સંયુક્ત રાષ્ટ્રની લાચારી વૈશ્વિક શાંતિ માટે અત્યંત જોખમરૂપ

Wednesday 03rd April 2024 06:20 EDT
 

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો નજીકના ભવિષ્યમાં અંત દેખાતો નથી. હમાસના આતંકવાદી હુમલા બાદ ઇઝરાયેલી સેના દ્વારા વેરાઇ રહેલા વિનાશનો પણ અંત દેખાતો નથી. આ બંને યુદ્ધને જોતાં સંયુક્ત રાષ્ટ્રની ભુમિકા પર સવાલો સર્જાઇ રહ્યાં છે. વિશ્વમાં સંઘર્ષો ટાળવા માટે 24 ઓક્ટોબર 1945ના રોજ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે આ વૈશ્વિક સંસ્થાની રચના કરાઇ ત્યારે એવો આશાવાદ વ્યક્ત કરાયો હતો કે વૈશ્વિક શાંતિની જાળવણીમાં તે મહત્વની ભુમિકા ભજવશે. રચનાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી, દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધોનો વિકાસ, આંતરરાષ્ટ્રીય સહકાર અને વિવિધ દેશોના પગલાંમાં કેન્દ્રસ્થાને રહી સંકલન સાધવાનો હતો પરંતુ આ સંસ્થા હવે જાણે કે વૈશ્વિક મહાસત્તાઓની કઠપૂતળી બની ગઇ હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. જે ઉદ્દેશો સાથે આ સંસ્થાની સ્થાપના કરાઇ તેને અભેરાઇ પર ચડાવી દેવામાં આવ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રની રચના બાદ હાલ આ કાર્ય 15 સભ્યોની સુરક્ષા પરિષદ કરે છે અને તેમાં અમેરિકા, યુકે, ચીન, ફ્રાન્સ અને રશિયા કાયમી સભ્યો છે જ્યારે બાકીના 10 સભ્ય દેશ હંગામી હોય છે. કાયમી સભ્યો પાસે વીટો પાવર હોવાના કારણે તેઓ પોતાની મનમાની ચલાવ્યે રાખે છે અને પોતાના હિતોને અનુલક્ષીને નિર્ણયો લેવડાવે છે. સુરક્ષા પરિષદના વિસ્તરણની માગ અને તેમાં ભારત જેવા વિશાળ વસતી ધરાવતા દેશને કાયમી પ્રતિનિધિત્વ આપવામાં પણ ચીન સહિતની મહાસત્તાઓ વિરોધ કરી રહી છે. હાલમાં ચાલી રહેલાં યુક્રેન-રશિયા અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધને અટકાવવામાં પણ સુરક્ષા પરિષદ સંપુર્ણપણે નિષ્ફળ રહી છે. બંને યુદ્ધમાં હજારો માનવ જિંદગીઓ હોમાઇ ગઇ હોવા છતાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી. પશ્ચિમ અને પૂર્વની વિભાજિત થયેલી ધરી સંયુક્ત રાષ્ટ્રને વધુ લાચાર બનાવી રહી છે કારણ કે મહાસત્તાઓની ગૂટબાજી વૈશ્વિક સંસ્થા પાસે પોતાનું ધાર્યું કરાવી રહી છે. યુએનની આ લાચારી વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે અત્યંત જોખમરૂપ પૂરવાર થઇ રહી છે. 


comments powered by Disqus