ટોકિયોઃ નવા વર્ષના પહેલા દિવસે જ જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. જાપાનના પશ્ચિમી જાપાનના ઇશિકાવા પ્રાંતમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
જાપાનથી મળતા અહેવાલ મુજબ મંગળવારની સ્થિતિ મુજબ ભૂકંપના કારણે 48 લોકોનાં મોત થયાં છે અને 140 આફ્ટરશોક્સ નોંધાયા છે, જેની તીવ્રતા 3.4 થી 4.6ની વચ્ચે રહી છે. 7.4ની ભારે તીવ્રતા સાથેના ભૂકંપના કારણે અનેક સ્થળે શોર્ટસર્કિટ અને અન્ય કારણોસર આગ લાગી હતી, જેમાં ઇશિકાવા પ્રાંતની 200 ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. વીજપુરવઠો બાધિત થતાં નોટોમાં જાપાનની જાણીતી બુલેટ ટ્રેનમાં 1400 લોકો ફસાયા હતા.
જમીન 1.3 મીટર ખસી
જાપાન જીએસઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 7.4ના ભૂકંપના કારણે ટેક્ટિકલ પ્લેટ્સમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેના કારણે જાપાનના નોટો વિસ્તારની જમીન ભૂકંપના કેન્દ્રબિન્દુથી 1.3 મીટર જેટલી ખસી ગઈ છે.
જાપાનમાં સોમવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેના 6 દિવસ પહેલાં જ 27 ડિસેમ્બરે સ્થાનિક સરકાર દ્વારા વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાશીવાઝાકી કારિવા પરનો પ્રતિબંધ હટાવી લેવાયો હતો. જાપાન ટાઇમ્સના અહેવાલ મુજબ ભૂકંપ આવ્યો ત્યારે તેના ટોપ ફ્લોરના રિએક્ટર નં. 7 અને રિએક્ટર નં. 2 પર રેડિયો એક્ટિવ મટિરિયલ વહેવા લાગ્યું હતું. જો કે પછી જણાવવામાં આવ્યું કે પ્લાન્ટ પર વધારે અસર થઈ નથી. સુનામીની સંભાવનાને પગલે એક લાખ લોકોને તેમનાં ઘર ખાલી કરાવાયાં હતાં

