આજના લોકશાહીના યુગમાં મોટાભાગના દેશો પોતે બિનસાંપ્રદાયિક હોવાના દાવા કરે છે પરંતુ ધર્મ અને રાજનીતિનો એક જ સત્તા હાંસલ કરવાનો અને પોતાના હિતો સાધવાનો લક્ષ્યાંક રહ્યો છે. 18મી સદી પહેલાં રાજાશાહીના યુગમાં રાજાનો ધર્મ જ રાજ્યનો ધર્મ ગણાતો. રાજાશાહીના અંત અને લોકશાહીના ઉદય સાથે દેશોની સરહદો સુદ્રઢ બની અને બિનસાંપ્રદાયિકતાનો વિચાર વ્યાપક બનવા લાગ્યો તેમ છતાં રાજનીતિ અને ધર્મ એકબીજાથી સંપુર્ણપણે અલગ થઇ શક્યાં નથી. સત્તા હાંસલ કરવા માટે આજના બિનસાંપ્રદાયિકતાના યુગમાં પણ ઘણા રાજકીય નેતાઓ દ્વારા ધાર્મિક લાગણીઓનો જનમાનસના ધ્રુવીકરણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુરોપ અને અમેરિકામાં આજે પણ રાજનીતિમાં ચર્ચનો હસ્તક્ષેપ જોવા મળે છે. ઇસ્લામિક દેશોમાં સત્તાધીશો પોતાની સત્તા ટકાવી રાખવા માટે ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરતાં ખચકાતાં નથી. ભારત જેવી વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પણ છેલ્લા એકદાયકાથી ધર્મ રાજનીતિના કેન્દ્રમાં આવી ગયો છે. ધર્મ અને રાજનીતિનું આ મિશ્રણ લોકતાંત્રિક સમાજ માટે દુષણ બની રહ્યું છે. તેના કારણે લઘુમતી સમુદાયોના માનવ અધિકારોનું ઉલ્લંઘન વ્યાપક બની રહ્યું છે. જે તે દેશનો બહુમતી સમુદાય રાજકીય સમર્થનના કારણે લઘુમતી સમુદાય પર અત્યાચારો કરવામાં પાછળ રહેતો નથી. હંમેશા સત્તા માટે જ કરાતી રાજનીતિને આ સ્થિતિ વધુ માફક આવી રહી છે. ધર્મની વાત આવે ત્યારે ગમે તેવો સહિષ્ણુ માનવી અસહિષ્ણુતાની પરાકાષ્ટા વટાવી દે છે તે બાબત રાજકીય નેતાઓ સારી રીતે સમજે છે. જ્યારે પણ તેમને સત્તાનું સિંહાસન ડોલતું દેખાય ત્યારે તેઓ જનસમુદાયની ધાર્મિક લાગણીઓને ઝંઝોડવાનું શરૂ કરી દે છે જેથી તેમની સત્તાની ખુરશીના પાયા સલામત રહે. પરંતુ આ ધર્મ અને રાજનીતિના આ મિશ્રણને પગલે એક સરમુખત્યારી સિસ્ટમનો જન્મ થાય છે. જર્મનીમાં હિટલરે યહૂદી વિરોધી લાગણીઓ ઉશ્કેરીને સત્તા હાંસલ કરી હતી. ઇરાક, લીબિયા, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા ઇસ્લામિક દેશોમાં સરમુખત્યારોએ ધર્મના નામે જ સત્તાના ફળ ચાખ્યાં છે. આ સરમુખત્યારી સિસ્ટમ સમાજની રચનાત્મક ઉર્જાઓનો વિનાશ વેરે છે, લોકશાહીનું નિકંદન કાઢે છે અને સંસ્કૃતિઓ નાબૂદ કરે છે.