈવેન્ટમાં ડેવિડ અને તેમના સાથીઓ દ્વારા શરૂ કરાયેલા નૂતન પ્રોજેક્ટનો પરિચય અપાયો હતો જે, ખાસ કરીને ગયાના અને કેરિબિયનમાં બંધુઆ કે વેઠિયા મજૂરોના વંશજોના સ્મરણો પર કેન્દ્રિત કરાયેલો હતો. આ મહત્ત્વપૂર્ણ મેળાવડામાં ઘણા અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન, ડેવિડ અને માઈકે મારી સાથે થોડા કલાકો ગાળ્યા હતા જેમાં સઘન અને સુક્ષ્મ સમજની ચર્ચા થઈ હતી. તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેઓ સંકળાયેલા હતા તેવા વિવિધ પ્રોજેક્ટ્સ અને વિશેષતઃ વેઠિયા મજૂરોના વંશજોને સંબંધિત પ્રોજેક્ટ્સ વિશે મારો સહકાર માગ્યો હતો. અગાઉની બેઠકમાં ડેવિડે ઉલ્લેખ કર્યો હતો કે તેઓ યુકેના રૂપાંતર સંદર્ભે એક પુસ્તક તૈયાર કરવાના ઈરાદાસહ કેમ્બ્રિજના એક કે બે વિદ્વાનોને મારી સાથે વિસ્તૃત વાતચીત માટે મોકલવા ઈચ્છે છે.
અમારી વાતચીત દરમિયાન, મેં નવેમ્બર 1966માં યુકે અને ખાસ કરીને લંડન કેવું હતું અને ગત 58 વર્ષના ગાળામાં કેવાં ગણનાપાત્ર ફેરફાર કે પરિવર્તનો આવ્યાં છે તે વિશે મારા વિચારો રજૂ કર્યા હતા. કેટલાક લોકોને મારા અંગત જીવનચરિત્ર વિશે સાંભળવામાં રસ હોઈ શકે છે પરંતુ, તેમાં આગળ વધવાનો મારો જરા પણ ઈરાદો નથી. મારી પોતાની કથામાં ઊંડે ઉતરવાની પ્રામાણિકતા કે હિંમત હું ધરાવું છું તેમ હું જરા પણ માનતો નથી. જોકે, યુકેની કાયાપલટ કે રૂપાંતરણનો વિષય ખરેખર અદ્ભૂત છે. આમ છતાં, તે એટલો જટિલ વિષય છે કે તેના માટે સારા પ્રમાણમાં સમય, તૈયારી અને સંશોધનની જરૂર પડે. મારે મારી અંગત નોંધો, એશિયન વોઈસ અને ગુજરાત સમાચારના આર્કાઈવ્ઝ, અમારા વિશેષ સામયિકો ઈત્યાદિને ફરીથી તપાસવાની તેમજ તેને પૂરતો ન્યાય આપી શકાય તે માટે ઘણી બધી સામગ્રી પણ એકત્ર કરવી પડે. આથી, હું તે બાબતે જરા પણ ઉતાવળ કરવા ઈચ્છતો નથી. એક રીતે જોઈએ તો મારી આ કોલમ- ‘મારી નજરે’ આવા વિષયો પરત્વે આછેરાં સંસ્મરણો થકી ભવિષ્યમાં શું હોઈ શકે તેના સંકેતો સાથે ભૂતકાળ અને વર્તમાનના ઘણા પસંદગીયુક્ત વિષયોને સ્પર્શે જ છે.
મને ઈન્ડિયન જીમખાનામાં એક ડિનરમાં હાજરી આપ્યાનું સ્મરણ થાય છે જ્યાં, પચાસીમાં રહેલા યુવાન અને સફળ ડેન્ટિસ્ટ સાથે મારી મુલાકાત થઈ હતી. હું તેમના પિતા અને દાદાને સારી રીતે જાણતો હતો. અમારી વાતચીત દરમિયાન, તેમણે ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી મારી ગુજરાતી કોલમ ‘જીવન પંથ’ ઘણી ગમતી હોવાનું કહ્યું હતું. તેમણે મને ઈંગ્લિશમાં લખવા માટે અને ખાસ કરીને યુકેમાં સ્થાયી થવાની મારી યાત્રા વિશે લખવા પ્રોત્સાહિત કર્યો હતો. તેમને લાગ્યું હતું કે મારા બાળપણના કિસ્સાઓ, ગુજરાતમાં ઉછરવાનો મારો અનુભવ તેમજ શાળાકીય જીવન વિશેની કહાણી જણાવાય તે મૂલ્યવાન અને રોચક બની રહેશે.
નિશ્ચિતપણે આ બધા જ વિષયો રસપ્રદ છે પરંતુ, તે માટે નોંધપાત્ર પ્રમાણમાં સમય હોવો આવશ્યક છે અને મારી વર્તમાન કામગીરીની પ્રતિબદ્ધતાને નિહાળતા તે શક્ય બને તેમ નથી. જોકે, મારે એ સ્વીકારવું જ રહ્યું કે અમારા વાચકગણનો પ્રતિભાવ ભારે પ્રોત્સાહક રહ્યો છે. અત્યાર સુધી તો અમે વ્યાપક રૂપરેખા સાથે થોડા વિષયોને જ સ્પર્શ કર્યો છે. વિસ્તૃત વિગતો માટે તો વહાલા વાચકોએ પુસ્તકની રાહ જોવાની રહેશે અને બે વર્ષ રાહ જોવી તે ઘણો લાંબો સમય ન જ કહી શકાય. પ્રોફેસર ડેવિડે પણ મને ચેતવ્યો જ છે અને કહ્યું હતું કે,‘જૂઓ સીબી, તમારી યાદદાસ્ત તો ઘણી જ સારી છે અને તમારી માનસિક-શારીરિક ક્ષમતા હજુ પણ તીક્ષ્ણ છે પરંતુ, તમારે આ વિષય પાછળ ઘણો સમય ફાળવવો પડશે.’ દેખીતી રીતે જ તેઓ યાદદાસ્ત, દૃષ્ટિ, શ્રવણ અને આવા અન્ય પરિબળો પર આધાર રાખવા સાથે જે એકેડેમિક છૂટછાટ લેવાતી હોય તેનો ઉલ્લેખ કરી રહ્યા હતા. હું જે વિષયોની પસંદગી કરું છું તેની કદર કરવા સાથે મૂલ્યવૃદ્ધિ કરનારા સહુ કોઈનો આભારી છું. આમ છતાં, ગુજરાત સમાચાર સુગ્રથિત સાપ્તાહિક પ્રકાશન હોવાના કારણે મને ફાળવાતા સમય અને જગ્યા બાબતે હું મર્યાદાથી બંધાયેલો પણ છું.
આ પુસ્તક ‘વી માર્ક યોર મેમરી’ માહિતીપ્રદ અને જ્ઞાનવર્ધક પણ છે અને કદાચ સ્મરણોમાં વિચારમગ્ન કરી દેનારું પણ છે. તેમાં આપણે શું મેળવ્યું છે તે જ નહિ પરંતુ, શું ગુમાવ્યું છે તેના પર પણ પ્રકાશ પથરાયો છે. તેમાં વિશેષરુપે કેરેબિયન્સના ભારતીય અને આફ્રિકન મૂળના લોકોએ જે સંઘર્ષો સહન કર્યા છે અને જેમાંથી ઘણાએ વિન્ડરશ ગાથા દરમિયાન નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તેના પર પ્રકાશ ફેંકાયો છે.
આ જ પ્રમાણે, ઘણા ઈસ્ટ આફ્રિકન્સ, ખાસ કરીને યુગાન્ડા ટાન્ગાન્યિકા અને કેન્યાથી આવેલા લોકોએ બ્રિટિશ રાજકારણી એનોક પોવેલ દ્વારા 1968માં અપાયેલી ‘રિવર્સ ઓફ બ્લડ’ પછી ગણનાપાત્ર મુશ્કેલીઓ- પડકારોનો સામનો કરવો પડ્યો હતો. યુકે દ્વારા ઈમિગ્રેશન એક્ટ ઓફ 1962 પસાર કરી જ દેવાયેલો હતો જેમાં કોમનવેલ્થ દેશોમાંથી લોકોને કોઈ મર્યાદા વિના યુકેમાં સ્થાયી થવા પર નિયંત્રણો મૂકાયેલા હતા. આમ છતાં, 1960ના દાયકાના પૂર્વાર્ધ – 1961,1962 અને 1963માં ઈસ્ટ આફ્રિકાના ટાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાંથી મોટી સંખ્યામાં ઈસ્ટ આફ્રિકન એશિયનો અને મુખ્યત્વે ભારતીયો (ગુજરાતીઓ અને પંજાબીઓ) સ્થળાંતર કરી યુકેમાં આવ્યા હતા. તેઓ મોટી આશા સાથે આવ્યા હતા એટલું જ નહિ, તેમની સાથે કૌશલ્ય તેમજ મહત્ત્વાકાંક્ષાઓ અને અન્ય મૂલ્યવાન સ્રોતો પણ લાવ્યા હતા.
ટુંક સમયમાં જ આ ઈસ્ટ આફ્રિકન માઈગ્રન્ટ્સમાંથી ઘણાએ તો નાનીમોટી નોકરીઓમાંથી પ્રગતિ સાધી સફળ અન્ટ્રેપ્રીન્યોર સુધી પહોંચી સિક્કો જમાવી દીધો હતો. આ બધી શરૂઆત મુખ્યત્વે એશિયન ગ્રાહકોને ગ્રોસરીઝ અને કરિયાણાના વેચાણના નાના બિઝનેસીસ થકી થઈ હતી. મને થોડાં ઉલ્લેખનીય ઉદાહરણો યાદ આવે છે જેમાં હું સુતરવાલા સાહેબ તરીકે ઓળખતો હતો તે ગુજરાતી વોહરા જેન્ટલમેનની ઈસ્ટ લંડનમાં લિવરપૂલ સ્ટ્રીટમાં આવેલી એક દુકાનનો પણ સમાવેશ થાય છે. તેમની શોપ આપણા રસોઈઘરની આવશ્યક ચીજવસ્તુઓ મેળવવાનો મુખ્ય સ્રોત હતી. આજે તેમના સંતાનો અને ગ્રાન્ડચિલ્ડને સુતરવાલા કેશ એન્ડ કેરી, સુતરવાલા પ્રોપર્ટીઝ અને અન્ય બિઝનેસીસ સહિત વિશાળ વેપારી સામ્રાજ્ય સ્થાપ્યું છે.
નવેમ્બર 1966માં એક ધૂમ્મસઘેરી સવારે હું હીથ્રો એરપોર્ટથી કોચ મારફત વિક્ટોરિયા ટર્મિનસ આવી પહોંચ્યો હતો. મારા દાર-એસ-સલામના મિત્રો મનુભાઈ ઠક્કર અને રસિકભાઈ લવિંગિયાએ મારું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. હું યુકેમાં બરાબર સ્થિર થવાની શરૂઆત કરું તે પહેલા અમે પાંચ મહિના સુધી એક સિંગલ રૂમમાં સાથે રહેતા હતા. મારા બંને મિત્રો ફુલટાઈમ કામ કરતા હતા ત્યારે હું વિવિધ લંડન ઈન્સ્ટિટ્યૂટ્સમાં લેક્ચર્સ અને કોર્સીસ માટે કોલેજમાં હાજરી આપતો હતો. જોકે, મારું સમયપત્રક ઘણું ભરચક ન હોવાથી મેં રસોઈ કરવાની ભૂમિકા અપનાવી લીધી હતી. અમારા ત્રણ કોર્સના ડિનરમાં ચા અથવા કોફીના કપની સાથે પાપડ, ગરમાગરમ સૂપ તેમજ બટર અને ચીઝ સાથેની સ્લાઈસિસનો સમાવેશ થતો હતો. સમય પસાર થવા સાથે હું મગ અને ભાત જેવી અન્ય સીધીસાદી રસોઈ કરતા પણ શીખી ગયો હતો.
એક વખત કોઈએ અમારી સમક્ષ ઉલ્લેખ કર્યો હતો કે યુસ્ટન સ્ટેશન નજીકની એક શોપમાં ટીનબંધ પાત્રા વેચાય છે અને મનુભાઈને તેની તપાસ કરવાની તાલાવેલી લાગી. આથી, અમે તે દુકાનની મુલાકાત લીધી ત્યારે ડિસેમ્બર 1966નો સમય હતો. લખુભાઈ પાઠક દ્વારા ચલાવાતી તે નાની શોપ હતી જ્યાં ગ્રોસરી, સમોસા અને અન્ય નાસ્તા વેચાતા હતા. થોડાં વર્ષોમાં તો પાઠક સ્પાઈસીસ અને પાઠક એન્ટરપ્રાઈસીસનું કામકાજ ઘણું મોટું થઈ ગયું જેના થકી બ્રિટિશરોનો સ્વાદ પણ બદલાઈ ગયો. પરંપરાગત ફિશ અને ચીપ્સના નાસ્તાની જગ્યાએ લોકો કરી અને અન્ય ભારતીય વાનગીઓનો સ્વાદ અપનાવવા લાગ્યા. મને નૂન પ્રોડક્ટ્સના ગુલામભાઈ નૂન અને પાછળથી અન્ય નોંધપાત્ર એન્ટ્રેપ્રીન્યોર્સ સાથેની મુલાકાતો પણ યાદ છે. આંતરિક-ઘરેલુ કોમ્યુનિટીની સેવા કરતા કરતા વ્યાપકપણે યજમાન કોમ્યુનિટીને સેવા આપવાની કામગીરી મોટા પાયે થતી ગઈ હતી.
યુગાન્ડાના એશિયનો, મુખ્યત્વે ભારતીયો જેમને 1972-73ના ઠંડા શિયાળામાં અહીં આવવાની ફરજ પડી હતી તેઓ બહુ ઝડપથી શોપ ઓનર્સ બની ગયા તે નિહાળવા સાથે મને ઘણો જ આનંદ થયો હતો. મને યાદ આવે છે કે તે સમયે મારા મિત્રો અને મારી પાસે ચિઝિકમાં પાંચ શોપની ચેઈન હતી જ્યાં, W H સ્મિથ, જ્હોન મેન્ઝિસ, અને જેમ્સ મેયેલ દ્વારા ન્યૂઝપેપર્સનો સપ્લાય મળતો હતો. દર સપ્તાહે તેઓ રિપોર્ટ કરતા કે હેમરસ્મિથ અને ચિઝિકની વચ્ચે ચિઝિક હાઈ રોડ અને હેમરસ્મિથ રોડના લાંબા પટ્ટામાં વધુ અને વધુ સંખ્યામાં પટેલ, શાહ અને સિંઘ જોવા મળતા હતા. એક દિવસ હું તે લાંબા માર્ગ પર બે માઈલ જેટલું ચાલ્યો અને ગણતરી કરી તો 37 શોપ્સની માલિકી યુગાન્ડન્સના હસ્તક હતી. તેઓ સમૃદ્ધ થઈ રહ્યા હતા એટલું જ નહિ, તેઓ તેમના ગ્રાહકોને સ્મિત અને નવતર અભિગમ સાથે સેવા આપતા હતા.
મને એક શોપ ખાસ યાદ છે જે અમે હાથમાં લીધી હતી જ્યાં માત્ર ગ્રોસરી-કરિયાણાનું જ વેચાણ કરાતું હતું. તેની જગ્યા મોટી 18 ફૂટ પહોળી અને 40 ફૂટ લાંબી હતી. અગાઉનો માલિક આગળની 12 ફૂટની જગ્યામાં થોડા શાકભાજી રાખવા સાથે સંતુષ્ટ હતો અને બાકીની જગ્યા સ્ટોકરૂમ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. મારી બેન્ક અને મિત્રોના સપોર્ટ સાથે અમે તેનું સેલ્ફ-સર્વિસ સ્ટોરમાં રૂપાંતર કર્યું હતું, અને શોપના આગળના હિસ્સા, ફ્લોરિંગ, બેઠકો-ગોન્ડોલાઝ, અભરાઈઓ અને લાઈટિંગમાં ઈન્વેસ્ટ કર્યું હતું. આ ફેરફારો કરવામાં આશરે પાંચ સપ્તાહ લાગ્યા હતા અને ટર્નઓવર સપ્તાહના 170 પાઉન્ડથી ઉછળી આસમાનમાં 600 પાઉન્ડે પહોંચી ગયું હતું. આ કહાણી માત્ર મારા અનુભવની જ નથી. યુગાન્ડા અને ઈસ્ટ આફ્રિકાના ઘણા એશિયનો તેમજ અન્ય માઈગ્રન્ટ્સ આ સમયગાળા દરમિયાન રૂપાંતર અને સુધારણાનું કૌશલ્ય શીખી ગયા હતા.
મેં વર્ષ 1990માં પ્રાઈમ મિનિસ્ટર માર્ગારેટ થેચરનો ઈન્ટરવ્યૂ લીધો હતો અને તેમણે આપણા તત્કાલીન પ્રકાશનોમાં એક એશિયન બિઝનેસ મેગેઝિનમાં લખ્યું હતું કે એશિયન એન્ટ્રેપ્રીન્યોરશિપે રીટેઈલિંગ ક્ષેત્ર પર ભારે અસર કરી છે અને કોઈ જ સરકારી મદદ વિના લંડન, લેસ્ટર, બર્મિંગહામ, હેરો અને અન્ય વિવિધ સ્થળોની સ્ટ્રીટ્સના રૂપાંતરણમાં મદદ કરી છે. આ ઉપરાંત, એશિયનો દ્વારા વિકસાવાયેલાં વિવિધ બિઝનેસીસે ટેક્સ મારફતે સ્થાનિક સરકારને સપોર્ટ કર્યો છે.
મને આ શોપકીપર્સ, વિશ્વાસ ન થાય તેટલાં લાંબા કલાકો સુધી કામ કરનારાં પતિઓ અને પત્નીઓ તથા તેમના સગાંસંબંધીઓની સમર્પિતતામાં મને ભારે આનંદ દેખાતો હતો. કમિશન ફોર રેસિયલ ઈક્વલિટીના ચેરમેન મિ.રેમ્પટન દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં પણ આ પ્રયાસને હાઈલાઈટ કરાયો હતો. પતિઓ અને પત્નીઓ તથા તેમના સગાંસંબંધીઓ સહિત આ બધા શોપકીપર્સ લાંબા કલાકો સુધી કાર્યરત રહેતા હતા તેમનું સમર્પણ ખરેખર કાબિલેતારીફ હતું.
12 ઈનર લંડન બરોમાં એજ્યુકેશન વિશે ન્યૂ લાઈફમાં અભ્યાસપૂર્ણ પણ પ્રકાશિત થયો હતો. મિ.રેમ્પટને નોંધ્યું હતું કે ઘણા શોપકીપર્સ અને વ્યક્તિઓ ઈસ્ટ આફ્રિકાથી આવ્યા હતા અને ખાસ તો જેઓ ભારતીય મૂળના હતા તેમણે તેમના સંતાનોને ખાનગી સ્કૂલ્સમાં મોકલવામાં ભારે પરિશ્રમ અને પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરી હતી. હું ઘણાં બધાં ઉદાહરણો જાણું છું જ્યાં તેમણે પોતાના બાળકો ખાનગી શિક્ષણ મેળવી શકે તેની ચોકસાઈ માટે અથાક મહેનત કરી હતી. આજે તે બાળકો જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરોએ પહોંચી ગયા છે. સાચે જ આ બાબતો અતુલનીય બલિદાનો, નિષ્ઠા, ક્ષમતા અને આગળ દેખાતાં ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે
.(ક્રમશઃ)

