સુનાક માટે કપરાં ચઢાણ, કૌવત દેખાડવું પડશે

Wednesday 03rd April 2024 06:21 EDT
 

બ્રિટનમાં આ વર્ષના અંત સુધીમાં સંસદની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે છેલ્લા દોઢ દાયકાથી દેશ પર શાસન કરી રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી માટે માઠા સમાચારો આવી રહ્યાં છે. કોરોના મહામારી અને ત્યારબાદના કાર્યકાળમાં કન્ઝર્વેટિવ નેતાઓ દ્વારા જે રીતે શાસન ચલાવવામાં આવ્યું તેના કારણે પાર્ટીની લોકપ્રિયતા તળિયે બેઠી છે. તાજેતરમાં જારી કરાયેલા એક સરવે અનુસાર પાર્ટીને 100 બેઠકો મળે તેવી પણ સંભાવના નથી. સરવેમાં એમ પણ કહેવાયું છે કે વર્તમાન વડાપ્રધાન રિશી સુનાકના ચૂંટાઇ આવવા અંગે પણ શંકા છે. વર્તમાન સમયમાં થયેલી પેટાચૂંટણીઓમાં પણ કન્ઝર્વેટિવ પાર્ટીને મોટા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં વડાપ્રધાન રિશી સુનાકનું નેતૃત્વ કન્ઝર્વેટિવ પાર્ટીને ચૂંટણીની વૈતરણી પાર કરાવવામાં સફળ થશે કે કેમ તે અંગે શંકાઓ સેવાઇ રહી છે. બોરિસ જ્હોન્સન બાદ વડાપ્રધાનપદ પર બિરાજમાન થયેલા લીઝ ટ્રસની નીતિઓએ દેશના અર્થતંત્રને ખાડે લઇ જવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. ફુગાવાનો દર આસમાન પર હતો અને આમ આદમી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પરેશાન હતો. તેવા સમયે સત્તા પર આવેલા રિશી સુનાકે મક્કમ પગલાં દ્વારા અર્થતંત્રને બેઠું કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી અને તેમના દ્વારા અપનાવાયેલી આકરી નીતિઓના કારણે આજે ફુગાવાનો દર નોંધપાત્ર રીતે ઘટી રહ્યો છે. તેમ છતાં સુનાક સામેના પડકારો હજુ ઓછા થયાં નથી. ઇમિગ્રેશન, ગેરકાયદેસર માઇગ્રેશન, ઊંચા કરવેરા, બેનિફિટ્સ જેવા સંખ્યાબંધ મોરચે રિશી સુનાકે હજુ ઘણી બાથ ભીડવાની છે. તે ઉપરાંત કન્ઝર્વેટિવ પાર્ટીમાંનો આંતરિક કોલાહલ પણ સુનાક માટે મોટા પડકારરૂપ છે. વિવિધ સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટી રસાતાળ થયાના સંકેતો બાદ ઘણા ટોરી સાંસદો આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરવા જ તૈયાર નથી. આવી કપરી સ્થિતિમાં સુનાકે મક્કમતા અને ધૈર્ય સાથે નિર્ણયો લેવા પડશે. રાજનીતિમાં કશું કાયમી નથી. રાજકીય વતૃળોમાંથી પ્રાપ્ત થતાં સંકેતો પ્રમાણે આગામી ડિસેમ્બરમાં સંસદની ચૂંટણી યોજાઇ શકે છે. આમ રિશી સુનાક પાસે પાર્ટીને બેઠી કરવા માટે 6 મહિના કરતાં વધુનો સમય છે. જો રિશી સુનાકે અપનાવેલી નીતિઓ સારા પરિણામ આપે તો કન્ઝર્વેટિવ પાર્ટી લેબર અને અન્ય વિપક્ષને ટક્કર આપી શકે છે. રિશી સુનાકે આગામી મહિનાઓમાં પોતાનું કૌવત દેખાડવું પડશે.


comments powered by Disqus