હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર હુમલામાં નસરલ્લાહ અને તેની પુત્રીનાં મોત

Wednesday 02nd October 2024 06:19 EDT
 
 

બૈરુતઃ શુક્રવારે 27 સપ્ટેમ્બરે લેબનોનની રાજધાની બૈરુત પર ઇઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહ ઠાર મરાયો. હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલામાં નસરાલ્લાહની પુત્રી ઝૈનબનું પણ મોત નીપજ્યું છે.
હાશિમ સફીદ્દીન હિઝબુલ્લાહનો નવો વડો
હસન નસરાલ્લાહના મોત બાદ હિઝબુલ્લાહે હિઝબુલ્લાહની કમાન નસરલ્લાહના સંબંધી હાશિમ સફીદ્દીનને સોંપી છે, હાલ તે ઇઝરાયેલી હુમલાથી બચતો ફરી રહ્યો છે.
લોકો દરિયાકિનારે રાત વિતાવવા મજબૂર
લેબનોનમાં શનિવાર રાતથી ઈઝરાયલ દ્વારા હુમલામાં બૈરુતની 40 ટકા ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે. આ સ્થિતિમાં લોકો ડરમાં છે અને દરિયાકિનારે ભાગી રહ્યા છે. જ્યાં લોકોને ખુલ્લામાં રાત વિતાવવાની ફરજ પડી છે.
બ્રોડકાસ્ટ ઇઝરાયેલના કબજામાં
ઇઝરાયલે બૈરુતના એરપોર્ટના કંટ્રોલ ટાવરની બ્રોડકાસ્ટ ફ્રીકવન્સી સંપૂર્ણપણે તેના કબજામાં લઈ લીધી છે. તેણે આમ બૈરુતમાં કયું પ્લેન ઉતરવા દેવું તેની સત્તા ઇઝરાયલે પોતાને હસ્તક લઈ લીધી છે.
સીરિયામાં USની એર સ્ટ્રાઇક
ઇઝરાયલે હમાસ અને હિઝબુલ્લાહ સામે માંડેલા મોરચા વચ્ચે હવે અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલો કરી દીધો છે. યુએસ આર્મીની આ એર સ્ટ્રાઇકમાં ઇસ્લામિક સ્ટેટના તેમજ અલ-કાયદાના કુલ 37 આતંકી માર્યા ગયા છે.
ઇઝરાયલ પર ઇરાનનો સૌથી મોટો હુમલો
ઇરાને મંગળવારે સાંજે ઇઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો. ઇરાન દ્વારા ઇઝરાયલ પર 400થી વધુ બેલેસ્ટિક મિસાઇલનો મારો ચલાવાયો છે. ઉલ્લેખનીય છે કે, હુમલાથી થોડા સમય પહેલાં જ અમેરિકાએ ઇરાનના બેલેસ્ટિક મિસાઇલના હુમલાની ચેતવણી આપી હતી
ઇરાની એટેકને હવામાં જ કરાયો બેઅસર
ઇઝરાયલ સેનાના જણાવ્યા પ્રમાણે તમામ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડી લેવામાં આવ્યા છે. સેનાના જણાવ્યા પ્રમાણે લાખો લોકોને બોમ્બ શેલ્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે, ઇઝરાયલી મિસાઇલથી ઇરાનની બેલેસ્ટિક મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરાઈ હતી અને ઇરાની એટેકને હવામાં જ બેઅસર કરાયો હતો
ઇઝરાયલ પર હુમલા બાદ ઇરાનનું નિવેદન
ઇરાને ચેતવણી આપી છે કે, જો ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરી તો તહેરાનની પ્રતિક્રિયા વધુ વિનાશકારી હશે.’
ઇઝરાયલમાં ભારતીયો માટે એડવાઇઝરી
ઇઝરાયલની સ્થિતિ અંગે ભારતે કહ્યું કે, ભારત સરકાર ભારતીય એમ્બેસીના સંપર્કમાં છે અને સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારત દ્વારા આ અંગે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. તમામ ભારતીયોને સુરક્ષિત સ્થાને રહેવા માટે જણાવાયું છે.


comments powered by Disqus